તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુનો દાખલ:વર્ષોથી આતંક મચાવતી પેથાપુરની ટોળકી વિરુદ્ધ ગાંધીનગરમાં ગુજસીટોક એક્ટ હેઠળ પ્રથમ ગુનો દાખલ કરાયો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ટોળકી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઉપર હુમલા કરી સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરે છે

છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીનગર જિલ્લામાં ધાડ, લૂંટના ગુના આચરી ગાંધીનગરમાં આતંક આતંક મચાવતા પેથાપુરના ચાર રીઢા ગુનેગારો વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ (ગુજસીટોક) હેઠળ સૌપ્રથમ ગુનો સેકટર-21 પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર રેન્જ આઇજી અભય ચૂડાસમા તેમજ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા લૂંટ ધાડ જેવા ગંભીર ગુનાને અંજામ આપતી ટોળકીને ઝડપી લેવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેનાં પગલે ગાંધીનગર ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર હરદીપસિંહ ઝાલા દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની ગુપ્ત રાહે તપાસ શરૂ કરવામાં આવી હતી.

જે અંતર્ગત પેથાપુર ગામે સંજરી પાર્કની પાછળ રહેતા રહીમ ઉર્ફે ભૂરો મોહમ્મદ હુસૈન ખોખર, રોહિત ઉર્ફે નેનો મહેન્દ્રભાઈ દુધાભાઈ રાઠોડ( રહે મુલચંદ પાર્ક સોસાયટી નજીક રાઠોડ વાસ પેથાપુર) વિશાલ નગીનભાઈ દંતાણી (રહે પાંજરાપોળની પાછળ પેથાપુર) તેમજ રાકેશ ઉર્ફે રાકો ગોવિંદભાઈ સોલંકી(રહે પેથાપુર પાસે જીઈબી છાપરા સેક્ટર 30) રીઢા ગુનેગારો હોવાનું ખુલવા પામ્યું હતું. જે છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીનગર તથા મહેસાણા જિલ્લામાં લૂંટ, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન સહિતના ગુના કરવામાં માટે ટોળકી બનાવી ઘાતક હથિયારો વડે બેંકોફ બની ગુનાને અંજામ આપતા હતા.

આ ટોળકી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ બનાવી કાવતરા ઘડીને ઘાતક હથિયારો તેમજ ફાયર આર્મ્સનો ઉપયોગ કરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઉપર હુમલા કરીને તેમની પાસેથી સોનાના દાગીના રોકડ રકમની લૂંટ તથા ઘરફોડ જેવા સંખ્યાબંધ ગુનાઓ લાંબા સમયથી આચરી ગાંધીનગરમાં આતંક ફેલાવતા હતા.

આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર ઝાલાએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત ટોળકી ગેરકાયદેસર હથિયારો રાખી ખુલ્લેઆમ ગુનાને અંજામ આપતી હતી. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર રહીમ ઉર્ફે ભૂરો છે. જેમના વિરુદ્ધ માણસા ચિલોડા વિજાપુર કડી દેગામ પોલીસ મથકોમાં 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા હોવા છતાં અન્ય ગુનાઓ આચરવા સક્રિય થયા હતા. જે અંગેના પુરાવાઓ ગુપ્ત રાહે મેળવીને તેઓ વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ સેક્ટર-21 પોલીસ મથકમાં ગાંધીનગર જિલ્લાનો પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, ગયા વર્ષે સરકાર દ્વારા ગુજસીટોક કાયદો લાગુ કરાયો હતો. સમાજમાં આતંકવાદી અને ગંભીર ગુનાની પ્રવૃતિ આચરી ભયનો માહોલ ઉભો કરતી ઉક્ત ટોળકી વિરુદ્ધ ગુજસીટોક એકટ હેઠળ ગાંધીનગરમાં સૌપ્રથમ ગુનો દાખલ કરવામાં આવતા અન્ય ગુનેગારો પણ ગાંધીનગર પોલીસની કામગીરીથી ફફડી ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...