મુખ્યમંત્રીની મોટી જાહેરાત:5 મહિનામાં 20 હજાર યુવાનને સરકારી નોકરી અપાશે, પરીક્ષા આપ્યા બાદ પણ નિમણૂક પત્ર બાકી હોય તેવી 8 હજાર જગ્યા પર તાત્કાલિક ભરતી કરાશે

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી દ્વારા રાજ્યના યુવાનો માટે સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો ખોલવામાં આવી રહી છે
  • જાહેરાત થયા બાદ પરીક્ષા ન લેવાઇ હોય તેવી 9650 જગ્યા માટે કોરોનાની સ્થિતિ થાળે પડ્યા બાદ જ પરીક્ષાનું આયોજન કરાશે: રૂપાણી

કોરોના સંક્રમણને કારણે રાજ્યમાં અટવાઇ પડેલી સરકારી ભરતી પ્રક્રિયા હવે તાત્કાલિક શરૂ કરીને આગામી 5 મહિનામાં 20 હજાર યુવાનોને સરકારી નોકરી આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. લાંબા સમયથી યુવાનો રોકાયેલી ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગણી કરી રહ્યા હતા દરમિયાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવિધ ભરતી સમિતિઓની બેઠક બોલાવીને પ્રક્રિયા શરૂ કરવાના આદેશ આપ્યા હતા. જોકે, ભરતી માટેની પરીક્ષા કોરોનાની સ્થિતિ થાળે પડે પછી જ યોજાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

તાત્કાલિક ભરતી શરૂ કરવાના આદેશ
સીએમ વિજય રૂપાણીએ શનિવારે રાજ્ય સરકારના અધિકારીઓ ઉપરાંત જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત ભરતી બોર્ડ, પોલીસ ભરતી બોર્ડ સહિત વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવીને ભરતી પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. તેમણે સરકારના વિવિધ વિભાગોમાં તાત્કાલિક ધોરણે સમયબદ્ધ ભરતી પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપી છે.

9 હજારથી વધુ બેઠકો માટે જાહેરાત પ્રસિદ્ધ થઈ
આજની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ પરીક્ષા સહિતની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હોય પરંતુ પરિણામ જાહેર થવાના બાકી હોય તેવી જગ્યાઓની સંપૂર્ણ પ્રક્રિયા આગામી ત્રણથી પાંચ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં પરીક્ષાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો હોય અને અન્ય તબક્કા બાકી હોય તેમજ નિમણૂંકપત્રો આપવાના બાકી હોય તેવી 8 હજાર જગ્યાઓ માટે બાકી પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરીને નિમણૂંકપત્રો આપવા સૂચના આપવામાં આવી છે. સમીક્ષા દરમિયાન એવું જણાયું હતું કે 9650 જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ થઇ ગઇ છે પરંતુ પરીક્ષા યોજવામાં આવી નથી. જેથી આવી ભરતી પ્રક્રિયા કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લા 4 વર્ષમાં સવા લાખ જેટલી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા 10 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડીને તે મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. છેલ્લા 4 વર્ષમાં સવા લાખ જેટલી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવી છે. છેલ્લા છ મહિનાથી કોરોનાને કારણે ભરતી પ્રક્રિયા અટકી જતાં ઘણા યુવાનો સરકારી નોકરી માટે રાહ જોઈ રહ્યા છે. જોકે સરકારે હવે ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરતા આગામી ટુંક સમયમાં જ બેરોજગારી દૂર થશે તેમ રાજ્ય સરકારના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

નવી ભરતી બહાર પાડવાનો કોઈ નિર્ણય નહીં
રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર દ્વારા કોરોનાને કારણે અટકી પડેલી ભરતી પ્રક્રિયાઓ અંગે આજની બેઠકમાં નિર્ણય કરવામાં અાવ્યો હતો અને તેની પ્રક્રિયા આગામી દિવસોમાં પુર્ણ કરીને 20 હજાર જગ્યાઓ ભરવામાં આવશે. બીજીતરફ સરકારમાં ખાલી જગ્યાઓ જોતા અને ભરતી કૅલેન્ડર મુજબ વર્ષ 2020-21માં ભરવાની થતી જગ્યાઓ માટેની ભરતીઓ ક્યારે બહાર પાડવામાં આવશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

