તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં ત્રીજી લહેર રોકવાની પૂર્વતૈયારી:બીજી લહેરમાં ફેલ રહેલી સરકારે ત્રીજી લહેર રોકવા માટે કમર કસી; બેડ, ઓક્સિજન, દવાઓ, સ્ટાફની તૈયારી શરૂ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટાસ્ક ફોર્સના સભ્યોની તસવીર - Divya Bhaskar
ટાસ્ક ફોર્સના સભ્યોની તસવીર
  • વધુ વેન્ટિલેટર ખરીદાશે, આરોગ્ય સ્ટાફની ભરતી શરૂ કરાશે, 50% વસ્તી વેક્સિનેટ થશે
  • રાજ્યમાં સવાથી દોઢ લાખ પથારી, અને 700 લિટર ઓક્સિજન રિઝર્વ
  • દવા ખરીદી તેમજ સપ્લાય ચેનના જાણકારોની પણ સેવાઓ લેશે સરકાર
  • ટાસ્ક ફોર્સે સરકારને કહ્યું, ત્રીજી લહેરનો સામનો કરવા વ્યાપક રસીકરણ જરૂરી

કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં વ્યાપક જાનહાનિ તથા ઓક્સિજન, બેડ સહિતની આરોગ્ય સેવાઓની અછતને કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિમાંથી બોધપાઠ લેતા રાજ્ય સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા તૈયારીઓ શરૂ કરી છે. કોરોના પર અંકુશ મેળવવા માટે રચાયેલી ટાસ્ક ફોર્સની સોમવારે મળેલી બેઠકમાં સરકારે આ અંગે ચર્ચા કરી હતી. ચર્ચાના આધારે ત્રણ દિવસમાં તૈયાર થયેલા અહેવાલને આધારે સરકાર ત્રીજી લહેર અંગેનો એક્શન પ્લાન ઘડી કાઢશે. આ તૈયારી અન્વયે તમામ સંસાધનો અત્યારથી જ ઊભાં કરવા માટેનો ખર્ચ અને કાર્યાન્વયન નહીં થાય, પરંતુ તાકીદના સમયે ખૂબ ઓછાં સમયગાળામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે પ્રકારે યોજના બનાવાઇ છે, તેવું ગુજરાત સરકારના સૂત્રો જણાવે છે.

રાજ્યભરમાં સવાથી દોઢ લાખ પથારી ઉપલબ્ધ બની રહેશે
ત્રીજી લહેર દરમિયાન સંક્રમણમાં વધારો થાય તો એ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં સવાથી દોઢ લાખ જેટલી પથારીઓ અને હોસ્પિટલો તૈયાર થઇ શકે તેવી યોજના બનાવાઇ છે. આ માટે મોટા સરકારી મકાનોમાં હંગામી હોસ્પિટલો ઊભી કરાશે તથા કેસની સંખ્યા મુજબ ખાનગી હોસ્પિટલો સાથે કરાર થશે તથા ક્વોરેન્ટાઇન સેન્ટરોની સંખ્યા વધારાશે. આયોજન અનુસાર ઉપલબ્ધ ક્ષમતાના 80 ટકા સુધી પથારી ભરાય ત્યાં સુધીમાં બીજી એટલી જ પથારીઓ નવી ઉપલબ્ધ બની જાય એ‌વી વ્યવસ્થા કરાશે.

ઓક્સિજન માટે 700 ટનનો કાયમી રિઝર્વ સ્ટોક ઊભો કરાશેે
ગુજરાતમાં ઓક્સિજન માટે કાયમી ધોરણે 700 ટનનો એક અનામત જથ્થો એટલે કે રિઝર્વ ઊભો કરાશે, જે ઇમરજન્સીના સમયમાં ઉપયોગમાં લેવાશે. હાલ તાત્કાલિક આ રિઝર્વ બનાવવાનો નથી, કારણ કે ગુજરાતમાં હાલ ઓક્સિજનની માંગ વધુ છે. પરંતુ કેસ ઓછા થયા પછી આ યોજના પર કામ થશે. ઓક્સિજનની કુલ ક્ષમતા ઉપરાંતનો આ જથ્થો હશે.

નવા વેન્ટિલેટર્સ, અન્ય મશીનરી દવાઓ, સપ્લાય ચેન ગોઠવાશે
વેન્ટિલેટર્સથી માંડીને અન્ય મશીનરી તથા ઇન્જેક્શન અને દવાઓનો જથ્થો જરૂરીયાતના સમયે ઉપલબ્ધ બની રહે તે માટે સરકાર એક નવી યોજના બનાવશે અને તે માટે અધિકારીઓ ઉપરાંત સપ્લાય ચેનના નિષ્ણાતોની સેવા લેવાશે. જેથી કોઇ સ્થળે આ પૈકીનું કાંઇ ખૂટે અથવા તેની તંગી વર્તાય તેવાં સંજોગો ઊભાં ન થાય અને યોગ્ય સમયે તેનો પૂરવઠો મળી રહે.

રસીકરણ તેજ કરાશે
ટાસ્ક ફોર્સના નિષ્ણાતોએ સરકારને જણાવ્યું કે ત્રીજી લહેરમાં હાલના જેવી સ્થિતિ સર્જાય નહીં એ માટે રસીકરણ ખૂબ જરૂરી છે. આ માટે સરકારે સપ્ટેમ્બર માસના અંત સુધીમાં રાજ્યની કુલ વસ્તીની ઓછામાં ઓછી અડધી સંખ્યાને રસીકરણ હેઠળ આવરી લેવાનું આયોજન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...