તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સદીઓથી અડીખમ ધરોહર:674 વર્ષ જૂના ગાંધીનગરના સાદરા ગામનો ઇતિહાસ, ઇસ.1426ના સુલતાને બાંધેલો કિલ્લો આજે પણ આકર્ષણનું કેન્દ્ર

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: દીપક શ્રીમાળી
  • 'શાહડેરા' તરીકે ઓળખાતા કિલ્લાના નામ પરથી સાદરા ગામનું નામ પડ્યાની લોકવાયકા
  • ઇસ 1820માં અંગ્રેજ સરકારે માત્ર રૂ. 250ના ભાડા પેટે પોલિટિકલ એજન્ટ કેમ્પની સ્થાપના કરી

પુરાણકાલીન 'ચંદ્રના' એટલે કે સાબરમતી નદીના તટે વસેલા ગાંધીનગરના સાદરા ગામ 15મી સદી પૂર્વેથી અનોખો ઈતિહાસ ધરાવતું એકમાત્ર ગામ છે. ઇસ 1426માં નદીની ઊંચી ભેખડ પર સુલતાન અહમદશાહે બંધાવેલો કિલ્લો આજે 21મી સદીમાં પણ અડીખમ ઊભો છે. ઇસ 1811-12માં અંગ્રેજ સરકાર દ્વારા ગાયકવાડ સરકાર પાસેથી જમાબંધી (ઘાસ દાણો, ખીચડી) ઉઘરાવવામાં અવ્યવસ્થા સર્જાતાં ઇસ 1820માં અહીં અંગ્રેજ સરકારે માત્ર રૂ. 250ના ભાડા પેટે પોલિટિકલ એજન્ટ કેમ્પની સ્થાપના કરી હતી. અંગ્રેજ સરકારે પોલિટિકલ એજન્ટના નિવાસ માટે બંગલો, કચેરીઓ, ટ્રેઝરી માટેનાં મકાનો પણ તૈયાર કર્યાં હતાં, જેના અવશેષો આજે પણ જોવા મળી રહ્યા છે.

સાદરા ગામનું નામ કેવી રીતે પડ્યું?
અમદાવાદથી દિલ્હી જવાના માર્ગ પર વિરામ સ્થાન તરીકે શાહી કુટુંબ ઇસ 1426માં સુલતાન અહમદશાહે ગાંધીનગરના સાદરા ગામે બાંધવામાં આવેલા કિલ્લાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ કિલ્લાને 'શાહડેરા' તરીકે ઓળખાતો હોવાથી સમય જતાં સાદરા ગામનું નામ પડ્યાની લોકવાયકા છે. આ ગામ વાસણા ઠાકોરની હકૂમત તરીકે ઓળખાતું હતું. ત્યારે ઈસ 1820માં અંગ્રેજ સરકારે પોલિટિકલ એજન્ટની સ્થાપના કરવા વાસણા ઠાકોર પાસેથી વાર્ષિક રૂ. 250ના ભાડા પટ્ટાથી જગ્યા લઈ સાદરા કેમ્પ વિકસાવવામાં આવ્યું હતું.

ઈડર સ્ટેટથી મોટા કંડોરણા સહિત બાવન સ્ટેટના પ્રશ્નોના ઉકેલ માટે વહીવટી વ્યવસ્થા ગોઠવવામાં આવી
અહીં પોલિટિકલ એજન્ટ, એટલે કે કેમ્પની સ્થાપના થતાં પ્રથમ વર્ગના ઈડર સ્ટેટથી લઈ સાતમા વર્ગના મોટા કંડોરણા સહિત બાવન સ્ટેટના પ્રશ્નોના ઉકેલ માટે વહીવટી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ સ્ટેટના શાસકો તેમજ તાલુકાદારો રસાલા સાથે આવે ત્યારે તેમના ઉતારા માટે ડહેલા પણ બનાવેલા, જેમાંથી બચેલા થોડાક આજે પણ ગામમાં જોવા મળે છે. એ વખતે અહીંના બૂટ, ચંપલ, સપાટો જાણીતા ઉદ્યોગ ધમધમતા હતા.

