લોકરક્ષક દળની ભરતીની ફાઇનલ આન્સર કીમાં 8 પ્રશ્નોના જવાબ સામે ઉમેદવારોએ વાંધા ઉઠાવ્યા બાદ શનિવારે મળેલી ભરતી બોર્ડની તમામ સભ્યોની બેઠકમાં વિસ્તૃત સમીક્ષા બાદ બોર્ડે ફાઇનલ આન્સર કીમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે. ઉમેદવારોએ ફાઇનલ આન્સર કી સામે જે વાંધા રજૂ કર્યા હતા તેને બોર્ડ દ્વારા માન્ય રાખવામાં આવ્યા નથી.
લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે 27 એપ્રિલે બોર્ડે જાહેર કરેલી ફાઇનલ આન્સર કી હવે માન્ય ગણાશે અને તે મુજબ ઉમેદવારોના આખરી માર્ક ગણાશે. ઉમેદવારોએ જે પ્રશ્નોના જવાબમાં વિસંગતતા અંગે વાંધા આપ્યા છે તે તમામ બાબતો અંગે બોર્ડના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં સમીક્ષા અને વિસ્તૃત ચર્ચા થઈ છે. પાઠ્યપુસ્તકો અને અન્ય સાહિત્યો પણ અમે ચકાસ્યા છે અને બોર્ડે જાહેર કરેલી ફાઇનલ આન્સર કીમાં દર્શાવાયેલા જવાબો માન્ય રાખવાનો નિર્ણય કરાયો છે. તેમણે કહ્યું કે, ઉમેદવારોને તેમના પેપરના રીચેકિંગ માટે 15 દિવસનો સમય અપાશે. રીચેકિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોના આખરી માર્ક્સ જાહેર કરાશે. જોકે કટઓફ માર્ક્સ અને મેરિટ આખરી પરિણામ વખતે જાહેર કરાશે, જેમાં હજુ સમય લાગી શકે છે.
પરીક્ષામાં મોટા ભાગના ઉમેદવારોએ પાઠ્યપુસ્તકોમાંથી તૈયારી કરી હતી, પરંતુ ફાઇનલ આન્સર કીમાં અપાયેલા 8 પ્રશ્નના જવાબમાં વિસંગતતા હતી. આ જવાબો પાઠ્યપુસ્તકમાં અલગ હતા અને બોર્ડના તજજ્ઞોએ આપેલા જવાબો અલગ હતા. આથી ઉમેદવારોએ તેનો વિરોધ કરી વાંધા રજૂ કર્યા હતા અને ફાઇનલ આન્સર કીમાં સુધારો કરવાની રજૂઆત કરી હતી. આ રજૂઆત સ્વીકારીને બોર્ડે સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં બોર્ડની જ આન્સર કી માન્ય રાખવા નિર્ણય લેવાયો છે.
ફાઇનલ રિઝલ્ટ આવતાં હજુ વાર લાગશે
પીએસઆઈનું પરિણામ જાહેર નહીં થાય ત્યાં સુધી એલઆરડીનું પરિણામ જાહેર નહીં કરાય. પીએસઆઈની પરીક્ષા આપનાર 95 હજાર પૈકી 90 હજાર ઉમેદવાર એવા છે કે જેમણે એલઆરડીની પરીક્ષા પણ આપી છે. આથી એલઆરડીમાં સિલેક્ટ થયેલા ઉમેદવારો પાછળથી પીએસઆઈમાં સિલેક્ટ થતાં જતા રહે અને એલઆરડીમાં જગ્યા ખાલી પડે તેવી સ્થિતિ ન સર્જાય તે માટે પીએસઆઈના પરિણામ પછી જ એલઆરડીનું પરિણામ જાહેર કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.