કાર્યવાહી:બાળકને કચડનારા કારચાલકે કહ્યું, પથ્થર આવ્યા જેવું લાગ્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાઈબીજના દિવસે સેક્ટર 4માં રહેતા 3 વર્ષના બાળકને કાર ચાલકે કચડી નાખ્યો હતો. એક સપ્તાહ બાદ પોલીસે ઝડપી પાડ્યો હતો. - Divya Bhaskar
ભાઈબીજના દિવસે સેક્ટર 4માં રહેતા 3 વર્ષના બાળકને કાર ચાલકે કચડી નાખ્યો હતો. એક સપ્તાહ બાદ પોલીસે ઝડપી પાડ્યો હતો.
  • ભાઈબીજે બાળકને કચડી નાખનારો સેક્ટર 3ના યુવાન પકડાયો, મિત્રની કારમાં પેટ્રોલ પુરાવવા જતાં અકસ્માત કર્યો
  • કાર સુધી પહોંચેલી પોલીસ પુરાવાના અભાવે પાછી ફરી હતી

ભાઈબીજે સેક્ટર 4માં રહેતા 3 વર્ષના બાળકને કારચાલકે કચડી નાખ્યો હતો. અકસ્માતમાં બાળકનું મોત થતાં પરિવારમાં દિવાળીના તહેવારની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસે 25 જેટલા કૅમેરા ચેક કર્યા પછી ગણતરીના દિવસોમાં જ ઝડપી લીધો હતો. કારચાલકને પકડ્યા પછી પૂછતાં તેણે કહ્યું હતું કે કાર નીચે પથ્થર આવ્યો હોય તેવું લાગ્યું હતું.

ગત 27 ઓક્ટોબરે ભાઈબીજના દિવસે સેક્ટર 4 સ્થિત પ્લોટ નંબર 146/2માં રહેતા 3 વર્ષના અથર્વને કચડીને કારચાલક ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે પહેલાં ખાનગી અને બાદમાં ગાંધીનગર સિવિલમાં લઈ જવાયો હતો, પરંતુ તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત બાદ સેક્ટર 7 પોલીસ મથકમાં ગુનો નોંધાયા પછી ટીમ તપાસમાં લાગી ગઈ હતી.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સેક્ટર 7ના પીએસઆઇ રાઠોડ, સરલા ડામોર, ધર્મેન્દ્રસિંહ સહિતની ટીમે બનાવસ્થળથી તપાસ શરૂ કરી હતી. અકસ્માત સમયે પડોશી વિનોદભાઈ ડામોરના વર્ણન મુજબ કારની તપાસ શરૂ કરી હતી, જેમાં પહેલાં તો અકસ્માત સ્થળની આસપાસની તમામ કાર તપાસી હતી. જેમાં અકસ્માત કરનારની કારની પણ તપાસ કરાઈ હતી પરંતુ કારમાલિકને પૂછતાં તેમની કાર અહીંયાં જ પડી હોવાનું જણાવ્યું હતું.

કારમાં ઇંધણ ભરાવવા નીકળ્યા પછી અકસ્માત સર્જાયો
જીલના પરિવારને બહાર જવાનું હોવાથી કારમાં ઇંધણ ભરાવવાની વાત કરતાં ધ્રુવ દવેએ કહ્યું હતું કે
હું ઇંધણ ભરાવીને આવું છું. ત્યાર બાદ કાર લઈને નીકળ્યા પછી અકસ્માત કર્યો હતો. અકસ્માત પછી યુવકે 4 કલાક સુધી તેના મિત્રથી વાત છુપાવી હતી અને બાદમાં કાર નીચે પથ્થર જેવું કંઈક આવ્યું હોવાનું જણાવ્યું હતું પરંતુ અકસ્માત થયો હોવાનો ઇનકાર કરતો હતો. પોલીસ સીસીટીવીના આધારે કારમાલિક અને બાદમાં કારચાલક મિત્ર સુધી પહોંચી હતી અને 3 વર્ષના અથર્વને અકસ્માત કરનારા આરોપીને ઝડપી લીધો હતો

25 સીસીટીવી કૅમેરાના ફૂટેજ અને 50 કારની તપાસ બાદ આરોપી પકડાયો
પોલીસે આસપાસના 25 સીસીટીવી કૅમેરાના ફૂટેજ અને 50થી વધારે કારની તપાસ કર્યા પછી ભેદ ઉકેલાયો હતો, જેમાં વર્ણન મુજબની ઈકો સ્પોર્ટ કાર (જીજે 18 બીપી 8529)ની તપાસ શરૂ કરતાં કાર અકસ્માત સ્થળથી બે લાઇન પાછળ પ્લોટ નંબર 171/2 ખાતેથી મળી આવી હતી. ત્યાર બાદ સમગ્ર કેસ ઉપરથી પડદો ઉંચકાતાં સામે આવ્યું હતું કે ભાઈબીજના દિવસે બીસીએ કરનારા સેક્ટર 3એ પ્લોટ નંબર 61/2 ખાતે રહેતા ધ્રુવ સતિષકુમાર દવે સેક્ટર 4એ પ્લોટ નંબર 171/2માં રહેતા મિત્ર જીલ મહેન્દ્રભાઈ પટેલના ઘરે ગયો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...