ગુજરાત સરકારને પણ મોંઘવારી નડી ગઇ છે. પાંચ વર્ષ પહેલા સરકારને કરવા પડેલા માથાદીઠ ખર્ચની સામે આ વર્ષે તે દોઢ ગણો વધારે કરવો પડશે. ગુજરાત સરકારના અંદાજપત્રમાં રજૂ કરાયેલા આંકડા પ્રમાણે વર્ષ 2019-20માં સરકારનો માથાદીઠ ખર્ચ રૂ. 26,956 હતો અને કુલ ખર્ચ 1,85,626 કરોડ રૂપિયા હતો. જેમાં 2023-24માં વધારો થતાં માથાદીઠ ખર્ચ 41,597 રૂપિયા અને કુલ ખર્ચ 3,01,022 કરોડ રૂપિયા થશે.
રાજ્યના નાગરિકોને આપવામાં આવતી સેવાઓ પર થતાં ખર્ચમાં પણ વધારો આવ્યો છે. સરકાર શિક્ષણ, આરોગ્ય, સફાઇ અને પીવાના પાણી, સામાજિક સુરક્ષા, પોષણ, મજૂરો અને વંચિતો માટેની યોજનાઓ પાછળ જે નાણાં ખર્ચે છે તેને સામાજિક સેવાઓ અંગેનો ખર્ચ કહેવાય છે. 2019-20માં માથાદીઠ સામાજિક સેવાઓનો ખર્ચ 9,493 રૂપિયા હતો તેમાં 46 ટકાનો વધારો થતાં 2023-24ના વર્ષમાં માથાદીઠ 13,909 રૂપિયા થશે.
તે જ રીતે કૃષિ, સિંચાઇ, બંદરો, ઉદ્યોગો, ઊર્જા, રોજગારી, જાહેર કચેરીઓનું નિર્માણ અને પરિવહન સેવા માટે કરાતા ખર્ચને આર્થિક સેવાઓનો ખર્ચ ગણવામાં આવે છે. પાંચ વર્ષ પહેલા તે માથાદીઠ 7,391 રૂપિયા રહ્યો હતો તેમાં 70 ટકા જેટલો મોટો ઉછાળો આવ્યો છે અને તે નવા નાણાંકીય વર્ષમાં 12,485 રૂપિયા જેટલો થશે.
બાળમૃત્યુ રોકવામાં કેરળ, દિલ્હી આગળ
ગુજરાતમાં દર 1000 જન્મ લેતાં બાળકોની સામે 23 બાળકો મૃત્યુ પામે છે. કેરળમાં આ સંખ્યા માત્ર છ જ્યારે દિલ્હીમાં 12 છે. સૌથી વધુ બાળ મૃત્યુદર ધરાવતાં રાજ્યોમાં ગુજરાત 12મા ક્રમે હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. મધ્યપ્રદેશ 43 બાળકો સાથે સૌથી ઊંચું બાળ મૃત્યુદરના પ્રમાણ ધરાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.