ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો પર ભાજપની ભવ્ય જીતને પગલે જિલ્લામાંથી કોંગ્રેસ સાફ થઈ ગઈ હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. કોંગ્રેસના નેતાઓના જૂથવાદ અને આયોજનનો અભાવ કાર્યકરોની મહેનત પર હંમેશા પાણી ફેરવી દે છે. જિલ્લામાં કોંગ્રેસ માટે કામ કરી શકે તેવા કાર્યકરો તો છે પણ તેઓને એક તાંતણે બાંધી શકે તેવો કોઈ નેતા જ નથી. કોંગ્રેસમાં નેતા એટલા જૂથ તેવી સ્થિતિ છે. દક્ષિણની જ વાત કરીએ તો સ્થાનિક ચહેરા તરીકે બહુ ગાજેલા હિમાંશુ પટેલ જિલ્લાની સૌથી જંગી લીડથી હાર્યા છે.
બીજી તરફ અડાલજમાંથી પકડાયેલા દારૂકાંડમાં પણ કોંગ્રેસ પર થયેલા અનેક આક્ષેપોએ સ્થાનિક લેવલે પક્ષની આબરૂનું ધોવાણ કર્યું હતું. હિમાંશુ પટેલને પોતાની જીતનો વધુ પડતો વિશ્વાસ પણ ભારે પડ્યો હોવાનું કોંગ્રેસના જ નેતાઓ માને છે. ગાંધીનગર ઉત્તરની બેઠક પર વિરેન્દ્રસિંહ વાઘેલાને જીત માટેનો ઉત્સાહ તો હતો પરંતુ તેઓને યોગ્ય માર્ગદર્શન કે સોગઠાં ગોઠવી આપે તેવા કોંગ્રેસના નેતાઓનો અભાવ હતો. પ્રદેશ પ્રમુખ અને શક્તિસિંહની એક-બે સભાઓને બાદ કરતાં વિરેન્દ્રસિંહ સ્થાનિક એક-બે નેતાઓના જોરે એકલા જ મેદાન હતા તેવી સ્થિતિ હતી.
દહેગામની વાત કરીએ તો કોંગ્રેસને પાંચ વર્ષથી સ્થાનિક લેવલે મહેનત કરીને બેઝ તૈયાર કરનાર કામિનીબા રાઠોડને પડતાં મૂકીને વખતસિંહ ચૌહાણની પસંદગી ભારે પડી હતી. માણાસા બેઠક પર પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર પોતાના જ સમાજના વધુ મતો ખેંચવામાં અસફળ રહ્યાં હતા. જ્યારે કલોલમાં બે ટર્મથી વિજેતા બનાવતી ઠાકોર મતબેંકના ભાગ નહીં પડે તેવો અતિવિશ્વાસ બળદેવજી ઠાકોરને ભારે પડ્યો હતો. જિલ્લાની દરેક બેઠક પર કોંગ્રેસની હાર પાછળ એક કોમન કારણ જૂથવાદ હોવાનું મનાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.