30 દિવસ, 30 શિવ મંદિર:સાબરમતી નદીના કિનારે આવેલું ધોળેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ ભગવાન ઈન્દ્રએ કર્યું, શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટે છે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો મંદિર પરિસરમાં યોજવામાં આવે છે, મહાશિવરાત્રિ પર મોટા મેળાનું આયોજન થાય છે
  • ધોળેશ્વર મહાદેવ મંદિરનું પૌરાણિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે

ગાંધીનગરનું ધોળેશ્વર મહાદેવ મંદિર હિન્દૂ પૌરાણિક કથા અનુસાર ભગવાન ઈન્દ્ર દ્વારા નિર્માણ કરાયું હતું. આ સ્થાન સાથે ભગવાન ઈન્દ્રથી લઈને પાંડવો સહિત અનેક કથાઓ જોડાયેલી છે. ધોળેશ્વર મહાદેવનું મહત્વ મહાન સંત મહર્ષિ વેદ વ્યાસ દ્વારા લખાયેલા વિવિધ પુરાણોમાં પણ દર્શાવવામાં આવ્યું છે. કાશી વિશ્વનાથના દર્શનની અનુભૂતિ કરાવતા પાટનગરના ધોલેશ્વર મહાદેવ ગાંધીનગર પાસે સાબરમતી નદીના કિનારે બિરાજેલા ધોળેશ્વર મહાદેવનો ઇતિહાસ મહારાજા પુના પેશ્વાના સમયનો છે. ધોળેશ્વર મહાદેવ મંદિરનું પૌરાણિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે.

મંદિરનો ઈતિહાસ
પૌરાણિક કથા મુજબ પુના પેશ્વાની સરકારમાં કડિયા મહારાજ મલ્હારરાવ નામે સુબેદાર રાજ કરતા હતા. તે વખતે રાજની ઘોડા શાળામાંથી ઘોડાઓની ચોરી કરી રહેલી ચોર ટોળકીનો રાજના સૈનિકોએ પીછો કર્યો હતો. ચોર શિવાલયમાં સંતાઈ ગયા હતા. બાજુમાં ધૂણી ધખાવી બેઠેલા સંત પાસે બચાવવા માટે આજીજી કરતાં ચોરને ફરીથી આવું કૃત્ય નહીં કરવાની શરતે સંતે બચાવ્યા હતા. પરંતુ તેમણે ચોરેલા ઘોડા લાલ અને કાળામાંથી ધોળા થઈ ગયા હતા. ઘોડાના રંગ બદલાઇને ધોળા થવાના પગલે ઇન્દ્રેશ્વર મહાદેવ ધોળેશ્વર મહાદેવના નામથી ખ્યાતિ પામ્યા હતા. વૈદિક ધર્મના પુરાણો તરીકે મહર્ષિ વેદવ્યાસના અઢાર પુરાણોમાંના ઉત્તર ક્રિયા ખંડ અધ્યાય 151 અને સ્કંદ પુરાણ ધર્મારણ્ય ખંડમાં ઇન્દ્રેશ્વર મહાત્મ્ય તરીકે વર્ણન કરેલું છે. ધોળેશ્વર મંદિર ભગવાન શંકરાચાર્યના સમયથી મહંત પરંપરા ચાલી રહી છે, જ્યારે 27 સંતો આ પરંપરાને શોભાવી ચૂક્યા છે.

ઈન્દ્રએ શિવલિંગની સ્થાપના કરી
આ મંદિરની એવી પણ માન્યતા છે કે, જો કોઈ ભક્ત કાશીની મુલાકાત ન લઈ શકે તો આ સ્થાનની મુલાકાત લઈને સાબરમતી નદીમાં સ્નાન કરવાથી કાશી સમાન ભક્તને પુણ્ય મળે છે. ભગવાન ઈન્દ્ર પણ અહીં સાબરમતી નદીમાં પવિત્ર સ્નાન કર્યા પછી બ્રહ્મહત્યા પાપ દૂર કરવામાં સક્ષમ થયા હતા. તેથી ભગવાન ઈન્દ્રએ ધોળેશ્વર મંદિરનું નિર્માણ કર્યું અને અહીં શિવલિંગ સ્થાપિત કર્યું. તેથી આ મંદિરને ઈન્દ્રેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

શહેરનું એક અનોખું ધાર્મિક અને પર્યટન સ્થળ
સુંદર અને વિશાળ ધોળેશ્વર મહાદેવ પરિસરમાં ઉત્તમ સ્થાપત્ય અને કોતરણી સાથેનું મુખ્ય મંદિર, ધાર્મિક વિધિઓ માટે યજ્ઞશાળા, ગૌશાળા, સંત નિવાસ, પાર્કિંગ તથા સાબરમતી નદીના શાંતિપૂર્ણ અને કુદરતી વાતાવરણમાં સુંદર મજાના બગીચા વગેરેનો સમાવેશ થાય છે. ધોળેશ્વર મહાદેવ મંદિર સાબરમતી નદીના કિનારે આવેલું છે. ભગવાન શિવના હજારો ભક્તો અહીં આવે છે. મહાશિવરાત્રી પર મોટા મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. દર સોમવાર અને શ્રાવણ મહિનામાં અહીં આ મંદિરની મુલાકાત લેવા અને ભગવાન શિવની પૂજા કરવા માટે ખૂબ જ શુભ સમય ગણવામાં આવે છે. અહીંના મંદિરનું વાતાવરણ અને સંસ્કૃતિ તેને શહેરનું એક અનોખું ધાર્મિક અને પર્યટન સ્થળ બનાવે છે.

આ શિવલિંગ ઇન્દ્રના નામથી ઓળખાયું: મહંત રામ સ્વરૂપપુરી
આ અંગે મહંત રામ સ્વરૂપપુરીજીએ કહ્યું કે, શિવલિંગની સ્થાપના ઇન્દ્ર દ્વારા કરવામાં આવી હતી. પરિણામે પૃથ્વી ઉપરનું આ શિવલિંગ ઇન્દ્રના નામથી ઓળખાયું હતું. ત્યારબાદ ધોળેશ્વર મહાદેવ તરીકે ઓળખાયું છે. મંદિરે પૂનમ, સૂર્ય ચંદ્ર ગ્રહણ કે પછી સંક્રાંતિના દિવસે પિતૃશ્રાદ્ધ કરાય છે તે પિતૃઓને બાર વર્ષ સુધીની તૃપ્તિ થાય છે. જે બ્રાહ્મણો અહીં રુદ્રી કરે છે, તેને કરોડો ગણું ફળ મળે છે. શિવરાત્રિ, જન્માષ્ટમી, ગુરુપૂર્ણિમા સહિત વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યારે સાબરમતી નદીના કિનારે વસેલું હોવાના કારણે અહીંયા વાતાવરણ પણ અલૌકિક જોવા મળે છે.

રામ સ્વરૂપપુરી, મહંત.
રામ સ્વરૂપપુરી, મહંત.
અન્ય સમાચારો પણ છે...