મોદીની સભામાં સાપનું સતત આવનજાવન:સોમવારે સભા શરૂ થતા પહેલા અને ગુરૂવારે સભા પૂર્ણ થયા બાદ સાપની એન્ટ્રીએ દોડધામ મચાવી

11 દિવસ પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે દહેગામમાં સભા યોજાઈ હતી. જે સભા પૂર્ણ થયા બાદ સભા સ્થળ પર એકાએક સાપ નિકળતા દોડધામ મચી હતી. જોકે, તાત્કાલીક સ્નેક કેચર આવી જતા સલામત રીતે રેસ્ક્યૂ કર્યુ હતું, મહત્વનું છે કે, છેલ્લા 4 દિવસ દરમિયાન પીએમ મોદીની બે સભાના સ્થળ પરથી સાપ મળી આવ્યાં છે. આ પહેલા 21 નવેમ્બરે સોમવારે પણ જંબુસરમાં મોદીની સભા શરૂ થતા પહેલા સભા સ્થળ પર સાપ નિકળ્યો હતો.

સભા સ્થળે સાપ નિકળતા અફરાતફરી મચી
વિધાનસભાની ચૂંટણીને પગલે પ્રચાર પ્રસાર તેજગતીએ ચાલી રહ્યો છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળામાં સભા સંબોધી હતી. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દહેગામમાં સભા પૂર્ણ થયા બાદ સભા સ્થળેથી એક સાપ નિકળ્યો હતો. જેને લઈ થોડીવાર માટે અફરાતફરી મચી હતી. આ પહેલા ભરૂચમાં જંબુસરમાં પણ સભા શરૂ થતા પહેલા સાપ નિકળ્યો હતો.

સદનસીબે જનમેદની નીકળી ગયા પછી સાપ નિકળ્યો
મોદીની સભામાં સાપનું આવન-જાવન જોવા મળી રહ્યું છે. પહેલા જંબુસરમાં અને આજે દહેગામમાં સભા સ્થળે સાપ નિકળ્યો હતો. જોકે, જંબુસરમાં સાપ નિકળવાની ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબુત કરવામાં આવી હતી. જેને પગલે આજે દહેગામમાં સભા સ્થળે પહેલેથી જ સ્નેક કેચરને રાખવામાં આવ્યો હતો. દહેગામમાં સભા પૂર્ણ થયાના અડધા કલાક બાદ જે જગ્યાએ સ્પીકર રાખેલા હતા એ સ્થળેથી સાપ નિકળ્યો હતો. સદનસીબે જનમેદની નીકળી ગયા બાદ સાપ નિકળ્યો હતો. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો. જે સ્થળે સભા હતી એ અંતરિયાળ ખેતરાઉ જગ્યા હતી. આસપાસ બધા ખેતરો જ હતા. જેને પગલે કોઈ ખેતરમાંથી સાપ સભામાં ઘૂસી આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. સભામાં સાપ નિકળતા જ ત્યા હાજર સ્નેક કેચરની ટીમે સલામત રીતે સાપનું રેસ્ક્યૂ કર્યું હતું.

સાપનું સલામત રીતે રેસ્ક્યૂ કરાયું.
સાપનું સલામત રીતે રેસ્ક્યૂ કરાયું.

જંબુસરની સભામાં સાપની એન્ટ્રીએ દોડધામ મચાવી હતી
જંબુસર ખાતે ત્રણ દિવસ પહેલા વડાપ્રધાનની ચૂંટણીસભા યોજાઈ હતી. જોકે તેમના આગમન પહેલાં જ સભા મંડપમાં સાપ નીકળ્યો હતો, જેથી અફરાતફરી મચી હતી. સભા મંડપમાં આગળની હરોળમાં જ સાપ દેખાતાં લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા. લોકોએ તેમજ પોલીસકર્મીઓએ સાપને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સાપે દેખા દેતાં થોડીવાર માટે લોકોની બૂમાબૂમથી માહોલ ગરમાયો હતો. લોકો ખુરસીઓ ઉપાડીને સાપથી બચવાનો પ્રયાસ કર્યો હતો. સભા મંડપમાં સાપ નીકળતાં અંતે એક પોલીસ જવાને બહાદુરી બતાવી તરત જ સાપને પકડી રેસ્ક્યૂ કરી લીધો હતો. જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જંબુસરમાં સભા શરૂ થતા પહેલા સાપ નિકળ્યો હતો.
જંબુસરમાં સભા શરૂ થતા પહેલા સાપ નિકળ્યો હતો.

