સામાન્ય સભા:ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા માત્ર 5મિનિટમાં આટોપી લેવાઇ

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદર્શ આચારસંહિતાથી 15મા નાણાપંચના વિકાસકામોના એજન્ડાને રદ કર્યો

ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા ગુરૂવારે યોજવાનો એજન્ડા પ્રસિદ્ધ કરી દીધો હતો. ત્યારબાદ ગ્રામ પંચાયતોની ચુંટણીની જાહેરાત થતાં જ આદર્શ આચારસંહિતાના ભાગરૂપે સામાન્ય સભા પાંચ મિનિટમાં જ પૂર્ણ કરવામાં આવી હતી. તેમાંય 15માં નાણાંપંચના વિકાસના કામોના એજન્ડાને રદ કરીને આચારસંહિતા બાદ મળનારી સામાન્ય સભામાં તેનો સમાવેશ કરવાનો સર્વાનુમતે નિર્ણય લીધો છે. રાજ્યના ચુંટણીપંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચુંટણીની તારીખો જાહેર કરતા જ આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થઇ ગઇ હતી.

આથી તારીખ 25મી, ગુરૂવારે મળનારી ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા માત્ર ઔપચારીક્તાવાળી બની રહી હતી. ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ ગોપાળજી ઠાકોરના અધ્યક્ષસ્થાને બપોરે 1-30 કલાકે શરૂ થયેલી સામાન્ય સભાની શરૂઆતમાં જ ગ્રામ પંચાયતની ચુંટણીની જાહેરાત થઇ છે.

આથી આદર્શ આચારસંહિતના ભાગરૂપે 15માં નાણાંપંચની રૂપિયા 3 કરોડની ગ્રાન્ટમાંથી સદસ્યોએ પોતાના મત વિસ્તારના વિકાસ માટે સુચવેલા રૂપિયા 3.13 કરોડના કામોના મુદ્દાને રદ કરવાનો તેમજ આગામી સામાન્ય સભામાં તેનો સમાવેશ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને વંચાણે લઇને બહાલ કરવામાં આવી હતી. ઉપરાંત તાલુકા પંચાયત કચેરીમાં કરવામાં આવેલા ખર્ચને મંજુર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...