માલધારી સમાજની બેઠક:ગામડાંને રસ્તા, વીજળી, પાણી આપનારી સરકારે પશુઓ માટે કોઈ જ વ્યવસ્થા ન કરી

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુ નિયંત્રણ કાયદો રદ નહીં થાય તો ચૂંટણીમાં સરકારને ભોગવવું પડશે

રખડતાં પશુઓનો મુદ્દો રાજ્યભરમાં વિવાદનો મુદ્દો બન્યો છે અને છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. બીજી તરફ 21-22 સપ્ટેમ્બરે મળી રહેલા વિધાનસભાના ચોમાસુ સત્રમાં ઢોર અંકુશ નિયંત્રણ કાયદો રદ કરવાની માગણી સાથે ગુરુવારે માલધારી સમાજની બેઠક મળી હતી.

બેઠકમાં વધતા જતા શહેરીકરણના કારણે પશુપાલકો માટે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા ન રહેતાં પશુ રોડ ઉપર ફરતાં થયા છે ત્યારે રખડતાં પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને પશુ નિયંત્રણ કાયદો રદ કરવાની માંગ સાથે માલધારી વેદના સમાજ 20 સપ્ટેમ્બરે શેરથા ટોલટેક્સ ખાતે સરકાર વિરુદ્ધ કાર્યક્રમ કરશે. પશુ નિયંત્રણ કાયદો રદ નહીં થાય તો સરકારે ચૂંટણીમાં તેનાં પરિણામો ભોગવવાં પડશે.

રાજ્ય સરકાર શહેરીકરણને વધુ પ્રાધાન્ય આપી રહી છે, જેને પરિણામે ગામડાંનો શહેરમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જોકે ગામડાંનો વિકાસ થાય તે સારી બાબત છે પરંતુ જે રીતે શહેરી વિસ્તારની હદમાં વધારો કરીને ગામડાંનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર બાદ રસ્તા, બગીચા, સ્ટ્રીટ લાઈટ, ગટર લાઇન સહિતનું માળખાકીય આયોજન કરવામાં આવે છે.

ઉપરાંત શહેરમાં સમાવેશ કરાયેલા લોકો માટે કોમ્યુનિટી હોલ, દવાખાનાં, પોસ્ટ ઑફિસ, શાળા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવે છે પરંતુ પશુઓ માટે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરાતું નથી. આ પરિણામે શહેરમાં સમાવિષ્ટ થયેલાં ગામડામાં પશુપાલનનો ધંધો કરતા માલધારીઓની હાલત કફોડી બની રહી છે.

ઉપરાંત પોતાનાં પશુઓને ક્યાં ચરાવવા, તે બાબત એવરેસ્ટ સર કરવા સમાન બની રહી છે. આથી પશુ નિયંત્રણનો કાયદો રદ કરવાની માંગણી ઉઠી છે. ગુજરાત વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે, જેમાં ઢોર અંકુશ નિયત્રંણ કાયદો રદ કરવામાં આવે તેવી માગણી માલધારી સમાજની ટીટોડા ખાતે મળેલી માલધારી વેદના સભામાં ઉઠી હોવાનું માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...