રાજ્યમાં કોરોના સંક્રમણનો ગ્રાફ જોતાં આગામી થોડા દિવસોમાં જ વિસ્ફોટક સ્થિતિ સર્જાય તેવા એંધાણ છે. ત્યારે કોરોના દર્દીઓની સારવાર માટેની દવાઓ, ઇન્જેક્શનો અને સાધનોની યુદ્ધના ધોરણે ખરીદીના આદેશ રાજ્ય સરકારે આપ્યા છે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં નવી ખાસ ખરીદ સમિતિ બનાવી છે. અગાઉની સમિતિને વિખેરીને નવી સમિતિની રચના કરાઈ છે.
આ સમિતિ કોરોના નિયંત્રણ અને સારવાર માટે જરૂરી કોઇપણ પ્રકારના સાધનો, દવાઓ અને માનવબળ સહિતની સેવાઓ તાત્કાલિક અસરથી ખરીદ કરી શકે તેવી સત્તા આપી છે. સરકારમાં ખરીદી માટેની નિયત કરેલી પ્રક્રિયા કે ટેન્ડર સહિતની કોઇપણ પ્રક્રિયાને અનુસર્યા વિના આ સમિતિ દવાઓ, સાધન સામગ્રી કે માનવબળ સહિતની કોઇપણ જરૂરી ચીજવસ્તુ, સેવા યોગ્ય ભાવે લઇ શકશે. આ સમિતિમાં આરોગ્ય વિભાગના એસીએસ મનોજ અગ્રવાલના સચિવ જેપી ગુપ્તા, પ્રવાસન સચિવ હારિત શુક્લા, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાનો સભ્ય તરીકે જ્યારે જીએમએસસીએલના એમડી પ્રભવ જોષીનો સભ્ય સચિવ તરીકે સમાવેશ કરાયો છે.
કોરોનાના દૈનિક કેસ 10 હજારે પહોંચવા આવ્યા છે અને એક્ટિવ કેસ 43 હજારને પાર થયા છે ત્યારે આગામી દિવસોમાં મોટી સંખ્યામાં દર્દીઓને સારવારની જરૂર પડે તો સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે લાખોની સંખ્યામાં દવાઓ અને ઇન્જેક્શનોની ખરીદી શરૂ કરાઈ છે. રેમડેસિવિરનો 4 લાખનો સ્ટોક હોવા છતાં થોડા દિવસ અગાઉ 1.50 લાખની ખરીદી કરાઇ હતી. હવે વધુ 5 લાખ રેમડેસિવિર ઇન્જેક્શનની ખરીદીની પ્રક્રિયા શરૂ કરાઇ છે. આ સિવાય કોરોનાની નવી દવા મોલનુપિરાવિર અને ફેવિપિરાવિર પણ મોટી સંખ્યામાં ખરીદાઈ રહી છે. મ્યુકર માઇકોસિસના ઇન્જક્શનનો પણ સ્ટોક કરાઈ રહ્યો છે.
કઇ દવાઓની ખરીદીનો સરકારે ઓર્ડર આપ્યો
દવા | જથ્થો |
રેમડેસિવિર ઇન્જેક્શન | 5 લાખ |
મોલનુપિરાવિર કેપ્સ્યુલ | 4.85 લાખ |
એમ્ફોટેરિસિન ઇન્જેક્શન | 10 હજાર |
ફેવિપિરાવિર ટેબલેટ | 75 હજાર |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.