આશ્કાનો વિવાદ:પરિવારજનોએ મૃતદેહ સ્વીકારતા કુડાસણથી અંતિમયાત્રા નીકળી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
2 દિવસ બાદ  મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા - Divya Bhaskar
2 દિવસ બાદ મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
  • તબીબ કસૂરવાર જણાશે તો તેની સામે ગુનો નોંધાશે તેવી ખાતરી આપવામાં આવી

આશ્કા હોસ્પિટલમા પથરીના ઓપરેશન બાદ યુવકનુ મોત થયા પછી પરિવારજનોએ તબીબની બેદરકારીથી મોત થયુ હોવાના આક્ષેપ સાથે મૃતદેહ સ્વીકાર્યો ન હતો. બે દિવસ સુધી હોસ્પિટલ બહાર પરિવારજનો અને રાજપૂત સમાજ એકઠો થયો હતો. સોશિયલ મીડીયામા પણ બાયકોટ આશ્કા હોસ્પિટલનો સંદેશ વહેતો કરાયો હતો. પરંતુ રાત્રે પરિવાજનો દ્વારા આખરે હથિયાર હેઠા મુકી દીધા હતા અને મૃતદેહ ગુરૂવારે સવારે સ્વીકારીને સરગાસણમા આવેલા રૂદ્રભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા.

કુડાસણમા રહેતા અને અમદાવાદમા નોકરી કરતા આશરે 40 વર્ષિય સુરેન્દ્રસિંહ હુકમસિંહ ચૌહાણને પથરીની સમસ્યા થતા ગત મંગળવારે સવારે સરગાસણમા આવેલી આશ્કા હોસ્પિટલમા દાખલ થયા હતા. જ્યારે બપોરે ઓપરેશન કરાયુ હતુ. પરંતુ ઓપરેશન દરમિયાન સુરેન્દ્રસિંહનુ મોત થતા પરિવારજનોએ તબીબની બેદરકારીથી મોત થયુ હોવાનો આક્ષેપ કરતા મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. બે દિવસ સુધી મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જ્યારે ઓપરેશન કર્યા પછી ડૉ. ગૌરવ વાઘેલા ફરાર થઇ ગયો હતો.પરિવારજનો દ્વારા તબીબને હાજર કરવાની માંગ સાથે ગુનો નોંધવાની માંગ કરી હતી.

આ તમામ વિવાદ વચ્ચે બે દિવસ સુરેન્દ્રસિંહનો મૃતદેહ અમદાવાદ સિવિલમા પીએમ કર્યા પછી મુકી રાખવામા આવ્યો હતો. જ્યારે પરિવારજનો ગૃહમંત્રી સહિતને મળ્યા હતા. પરંતુ સાંજના સમયે ગાંધીનગર આઇજીને મળ્યા પછી પણ બે દિવસ સુધી ઠેર ઠેર રજૂઆતો કરવા છતા પરિણામ સામે નહિ આવતા આખરે લડતને બંધ કરાઈ હતી અને મૃતકના મૃતદેહને સ્વીકારી લીધો હતો.

જોકે, એફએસએલના રીપોર્ટ તબીબ કસુરવાર જણાશે તો તેની સામે ગુનો નોંધવામા આવશે તેવી હૈયાધારણા આપ્યા પછી મૃતદેહ સ્વીકારવામા આવ્યો હતો. બાદમા ગુરૂવારે સવારે કુડાસણથી અંતિમ યાત્રા કાઢવામા આવી હતી. જેમા મોટી સંખ્યામા સમાજના આગેવાનો અને સ્વજનો જોડાયા હતા.

2 દિવસ પછી રૂબરૂ મળવા આવજો : CM
માણસામા સીએમની મુલાકાત દરમિયાન રાજપૂત સમાજના આગેવાનો આશ્કા હોસ્પિટલના તબીબની બેદરકારી બાબતે રજૂઆત કરી હતી કે, પરિવારને અન્યાય થયો છે, જેને લઇને ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતુ કે, હુ તમને બે દિવસ પછી સમય આપુ છુ, મારી ઓફિસે રુબરુ મળવા આવજો.

હોસ્પિટલના સંચાલકો સામે ગુનો દાખલ કરી દાખલો બેસાડો
આશ્કા હોસ્પિટલમા તબીબની બેદરકારીથી યુવકનુ મોત થયાનો પરિવારજનો દ્વારા આક્ષેપ થતા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડૉ.સી.જે.ચાવડાએ કલેક્ટરને રજૂઆત કરી છેકે, હોસ્પિટલ દ્વારા મૃતક યુવકના અંગુઠા લગાવી બચાવનો રસ્તો શોધ્યો હતો. ફરિયાદ લીધી નથી, ત્યારે હોસ્પિટલ સંચાલકો સામે ગુનો નોંધી દાખલો બેસાડવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...