નવા મેયરની વાત:ગાંધીનગર મનપામાં સમાવિષ્ટ નવા 18 ગામડાનો વિકાસ પણ 1થી 30 સેક્ટરોની જેમ જ કરાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક કાર્યકરમાંથી કોર્પોરેટર અને કોર્પોરેટરમાંથી ભાજપે આજે મેયર બનાવ્યો: હિતેશ મકવાણા

ગાંધીનગર કોર્પોરેશનની આજે ચૂંટાયેલા કોર્પોરેટરોની સૌ પ્રથમ સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં ગાંધીનગરના પાંચમા મેયર તરીકે હિતેશ મકવાણાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર પદે પ્રેમલસિંહ ગોલ અને સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે જશવંતભાઈ પટેલની નિમણૂક કરાઈ છે.

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પણ એક હથ્થુ શાસન હાંસલ કર્યા પછી કોર્પોરેશનની ચૂંટણી જંગમાં ભાજપે 44માંથી 41 સીટો કબ્જે કરી લઈ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ગણિત ઊંધા પાડી દઈ ઐતિહાસીક જીત હાંસલ કરી સ્પષ્ટ બહુમતી મેળવી લીધી હતી.

છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરના મેયર કોણ બનશે તેની ચર્ચાઓએ જોર પકડયું હતું. જોકે, અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિનાં ઉમેદવારને મેયર પદ આપવાનું નિશ્ચિત હતું. જેમાં હિતેશ મકવાણા અને ભરત દીક્ષિતના નામ મોખરે હતા. જેમાં હિતેશ મકવાણાને મેયર બનાવવાનું અગાઉથી નક્કી જ માનવામાં આવતું હતું અને ઔપચારિકતા ભાગરૂપે આજે વિજેતા કોર્પોરેટરોની સામાન્ય સભામાં શહેર પ્રમુખ રુચિર ભટ્ટે રજૂ કરેલા મેન્ડેટ મુજબ સભ્યોએ હિતેશ મકવાણાએ મેયર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.

આજે ગાંધીનગરનાં મેયર હિતેશ મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક કાર્યકરમાંથી કોર્પોરેટર અને કોર્પોરેટરમાંથી મેયર ભાજપે બનાવ્યો છે. ભાજપ નાનામાં નાના કાર્યકરને પ્રાધાન્ય આપે છે.

ગાંધીનગર કોર્પોરેશનમાં અત્યાર સુધી 1થી 30 સેક્ટરો હતા. નવા સીમાંકન પ્રમાણે હવે કોર્પોરેશનમાં નવા 18 ગામડાઓનો સમાવેશ થયો છે. જેનાં કારણે વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ પણ ગાંધીનગર કોર્પોરેશનનો વ્યાપ વધ્યો છે. કોર્પોરેશનના અગાઉના પદાધિકારીઓ દ્વારા ગાંધીનગરનો વિકાસ કરવામાં આવ્યો છે. હવે નવા સમાવિષ્ટ ગામડાનો પણ શહેર જેવો જ વિકાસ થાય તેને પ્રાથમિકતા આપવામાં આવશે.

કોર્પોરેશનમાં નવા ભળેલા ગામડામાં પાયાની પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થાય અને ગામડા પણ વિકાસની હરણફાળ ભરે એ રીતે વિકાસના કામો હાથ ધરવામાં આવશે. ઉપરાંત સૌ સભ્યોને સાથે રાખીને નગરનો વિકાસ થાય અને નાગરિકોને વધુ સારી સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય તે દિશામાં આયોજન કરીશું.

અન્ય સમાચારો પણ છે...