શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષા નિયત સમય કરતાં 20 દિવસ મોડી લેવાઈ હતી, ત્યારે બાકી રહેલું ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ નિયત સમય કરતાં સપ્તાહ વહેલું આપવાનો શિક્ષણ બોર્ડે નિર્ણય કર્યો છે અને આ માટે માઇક્રો પ્લાનિંગ કર્યું છે. તેમાં ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરીથી માંડીને પરિણામ તૈયાર કરવા સુધીનું આયોજન કરાયું છે.
શિક્ષણ બોર્ડે કોરોનાકાળને પગલે બોર્ડની પરીક્ષા મોડી યોજી હતી. જોકે ધોરણ 12 સાયન્સનું પરિણામ વહેલું અપાયું હતું, તે જ રીતે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ વહેલું આપવાનું બોર્ડનું આયોજન છે. મહત્ત્વનું છે કે મે મહિનાના છેલ્લા અથવા જૂન મહિનાના પહેલા સપ્તાહમાં પરિણામ આવે તેવી શક્યતા છે.
ધોરણ 10ના 9.64 લાખ વિદ્યાર્થીઓનાં ઉત્તરવહી મૂલ્યાંકન માટે કેન્દ્ર વધારાયાં
12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે 30 હજાર શિક્ષકો
મૂલ્યાંકન માટે દૂર જવું ન પડે તે માટે ક્લસ્ટર બનાવ્યાં
મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરીમાં ભાગ લેનારા શિક્ષકોને મુખ્ય અને ગૌણ વિષયની ઉત્તરવહી મૂલ્યાંકન માટે અલગ અલગ જિલ્લાના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં જવું પડતું હતું. આથી દૂર કે અન્ય જિલ્લામાં જવું ન પડે તે માટે દરેક જિલ્લામાં ક્લસ્ટર બનાવાયાં હતાં, જ્યાં મુખ્ય અને ગૌણ વિષય સહિતના અન્ય વિષયોની ઉત્તરવહી મૂલ્યાંકન માટેની વ્યવસ્થા ઊભી કરાઈ હતી.
વહેલું પરિણામ તૈયાર કરવામાં આવેલી અડચણો
શિક્ષણ બોર્ડે વહેલું પરિણામ આપવા માટે આયોજન કર્યું છે પરંતુ તેમાં કેટલીક અડચણો આવી હતી, જેમ કે શિક્ષકોનું આંદોલન, ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા, ગૌણસેવા સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓને લીધી મૂલ્યાંકન કામગીરી બંધ રાખવી પડી હોવાનું શિક્ષણ બોર્ડના ધોરણ 10ના પરીક્ષા સચિવ બી. એ. ચૌધરી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરીક્ષા સચિવ ડૉ. અવનીબા મોરીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.