કાયદો વ્યવસ્થા માટે 300થી 400 માણસોનું પોલીસ દળ હતું
ધંધા-ઉદ્યોગથી ધમધમતા વૈભવી સાદરા ગામમાં બહારથી પણ મોટી સંખ્યામાં લોકો આવતા હતા. ત્યારે પોલિટિકલ એજન્ટ હોવાના નાતે અહીં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે 300થી 400નું પોલીસ દળ તહેનાત રહેતું હતું, જેમાં હોર્સ રાઈડર્સ, કેમલ રાઈડર્સ તેમજ ફૂટ ફોર્સનો સમાવેશ થતો હતો. એના નિયંત્રણ માટે ડીએસપી કક્ષાના અધિકારી અને તેની ઉપર આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટનું નિયંત્રણ રહેતું હતું, જે આ હોદ્દાની સાથે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને સેશન્સ જજનો હોદ્દો પણ અખત્યાર કરતા હતા. આજે પણ ગામમાં ડીએસપીનું મકાન જર્જરિત હાલતમાં જોવા મળે છે.

ઈસ 1902માં વિક્ટોરિયા મેમોરિયલ લાઇબ્રેરી-ફ્રી રીડિંગ રૂમની શરૂઆત થઈ
ઈસવીસન 1857ના વિપ્લવ પછી કંપની સરકાર પાસેથી ઇંગ્લેન્ડની સરકારે વહીવટ સંભાળી લેતા પેટના શાસકો અને તાલુકા દારૂના ફંડફાળાથી ઇસ 1874માં મેજર લિજેટની પોલિટિકલ એજન્ટ તરીકે વરણી થઈ હતી. બાદમાં ઈસ 1902માં વિક્ટોરિયા મેમોરિયલ તથા રીડિંગ રૂમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષાનાં ત્રણ હજાર પુસ્તકો (એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકાના 36 ભાગ સાથે) હતા.

એ જ રીતે વિક્ટોરિયા મેમોરિયલ કલોક ટાવર પણ (જેની પર વિક્ટોરિયાનો બસ્ટ હજી પણ છે) ઊભો કરાયો હતો. એ સાદરાની યશકલગી સમાન ભૂકંપની અસર વિના આજે પણ અડીખમ ઊભો છે. તેમ જ વિક્ટોરિયા મેમોરિયલ લાઇબ્રેરી નવા રૂપરંગ સાથે કાર્યરત છે. ત્યારે અહીંના ક્લોક ટાવરનું રંગરોગાન પણ થયું છે. કલોક ચાલુ કરવા અથવા નવી મૂકવાની વિચારણા ચાલી રહી છે, જેથી આગામી ભવિષ્યમાં ગામમાં પૂર્વવત ઘડિયાળના ટકોરા સંભળાવાના ભણકારા વાગી રહ્યા છે.

ઈસ 1840માં શરૂ થયેલી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 7માં કોઈપણ નાતજાતના ભેદભાવ વિના શિક્ષણ અપાતું
ઈસ 1840માં કર્નલ વોલેસે સ્વખર્ચે પ્રાથમિક શાળા શરૂ કરાવી હતી, જેમાં ધોરણ 1થી 7માં સામાન્ય પ્રજાજન ગરીબ તેમજ દરબારો અને તાલુકાદારોનાં સંતાનો કોઇપણ જાતના ભેદભાવ વિના શિક્ષણ મેળવતાં હતાં. નોંધનીય છે એ જમાનામાં પૂર્વે પ્રાથમિક બાળપોથી વર્ગ પણ હતો અને પાછળથી રાજકોટ કોલેજ જેવી તાલુકાદારો અને દરબારોનાં સંતાનો માટે સ્કોટ કોલેજની શરૂઆત કરાઈ હતી, જ્યાં ગુજરાતી ભાષાના જાણીતા કવિ ન્હાનાલાલ પ્રિન્સિપાલ તરીકે ઈસ 1902થી 1904 સુધી સેવા આપતા હતા. અહીં વકીલ તરીકે રામનારાયણ વિ.પાઠક પણ હતા, જેમણે દ્વિરેફની વાતોમાં જક્ષણી વાર્તા સર્જી એનું શીર્ષક અહીંના સુપ્રસિદ્ધ જક્ષણી માતાજી પરથી તેમને સ્ફૂર્યું હતું.

