સમધાન:હિજરત કરી ગયેલા પરિવારોને તંત્ર પ્રોટેક્શન સાથે ગામમાં મૂકી આવ્યું

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દહેગામના શીયાવાડામાં બે સમાજ વચ્ચે થયેલી માથાકૂટમાં અંતે અધિકારીઓ-પોલીસે સમધાન કરાવ્યું

દહેગામના શીયાવાડા ગામમાં યુવતીની છેડતી મુદ્દે બે જુથ વચ્ચેની માથાકૂટ પછી રાવળ સમાજના 20 જેટલા પરિવારોએ હીજરત કરી હતી. ઘટનાને પગલે સોમવારે જ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા બંને સમાજ વચ્ચે સમાધાન કરાવી ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમ છતાં પણ ડરેલાં રાવળ સમાજના પરિવારો મંગળવારે કલેક્ટર કચેરી પહોંચી ગયા હતા. જ્યારે આગેવાનોએ કલેક્ટર સાથે મુલાકાત કરીને રજૂઆતો કરી હતી. જે બાદ પ્રાંત અધિકારી અને પોલીસે પરિવારોને લઈને ગામમાં પહોંચ્યા હતા.

તંત્ર દ્વારા બંને સમાજ તથા ગામના અન્ય આગેવાનોને સાથે રાખીને ચર્ચા વિચારણા કરીને સમાધાન કરાવ્યું હતું. ઘટના દોઢ વર્ષ પહેલાંની છે જેમાં યુવતીની છેડતી મામલે બંને સમાજ વચ્ચે નાની-મોટી માથાકૂટો થઈ હતી. જે-તે સમયે સ્થાનિક તંત્રએ બંને સમાજ વચ્ચે સમાધાન કરાવ્યું હતું, જોકે તે બાદ પણ રાવળ સમાજના લોકોને ધમકીઓ મળતી હોવાની રજૂઆત મંગળવારે કલેક્ટર સમક્ષ થઈ હતી. જોકે હાલ તો સમગ્ર મુદ્દે બે દિવસના તંત્રના પ્રયાસોથી બંને સમાજના લોકોએ સમાધાન કરી લીધું હોવાનું કહેવાય છે.

આ અંગે રાવળ સમાજના આગેવાન વિષ્ણુભાઈ રાવળે કહ્યું હતું કે, ‘વિવિધ વિસ્તારોમાંથી આવેલા સમાજના આગેવાનો કલેક્ટરને મળ્યા હતા. જેથી કલેક્ટર સાહેબે તાત્કાલિક એક્શન લેવડાવ્યા હતા. જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ પ્રોટેક્શન સામે લોકોને ગામમાં લઈ ગયા હતા. ગામમાં પંચાયત ખાતે બેઠક બોલાવીને ગામના આગેવાનોએ સમગ્ર મુદ્દે ખેદ વ્યક્ત કરી ભવિષ્યમાં આવી ઘટના નહીં બંને તેવી ખાતરી આપી હતી.

પોલીસે પણ સમાજના લોકોને પોતાનો નંબર આપીને ગમે ત્યારે મદદ માટે કોલ કરવા કહ્યું હતું.’ શીયાવાડા ગામના આગેવાન નરેન્દ્ર પટેલે કહ્યું હતું, ‘અધિકારીઓ સહિતના લોકોએ બધાને ગામમાં લાવી દીધા હતા. ગ્રામજનોએ ભેગા થઈને ફરી આવું ન થાય તેવી વાતચીત કરીને મામલો શાંત પાડ્યો હતો.’

અન્ય સમાચારો પણ છે...