લૂંટનો ભેદ ઉકેલાયો:ગાંધીનગરના ચીલોડા-નરોડા હાઇવે પર લૂંટના ગુના આચરનાર ગેંગનો પર્દાફાશ, ત્રણ લૂંટારું પોલીસના સકંજામાં

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના નાના ચીલોડા નરોડા હાઇવે રોડ ઉપર લૂંટના ગુનાને અંજામ આપનાર સાત ઈસમોની ગેંગના એક સાગરિતને ઝડપી પાડી છ ગુનાનો ભેદ ઉકેલી દેવાયો હતો. ત્યારે આજે આ ગેંગના વધુ બે આરોપીઓને લૂંટના ગુનામાં ઉપયોગમાં લીધેલી રીક્ષા સાથે ઝડપી પાડી કડકાઈથી પૂછતાંછ શરૂ કરવામાં આવતાં વધુ ગુનાના ભેદ ખુલવાની શકયતા વર્તાઈ રહી છે.

ગાંધીનગરના ચીલોડા નરોડા હાઇવે રોડ ઉપર એક પછી એક લૂંટના ગુનાની વારદાતો પ્રકાશમાં આવતાં ડભોડા પોલીસ મથકના પીએસઆઇ અનિલ વછેટાએ સ્ટાફના માણસોને સાથે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી. જેમાં દિવાળી પહેલા થયેલી લૂંટ સંદર્ભે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગેંગ નરોડા વિસ્તાર તરફની હોવાનું સામે આવ્યું હતું. જેમાં લૂંટના ગુનાને અંજામ આપ્યા પછી આરોપીઓ ડભોડા થઈ નરોડા તરફ જતાં શંકાસ્પદ હાલતમાં સીસીટીવીમાં કેદ થયા હતા.

જેનાં પગલે પોલીસની એક ટીમને અમદાવાદ નરોડા વિસ્તારમા એક્ટિવ કરવામાં આવી હતી. એવામાં રણાસણ સર્કલ નજીક બે સગીર વયના પિતરાઈ ભાઈઓને લુંટી લેવાના ઈરાદે જીવલેણ હૂમલો થયો હતો. જેનાં બીજા દિવસે ચીલોડા નરોડા રોડ પર પણ આઈસર ગાડીના ચાલકને એક્ટિવા અને બાઇક પર આવેલા છ લૂંટારૃઓએ લુંટી લીધો હતો. ત્યારે લુટારુ ગેંગનો એક સાગરિત મોબાઇલ વેચવા ફરી રહ્યો હોવાની બાતમી મળતાં રણાસણ સર્કલ નજીકથી સચિન ઉર્ફે પકોડી વ્રજલાલ કાશીરામ પ્રજાપતિ (રહે. એ-8-103 સ્મામિનારાયણ પાર્ક, નવા નરોડા, મુળ-ઉત્તર પ્રદેશ) ને ઝડપી લેવાયો હતો.જેની પાસેથી ચાર મોબાઇલ ,રોકડ અને ભોગ બનનાર રાજુભાઇનું આધારકાર્ડ પણ મળી આવ્યું હતું.

જેની કડકાઈથી પૂછતાંછ કરતાં સચિને કબૂલાત કરી હતી કે, તેના મિત્રો અનિકેત ઉર્ફે બલ્યો, અર્જુન ઉર્ફે મુન્ના માઇકલ , દિપેશ રાજેશ યાદવ, વિશાલ ઇન્દ્રપાલ યાદવ તથા કાલુએ સાથે મળીને આઈસર ચાલકને લૂંટયો હતો. તે સિવાય સાગરીત રોકી ભુપેન્દ્રસિંહ ચૌહાણ,છોટુ રિક્ષાવાળો તેમજ અન્ય બે સાથે મળીને ટ્રકચાલકને છરી મારીને લૂંટયો હતો. ઉપરાંત લીંબડીયા પાસે પણ દિવાળી પર્વ દરમ્યાન ટ્રકચાલકને લૂંટયાની વધુમાં કબુલાત કરી હતી.

આ અંગે પીએસઆઇ અનિલ વછેટાએ જણાવ્યું હતું કે, આજે આ ગેંગના રોકી ઉર્ફે ભૂપેન્દ્રસિંહ ચૌહાણ (રહે. સી-205, પારંતી સરકારી આવાસ યોજના, નિકોલ) અને અજીત ઉર્ફે છોટુ કુંવરસિંહ દોહરે(રહે. અમરાજીનગર ગલી મેઘાણીનગર) ની રીક્ષા સાથે ધરપકડ કરી લેવાઈ છે. જેઓની પૂછતાંછમાં હજી વધુ ગુનાના ભેદ ખુલવાની સંભાવના રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...