430 પરિવારને રાહત:મેયરની સોસાયટીમાં કાપેલું વીજજોડાણ ફરીવાર જોડાયું

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 માસમાં 5 નોટિસને ન ગણકારી, વીજ જોડાણ કાપતાં જવાબદારો NOC માટે દોડ્યા

ફાયર સેફ્ટી ન હોવાને પગલે ભાઈજીપુરા પાટીયા પાસે આવેલી શ્યામ સુકન રેસિડેન્સીનું કપાયેલું લાઈટ કનેક્શન ફરી જોડાયું છે. મેયર હિતેશ મકવાણા જ્યાં રહે તે સોસાયટીમાં જ કોર્પોરેશનના ફાયર વિભાગે છેલ્લા છ મહિનામાં પાંચ જેટલી નોટિસ આપી હતી. આમ છતાં ફાયર સેફ્ટીની એનઓસી મુદ્દે કોઈ પગલાં ન લેવાતા બુધવારે યુજીવીસીએલ દ્વારા સોસાયટીનું લાઈટ કનેક્શન કાપી દેવાયું હતું.

કાળઝાળ ગરમીમાં લાઈટ કનેક્શન કાપી દેવાતા રહીશોમાં રોષ ફેલાઈ ગયો હતો. આ બાબતે સ્થાનિકો દ્વારા સોસાયટીના જવાબદારો લોકો અને બિલ્ડર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. લાઈટ કનેક્શન કપાતા જ જવાબદાર દ્વારા ફાયર એનઓસી માટે દોડધામ શરૂ કરાઈ હતી. જેમાં ફાયર એનઓસી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાતા ફાયર વિભાગ દ્વારા યુજીવીસીએલને જાણ કરાઈ હતી. જેને પગલે યુજીવીસીએલ દ્વારા રાત્રે જ સોસાયટીનું લાઈટનું કનેક્શન જોડી દેવાયું હતું.

જોકે સોસાયટીના જવાબદારોને પગલે આખી સોસાયટીના લાઈટ વગર રહેવું પડ્યું હતું. ફાયર એનઓસી વગરની સોસાયટીઓ અને બિલ્ડિંગો સામે ફાયર વિભાગ દ્વારા આગામી સમયે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં ફાયર એનઓસી રિન્યૂઅલ સહિતની પ્રક્રિયામાં સમય પસાર કરીને ફાયર સેફ્ટીની દરકાર ન લેતી સોસાયટીઓ-બિલ્ડિંગો સામે કડક પગલાં લેવાશે. ગાંધીનગરના મેયરની સોસાયટીમાં જ આવી અનિયમીતતા હોવાના કારણે વીજ જોડાણ કાપી નાખવામા આવતા ભારે ઉહાપોહ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...