ગુનાનો ભેદ ઉકેલાયો:પીંપળજ રોડ પર આધેડને ટક્કર મારી મોત નિપજાવનાર કાર ચાલક ઈડરનો નિકળ્યો, CCTVમાં લાલ કલરની કાર કેદ થઈ હતી

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇડરમાં મંડપ ડેકોરેશનનો ધંધો કરનાર વેપારીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લેવાઈ
  • પેટ્રોલ ખાલી થઈ જતાં પિતાને બાઈક પાસે ઊભા રાખી પુત્ર પેટ્રોલ લેવા ગયો હતો અને અકસ્મતા થયો

ગાંધીનગરના પીંપળજ મહર્ષિ અત્રિ તપોવન રોડ પર ગઈકાલે રવિવારે સવારના સમયે અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા આધેડનું મોત થયું હતું. જે બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે પેથાપુર પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતાં અકસ્માત કરનાર લાલ કલરની કાર હોવાનું પ્રકાશમાં આવતાં ઈડરનાં મંડપ ડેકોરેશનના વેપારીની ધરપકડ કરી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

પેટ્રોલ ખાલી થઈ જતાં બાઈક બંધ થઈ ગયું હતું
ગાંધીનગરના પીપળજ મહર્ષિ અત્રિ તપોવન રોડ પરથી પિતા-પુત્ર બાઈક પર પસાર થતાં હતાં. ત્યારે રસ્તામાં પેટ્રોલ ખાલી થઈ જતાં પિતાને બાઈક પાસે ઊભા રાખી પુત્ર પેટ્રોલ લેવા નિકળ્યો હતો. આ દરમિયાન કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી પિતાનું સ્થળ પર અવસાન થયું હતું. ગાંધીનગરના પીંપળજ ગામની સીમમાં રહેતા દશરથજી કોયાજી ઠાકોર તેમના પુત્ર વનરાજ સાથે બાઇક ઉપર ખેત મજૂરી અર્થે દેવેન્દ્રસિંહ રણજીતસિંહના ખેતરે જવા માટે નીકળ્યા હતા. ત્યારે મહર્ષિ અત્રિ તપોવનની સ્કૂલની સામે થોડે આગળ કટથી શપનવીલા સોસાયટી તરફ વળતા પેટ્રોલ ખાલી થઈ જતાં બાઈક બંધ થઈ ગયું હતું.
અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી
પિતાને બાઈક પાસે ઊભા રાખીને વનરાજ ચાલતો ચાલતો પેટ્રોલ લેવા માટે નિકળ્યો હતો. આ દરમિયાન કોઈ અજાણ્યો વાહન ચાલક દશરથજીને અડફેટે લઈને નાસી છુટયો હતો. આ અકસ્માતમાં દશરથજીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અંગે ગુનો દાખલ થતાં પેથાપુર પોલીસ મથકના પીએસઆઇ એમ એસ રાણાએ તપાસનો દોર શરૂ કરી આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી હતી.
​​​​​​​કેમેરામાં લાલ કલરની કાર પૂરપાટ ઝડપે પસાર થતી દેખાઇ
આ તપાસ દરમિયાન હોટલો, પેટ્રોલ પંપ તેમજ સર્કલ પરના ફુટેજ ચેક કરી રહ્યા હતા. ત્યારે ઘ - 7 સર્કલનાં કેમેરામાં એક લાલ કલરની મહિન્દ્રા ટીયુવી કાર પૂરપાટ ઝડપે પસાર થતી દેખાઈ આવી હતી. જ્યારે અકસ્માત સ્થળે એક કારની ક્રોમ પટ્ટી મળી આવી હતી. જેથી લાલ કલરની કારની તપાસ કરતાં સાબરકાઠાં ઈડરનાં શિવમ સોસાયટી પાસે રહેતા પાર્થ દિલીપકુમાર શાહ પાસે એક ટીમ પહોંચી ગઈ હતી. જેની કારની ક્રોમ પટ્ટી તૂટેલી હાલતમાં જોવા મળતા ગેરેજ વાળા પાસે ચેક કરાવતાં અકસ્માત સ્થળેથી મળેલી પટ્ટી તેની કારની હોવાનું પાકું થયું હતું. આમ પાર્થ શાહની ધરપકડ કરી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...