રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ શિક્ષકોના મંજુર મહેકમની માહિતી મંગાવવામાં આવી છે. ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં કેટલા પ્રવાસી શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. તેની માહિતી ગત તારીખ 31મી, ડિસેમ્બર-2022 સુધીની મોકલવાનો રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.
રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ આગામી સમયમાં ભરતી કરવામાં આવે તેમ રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાંથી મહેકમની મંગાવેલી માહિતી પરથી લાગી રહ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગના નાયબ શિક્ષણ નિયામકે આદેશ કર્યો છે કે ગત તારીખ 31મી, ડિસેમ્બર-2023 સુધીમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે કેટલા શિક્ષકો ફરજ બજાવે છે.
જેમાં અપર અને લોઅર પ્રાયમરીની માહિતી મંગાવવામાં આવી છે. જોકે અપર પ્રાયમરીમાં વિષયવાર શિક્ષકોની ભરતી ફરજિયાત શિક્ષણના કાયદા મુજબ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ શિક્ષકોની ઘટની સામે પ્રવાસી શિક્ષકો કેટલા ફરજ બજાવી રહ્યા છે તેની પણ માહિતી મંગાવવામાં આવી છે. જોકે શિક્ષકોની માહિતી રાજ્યભરના તમામ જિલ્લાના તાલુકાવાર માહિતી મંગાવવામાં આવી છે.
પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોનું મહેકમ અને પ્રવાસી શિક્ષકોની મંગાવેલી માહિતીના આધારે આગામી નવા શૈક્ષણિક સત્ર પહેલાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેમ લાગી રહ્યું છે. જોકે નવી શિક્ષણ નિતી અંતર્ગત શાળામાં વિદ્યાર્થીની સંખ્યાના આધારે કેટલા શિક્ષકો વધમાં પડે તેમ છે કે કેટલી શાળાઓ બંધ થાય છે સહિતના પાસાઓને ધ્યાનમાં રાખીને મંગાવવામાં આવી હોય તેવી ચર્ચા શિક્ષક આલમમાં જોવા મળી રહી છે. 31મી ડિસેમ્બર સુધીમાં પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે કેટલા શિક્ષકો ફરજ બજાવે છે તેની માહિતી મગાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.