ચોરી:ડ્રાઇવર નાસ્તો કરવા ગયો ને 5 લાખનું વાહન ચોરાયું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલક ભૂલથી ચાવી વાહનમાં જ ભૂલી જતાં તસ્કર ધોળા દિવસે કાર ચોરી ગયો
  • બાલાપીર ચોકડી પાસેનો બનાવ

અડાલજમાં આવેલી બાલાપીર ચોકડી પાસે તુફાન કારનો ચાલક ભૂલથી કારમાં જ ચાવી મૂકીને ચા-નાસ્તો કરવા ગયો હતો. દરમિયાન અજાણ્યો ચોર તકનો લાભ લઈને કારની ચોરી કરીને પલાયન થઈ ગયો હતો. આ બનાવની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાવાતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ રમેશચંન્દ્ર નાનીયા પારગી (રહે, કોચરી, તા. ચિખલી, જિલ્લો ડુંગરપુર, રાજસ્થાન) ડ્રાઇવિંગ કરીને ગુજરાન ચલાવે છે. 1 વર્ષથી શેઠ ચેતનલાલ પારગીની સિલ્વર કલરની તુફાન ગાડી ચલાવે છે. સોમવારે સવારે કારમાં રાજસ્થાનથી પેસેન્જર ભરીને અડાલજ આવ્યો હતો અને બપોરે 3.30 વાગ્યાના અરસામાં અડાલજ બાલાપીર ચોકડી પાસે આવેલી ચાની દુકાનમાં ચા-નાસ્તો કરવા ગયો હતો.

નાસ્તો કરવા જતાં સમયે ગાડીની ચાવી તેમાં જ ભૂલી ગયો હતો. આશરે અડધો કલાક બાદ વાહન ચાલક ફ્રેશ થઈને વાહન લેવા જઇ રહ્યો હતો. દરમિયાન પાર્ક કરવામાં આવેલી જગ્યા ઉપર વાહન જોવા મળ્યું ન હતું. જેને લઈને આસપાસમાં તપાસ પણ કરી હતી. પરંતુ ભૂલથી રહી ગયેલી ચાવી ગંભીર પરિણામ લાવશે તેવી કલ્પના ન હતી. જેને લઈને અડાલજ પોલીસ સ્ટેશનમાં 5 લાખની ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...