8000 જગ્યાઓ માટે તાત્કાલિક નિમણૂંક પત્રો આપવા આદેશ
રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ ભરતી એજન્સીઓ, વિભાગો દ્વારા અગાઉ જાહેરાત આપવામાં આવેલી અને પ્રાથમિક પરીક્ષાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો હતો પરંતુ અન્ય તબક્કા બાકી હતા તેવી 8000 જગ્યાઓ માટે બાકી રહેતી પ્રક્રિયાઓ સત્વરે પૂરી કરીને તાત્કાલિક નિમણૂંક પત્રો આપવા તેમણે સૂચનાઓ આપી છે. રાજ્યના રોજગાર વાંચ્છુ અને હોનહાર યુવાઓને વેળાસર અને વ્યાપક રોજગારીના સરકારી નોકરીમાં અવસર મળે તે માટે માર્ગ મોકળો કર્યો છે.

કોવિડ-19ની સ્થિતી સામાન્ય થતાં જ કામગીરી શરૂ થશે
રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી માટેની જે જગ્યાઓની જાહેરાત પ્રસિદ્ધ થઇ ગઇ છે પરંતુ પરિક્ષા લેવાઇ નથી તેવી 9650 જેટલી જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા કોરોના કોવિડ-19ની સ્થિતી સામાન્ય થતાં જ શરૂ કરી દેવા તેમણે તાકિદ કરી છે. રૂપાણીના આ યુવા રોજગારલક્ષી નિર્ણયોને પરિણામે રાજ્યના અંદાજે 20 હજારથી વધુ યુવાઓને અંદાજે આગામી પાંચ મહિનામાં સરકારી સેવામાં નોકરીની તકો મળતી થશે.

ચાર વર્ષમાં સવા લાખ યુવાનોને સરકારી નોકરીઓમાં તક મળી
ભૂતકાળમાં કોંગ્રેસના શાસન દરમિયાન સરકારી નોકરીઓની ભરતી ઉપર પ્રતિબંધ હોવાને કારણે રાજ્યના લાખો યુવાનો વર્ષો સુધી સરકારી નોકરીઓની તકથી વંચિત રહેતા હતા. રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં પારદર્શી અને ઝડપી તથા સરળ ભરતી પ્રક્રિયાઓને પરિણામે છેલ્લા ચાર વર્ષમાં સવા લાખ યુવાનોને રાજ્ય સરકારની નોકરીઓમાં તક મળી છે. એટલું જ નહિ, રાજ્ય સરકારે પહેલીવાર 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરીને સમયબદ્ધ ભરતી થતી રહે તે સુનિશ્ચિત કર્યું છે.

અગાઉની સરકારોમાં જી.પી.એસ.સી.ની પરિક્ષાઓ લેવામાં અને તેના પરિણામો જાહેર કરવામાં લાંબો સમય જતો અને યુવાનો નોકરીની તકોથી વંચિત રહેતા તેનું નિવારણ લાવતા હવે જી.પી.એસ.સી. પણ ભરતી કેલેન્ડર દ્વારા એક જ વર્ષના ટુંકાગાળામાં સમયબદ્ધ અને ઝડપી સ્પર્ધાત્મક પરિક્ષાઓ સહિતની બધી જ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દે છે. મુખ્યમંત્રીએ હવે આ ભરતી પ્રક્રિયાને વધુ સુદ્રઢ અને પરિણામલક્ષી તેમજ સમયસર બનાવી રાજ્યના યુવાઓને કારકીર્દી ઘડતર માટેના ઉત્તમ અવસરો આપ્યા છે.

મુખ્યમંત્રીનો ભરતી પ્રક્રિયાનો વધુ એક નિર્ણય સિમાચિન્હ બનશે
મુખ્યમંત્રીએ આ બધી જ ભરતી પ્રક્રિયાઓ સમયબદ્ધ, નિર્ધારીત આયોજન મુજબ પૂર્ણ થાય તે હેતુસર વિવિધ વિભાગો, ભરતી એજન્સીઓ, GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ વગેરેને સ્પષ્ટ આદેશો પણ આપ્યા છે. રાજ્ય સરકારની નોકરીઓમાં ભરતી માટે કરેલા આ આગવા આયોજનના પરિણામે ઉચ્ચ ગુણવત્તાવાળું કૌશલ્યવાન ટેકનોસેવી યુવાધન રાજ્ય સરકારની નોકરીઓ દ્વારા પ્રજાજનોની સેવામાં મળતું થશે. આ પ્રયાસોમાં મુખ્યમંત્રીએ આજે કરેલો આ ભરતી પ્રક્રિયાનો વધુ એક નિર્ણય સિમાચિન્હ બનશે.

અન્ય સમાચારો પણ છે...