વર્ષ 1966માં ટીબીના દર્દીઓની સારવાર માટે સેનિટોરિયમ શરૂ થયું
અત્યારે કોલેજના મકાન મેદાન પર શેઠ અમૃતલાલ હરગોવિંદદાસના સૌજન્યથી માજી ગવર્નર મહેંદી નવાજ ગંજના રસ અને પ્રયાસથી 11 ઓગસ્ટ વર્ષ 1966થી ટીબી સેનિટોરિયમ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યારે હાલમાં સરકારી દવાખાનું કાર્યરત છે. અંગ્રેજ શાસનકાળ દરમિયાન કિલ્લાની જમણી બાજુ સિવિલ હોસ્પિટલ અને તેનાં મકાનો હતા, જ્યાં સિવિલ સર્જન રહેતા રહેતા તેમજ અંદર-બહારના દર્દીઓ માટે રહેવા-જમવાની સુવિધા પણ હતી. અહીં ઓપરેશન પણ થતાં, દૂર દૂરથી દર્દીઓ સારવાર મેળવવા આવતા હતા.

અંગ્રેજ શાસનકાળમાં દરમિયાન અંગ્રેજી શિક્ષણ આપવા એ.વી. સ્કૂલની શરૂઆત થઈ
અંગ્રેજ શાસનકાળ દરમિયાન અંગ્રેજી શિક્ષણ પૂરું પાડવા એ.વી. સ્કૂલની શરૂઆત થઈ હતી, જ્યાં ધોરણ 1થી 5 સુધીનું સઘન શિક્ષણ આપવામાં આવતું હતું. ઈસ. 1943માં એજન્સી ઊઠી ગયા બાદ ઈસ. 1956માં સાદરા કેળવણી મંડળે શરૂ કરેલી માધ્યમિક શાળા એ જ એ.વી. સ્કૂલના મકાનમાં શરૂ થઈ હતી. અત્યારે ત્યાં નવો વિશાળ હોલ તેમજ પાછળના ભાગે નવા ઓરડા, વર્ગખંડ તૈયાર અત્રેની સ્કૂલના જૂના મકાનમાં પણ રૂમો વધારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે.

અંગ્રેજ શાસનકાળ સમયે જે બંગલોમાં ડીએસપી રહેતા એ બંગલો કચેરીના મકાન તેમજ નજીકની જમીન ખરીદી ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ધોરણ-12 પછીના સ્નાતક શિક્ષણની વ્યવસ્થા તેમજ વ્યાયામ માટે સ્નાતક અનુસ્નાતક કક્ષાના શિક્ષણ ઉપરાંત પીએચડીના શિક્ષણની વ્યવસ્થા છે.

ઈસ. 1978માં મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિદ્યાલય પણ શરૂ થઈ
ઈસ. 1978, ત્રીજી જુલાઈથી મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિદ્યાલય પણ શરૂ થયું હતું. ત્યારે ઈસ 1981માં અહીં પદવીદાન સમાંરભ યોજાયો હતો, જેમાં કુલપતિ મોરારજી દેસાઈના વરદ હસ્તે પ્રમાણ પત્રો એનાયત થયા હતા અને ગુજરાતી કવિ ઉમા શંકર જોશીએ દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. અહીં મુલાકાતી તરીકે બબલ દાસ મહેતા અને ડો.ડી. એસ. કોઠારી જેવા મહાનુભાવો પણ પધાર્યા હતા.

ઈસ. 1943 સુધી મહત્ત્વના રાજકીય સ્થળ તરીકે જાણીતું ગામ એટલે સાદરા ગામ
ઈસ. 1943 સુધી મહત્ત્વના રાજકીય સ્થળ તરીકે જાણીતું સાદરા નેશનલ હાઇવેથી 10થી 12 કિલોમીટર દૂર હોવાથી તેમજ રેલવેની સગવડ ન હોવાથી થોડોક અવરોધ નડે છે. સાદરા એજન્સી ઊઠી જતાં મૂર્છાવસ્થામાં આવી ગયેલા ગામના વિકાસ માટે અહીં ડો. કૌશિક પી. શાહના અથાગ પ્રયત્નોથી સાદરાને યાત્રાધામ તરીકે જાહેર કરવામાં સફળતા મળી છે.

અત્યારે ગામના સરપંચ, પંચાયત સદસ્યો અને યુવા કાર્યકર્તાઓનાં સહયોગથી 'જક્ષણી માતા'ના મંદિરે પાકો રોડ, ટાવરિંગ હેલોજન લાઈટ, સુરક્ષા દીવાલ, આયુર્વેદિક ઉધાન, ગામના દરેક વાસમાં આર.સી.સી રસ્તા, પાણીની પાઈપ અને ગટરલાઈન સહિતનાં વિકાસકામોએ હરણફાળ ભરી છે.

અન્ય સમાચારો પણ છે...