દહેગામમાં સભા સંબોધતા વડાપ્રધાને જાણો શું કહ્યું?
ગુજરાતમાં 24 કલાક વીજળી મળે છે: PM મોદી
દહેગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં અગ્રણી રાજ્ય તરીકે ગુજરાત ઉભુ થયું છે. ચૂંટણીમાં એક વખતે ભ્રષ્ટાચારની વાતો થતી આજે વિકાસની વાતો થાય છે. પહેલાં ગુજરાતમાં ટેન્કરરાજ ચાલતું હતું અને ટેન્કર કાકા ભત્રીજાનું હોય તો જ પાણી મળે, એમાંય કટકી થતી. હવે ઘરે ઘરે પાણી પહોંચ્યું છે. ગુજરાતમાં સરદાર સરોવર, સુજલામ સુફલામનું કામ અમે કર્યું છે. અમે ગુજરાતને પાણીની બાબતે સુરક્ષિત કર્યું છે. ખેડૂતોએ પણ ટપક સિંચાઇ અપનાવી પાણીનો બચાવ કરવાનું ચાલુ કર્યું છે. 25 વર્ષ પહેલા મૂળભૂત સુવિધા ઉપર ધ્યાન આપ્યું, આજે ગુજરાતમાં 24 કલાક વીજળી મળે છે. હું મુખ્યમંત્રી બન્યો ત્યારે સર્કિટ હાઉસ પર બધા કહેવા આવેલા કે નરેન્દ્રભાઇ વાળું કરતી વેળા વીજળી મળે એવું કંઇક કરજો. ગાંધીનગર જિલ્લામાં ગામડુ અને શહેર જૂદા ન પાડી શકાય એટલો વિકાસ થયો છે.

ગાંધીનગર દહેગામ ટ્વીન સીટી હશે: PM મોદી
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, દિલ્હીમાં હું બેઠો હોવ અને મારૂ સપનું હોય તો મને ગુજરાતનો સાથ જોઇએ, એ તમારે આપવાનો છે. તમારે કમળને હમેંશા ખીલતુ રાખવાનું છે. 20 વર્ષ પહેલાં પંચાયતનું બજેટ આખા ગુજરાતનું 100 કરોડ હતું, આજે સાડા ત્રણ હજાર કરોડ રૂપિયા છે. તમે લખી રાખજો જ્યારે ગાંધીનગર દહેગામ ટ્વીન સીટી હશે. ગિફ્ટ સિટીમાં 2 લાખ લોકો કામ કરશે તે કલોક કે દહેગામમાં જ રહેવા જશે. દહેગામ, ગાંધીનગર અને કલોલ આ ત્રિકોણ દેશભરમાં વિકાસના નામે ઓળખાશે. દુનિયાની એકમાત્ર ચિલ્ડ્રન યુનિવર્સિટી માત્ર ગાંધીનગરમાં છે. શિક્ષણના ક્ષેત્રમાં થયેલા સુધારાનો લાભ આખા ગાંધીનગર જિલ્લાને મળ્યો છે. આખા લોકોની ઇચ્છા છે કે તેમના બાળકો GNLUમાં ભણવા આવે. ગુજરાતનું જેટલું શિક્ષણનું બજેટ છે, ઘણા રાજ્યમાં આખા રાજ્યનું જ આટલું બજેટ હોય છે. એક સમયે ગાંધીનગર રેલવે સ્ટેશને કાગડા ઉડતા, આજે આખી દુનિયા જોવા આવે છે.

દેહગામમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
દેહગામમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

વિકાસ જોઇને વિરોધીઓના મોઢા બંધ થઇ ગયા: PM મોદી
કોંગ્રેસ પર આક્ષેપ કરતા વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસને તો આવતીકાલનું ગુજરાત કેવું હશે એ પણ ખબર નહીં હોય. અહીં ચાર-ચાર પેઢીવાળા સાથીઓ બેઠા છે, એમનો અને તમારો ભરોષો મારા ઉપર છે એટલે હું તમારા માટે કામ કરી શકું છું. વંદે ભારત ટ્રેન પણ ગાંધીનગરથી શરુ થઇ. દિલ્હીમાં નરેન્દ્ર હોય અને ગાંધીનગરમાં ભૂપેન્દ્ર હોય, બે એંન્જિન ભેગા થાય એટલે કંઇ અશક્ય ન હોય. બહેનોને જનધન ખાતા ખોલાવ્યાં ત્યારે મારી મજાક ઉડવતા, ગિફ્ટ સીટીનો પાયો નાખ્યો ત્યારે કોંગ્રેસીઓ મારી મજાક ઉડાવતા હતા. હવે બધાના મોઢા બંધ થઇ ગયા. દહેગામે તમામ જૂના રેકોર્ડ તોડવાના છે, પોલિંગ બુથમાં અત્યાર સુધી કરતા વધુ મતદાન કરાવવાનું છે. ઘરે જઇને તમારે વડિલોને પ્રણામ કરવાના છે અને કહેવાનું છે કે, આપણા નરેન્દ્રભાઇ આવ્યાં હતા અને તમને પ્રણાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...