અસુવિધા:કોરોના કાળમાં બંધ થયેલા ગાંધીનગર કલેકટર કચેરીના દરવાજા સામાન્ય પ્રજા માટે બંધ, એજન્ટો માટે ખુલ્લા!

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર વસાહત મહા સંઘ ધ્વારા કલેક્ટર કચેરી દરવાજા સૌ કોઈ માટે ખોલવા માંગ

ગાંધીનગર કલેક્ટર કચેરીના દરવાજા સામાન્ય પ્રજા માટે બંધ કરીને પ્રવેશ નિષેધ કરવાની સાથે અનઅધિકૃત મળતિયાઓને વિના રોકટોક પ્રવેશ આપવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ શહેર વસાહત મહા સંઘ ધ્વારા કરીને કલેક્ટર કચેરીના દરવાજા તમામ લોકો માટે ખોલી દેવા માંગણી કરવામાં આવી છે.

ગાંધીનગરમાં કોરોનાનો કહેર વધી જવાથી કલેક્ટર કચેરી સહિતના જનસેવા કેન્દ્રો સામાન્ય પ્રજા માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. અરજદારોનો ઘસારો વધી ન જાય અને કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને ચુસ્ત પહેરો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે કોરોના સંક્રમણ ઘટી જવાથી અન્ય સરકારી કચેરીઓ ની માફક જિલ્લા કલેકટર કચેરી પણ રાબેતા મુજબ કાર્યરત થઈ ચૂકી છે. ત્યારે હજી પણ કલેકટર કચેરી માં કામ અર્થે આવતા અરજદારોને સરળ રીતે પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

આ અંગે શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિહ બિહોલાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારીને કારણે સરકારી કચેરીઓ 50 ટકા હાજરીથી ચાલતી હતી અને કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રો સદંતર બંધ રાખવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે ક્રમશઃ કોરોનાના કેસો ધટી રહયા છે અને સરકારી કચેરીમાં 100 ટકા હાજરી સાથે કાયૅરત થઈ ચૂકી છે.

ત્યારે જીલ્લાના નાગરિકોને પોતાના નાના મોટા કામો માટે જીલ્લા કલેકટર કચેરી ખાતે આવવું પડે છે. મધ્યમ વર્ગના નાગરિકો જે છેવાડાના ગામડેથી આવતા હોય ત્યારે કલેકટર કચેરીનાં દરવાજા બંધ કરેલા અને સિક્યુરિટી દ્વારા ચુસ્ત પહેરો રાખવામાં આવી રહ્યો છે. જેથી કરીને અરજદારોને સીધો પ્રવેશ સંકુલમાં આપવામાં આવતો નથી. ત્યારે અમુક બિલ્ડરો જમીન દસ્તાવેજો અધિકૃત અન અધિકૃત કામો કરાવવા વાળાને સંબંધિત ઓળખાણવાળા વ્યક્તિઓ માટે દરવાજા આસાનીથી ખોલી દેવામાં આવતા હોય છે. જ્યારે કલેક્ટર કચેરી ખાતે સામાન્ય આવકના દાખલા, જમીનના ઉતારા, નામ નોધણી, રેશનકાર્ડ કઢાવવા વગેરે કામો માટે આવતા સામાન્ય નાગરિકો ને પ્રવેશ મેળવવા ધણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. જેમાં ધણા લોકોને સિક્યુરિટી દ્વારા પ્રવેશ આપવામાં આવતો નથી અને અનઅધિકૃત કામો કરવા વાળા એજન્ટોને કોઈ રોકટોક વિના તેઓને સહેલાઈથી પ્રવેશ આપી દેવાય છે.

જેનાં કારણે અરજદારોને નાછુટકે એજન્ટો મારફતે પોતાના નાના મોટા કામ કરાવવા પડી રહ્યા છે. કોરોનાની મહામારી ઓછી થઈ છે સરકારી કચેરીઓ ખુલ્લી ગઈ છે તો શા માટે સામાન્ય નાગરિકો માટે મેઈન ગેટ બંધ કરવામાં આવે છે કોઈ આદોલન રેલી માગણીઓ માટે આવેદનપત્ર વગેરે માટે સલામતી ખાતર દરવાજા બંધ કરવામાં આવે તે સમજાય પરંતુ વિના કારણે દરવાજા દરરોજ બંધ કરવામાં આવે તે વ્યાજબી નથી.

પ્રજાના ટેકસ ના પૈસાથી સરકારી અમલદારો થી માંડી પટાવાળા સુધીનો પગાર થતો હોય છે ત્યારે પ્રજાને જ પોતાના કામો કરાવવા કલેક્ટર કચેરી માં પ્રવેશ અપાતો નથી. આથી કલેકટર કચેરીના બન્ને દરવાજા પ્રજાના કામો માટે કોઈ રોકટોક વગર ખુલ્લા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...