ગાંધીનગરથી સરખેજની બસમાં ચડવા જતા મુસાફરાના ખિસ્સામાં પાકીટની ચોરી થઇ હતી. આથી પોકેટમારને ટ્રાફિક કંટ્રોલરે પકડીને પોલીસ હવાલે કર્યો હતો. જોકે પાકિટમાંથી મળેલા ડોક્યુમેન્ટના આધારે ડેપોના ટ્રાફિક કંટ્રોલરે મુસાફરનો સંપર્ક કરીને રૂપિયા 3420 તેમજ જરૂરી ડોક્યુમેન્ટ ભરેલું પાકીટ પરત કરીને ઇમાનદારીનું ઉદાહરણ આપ્યું છે.
પાટનગરના બસ ડેપોમાંથી પાકિટમારોનો ત્રાસની વચ્ચે ડેપોના ટ્રાફિક કંટ્રોલરની બાજ નજરમાં પાકીટમાર દૂર જઇ શકતો નથી. તાજેતરમાં જ ગાંધીનગર ડેપોમાંથી ઉપડતી ગાંધીનગરથી સરખેજની બસમાં બેસવા માટે જતા એક મુસાફરના ખિસ્સામાંથી પાકિટમારે પાકીટ સેરવી લીધું હતું. જોકે ડેપોના ટ્રાફિક કંટ્રોલર ધર્મેન્દ્રભાઇ પંડ્યાની નજરમાં પાકીટમાર ચડતા તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. જોકે પાકિટમાર પાસેથી પાકીટ લઇને તેમાં તપાસ કરતા રૂપિયા 3420 તેમજ ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ઓફિસ કાર્ડ, એટીએમ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ હતા.
ઉપરાંત પાકીટમાંથી મુસાફરનો સંપર્ક મળતા ટ્રાફિક કંટ્રોલરે ફોન કરીને તેમના ખિસ્સામાંથી ચોરાયેલા પાકીટની જાણ કરી હતી. આથી મુસાફર ડેપોના ટ્રાફિક કંટ્રોલરની પાસેથી પોતાનું પાકીટ તેમજ રોકડા રૂપિયા સહિતના ડોક્યુમેન્ટ પરત મેળવ્યા હતા. ડેપોના ટ્રાફિક કંટ્રોલરની ઇમાનદારી બદલ મુસાફરે આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.