ચૂંટણી:મનપાએ 105 કરોડનાં વિકાસકામો મંજૂર કર્યાં પછી ચૂંટણી જાહેર થઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ નંબર-6 પર રેલવે બ્રિજ બનશે
  • ​​​​​​​પાણી-ગટરનાં ​​​​​​​કામોનું ટેન્ડર મંજૂર

ગુરુવારે વિધાનસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં જ ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 105 કરોડનાં વિકાસકામોને મંજૂરી આપી દેવાઈ હતી, જેમાં રોડ નંબર 6 પર 58.17 કરોડના ખર્ચે ફોરલેન રેલવે બ્રિજનું ટેન્ડર મંજૂર કરાયું છે. રોડ નંબર-6 પર ગાંધીનગર-કોલવડા બી. જી. રેલવેલાઇન પર આ બ્રિજ બનાવાશે. તંત્ર દ્વારા 57.43 કરોડના ખર્ચનો અંદાજ લગાવાયો હતો, જેની સામે 1.28 ટકા ઊંચી કિંમતનું આશિષ બ્રિજકોન પ્રા. લિ.નું 58.17 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે.

આ રોડ પર પસાર થતા નાગરિકોને આગામી સમયે રેલવે ફાટક વચ્ચે નહીં આવે. બીજી તરફ ગોરજના ગામતળ વિસ્તારમાં પાણી અને ગટરની લાઈનો નાખવા માટે 19.35 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે, જેમાં ચરેડી ખાતે વૉટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન ઊભું કરવા માટે 21.24 કરોડના ખર્ચ કરાશે, જેમાં એજન્સી દ્વારા 5 વર્ષ સુધી ઓપરેશન-મેઈન્ટેનન્સ પણ કરવાનું રહેશે. મનપાના પદાધિકારીઓ અને કોર્પોરેટર્સની ગ્રાન્ટમાં રમતગમતનાં સાધાનો ખરીદવા માટે 98.66 લાખનું ટેન્ડર મંજૂર કરાયું છે, જેમાં અંદાજે 3 હજારની કિંમતમાં એક કિટ ખરીદાશે. કોર્પોરેશન હસ્તકના વિસ્તારોમાં રસ્તાની સફાઈ માટે રોડ સ્વીપર મશીન ખરીદવા 6.60 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે, જેમાં રોડ સ્વીપર મશીન ખરીદીને 5 વર્ષ માટે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ પેટે કોન્ટ્રાક્ટથી કામગીરી સોંપાશે.

અન્ય સમાચારો પણ છે...