હાલમાં ચાલી રહેલા દશામાના વ્રત તેમજ પવિત્ર શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરીને માતાજીની તેમજ દેવાધિદેવ મહાદેવની ઉપાસના કરતા હોય છે. વર્તમાન કારમી મોંઘવારીમાં ઉપવાસમાં ફરાળમાં આર્થિક રીતે અનુકૂળ તેવા કેળાની ડિમાન્ડ વધી છે. જેને પરિણામે જિલ્લામાં દરરોજ અંદાજે 2000 કિલો કેળાનું વેચાણ થતું હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.
હિન્દુ શાસ્ત્રોમાં ચાતુર્માસમાં વ્રત અને તહેવાર વધુ આવતા હોવાથી લોકો ધાર્મિક કાર્યક્રમો વધુ કરાવતા હોય છે. ઉપરાંત ચાતુર્માસમાં ઉપવાસ કરીને લોકો પુણ્યનું ભાથું બાંધતા હોય છે. તેમાંય દિવાસાના દિવસોથી શરૂ થતા દસ દિવસીય દશામાના વ્રત અને પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવજીને રીઝવવા આને કૃપા દૃષ્ટિ મેળવવા માટે શિવભક્તો ઉપવાસ કરીને ભોળાનાથની આરાધના કરતા હોય છે. વર્તમાન કારમી મોંઘવારીમાં ઉપવાસમાં ફરાળી કરવું લોકો માટે આર્થિક રીતે કપરૂ બની રહ્યું છે. જોકે લોકો ઉપવાસમાં ફરાળ તરીકે ફ્રુટ તેમજ ફરાળી વાનગીઓ આરોગતા હોય છે.
અલગ-અલગ પ્રકારના કેળાનો ભાવ
બજારમાં વેચાતા અલગ-અલગ કેળાના ભાવમાંરેગ્યુલર રૂપિયા 30 થી 50ના ભાવે ડઝન, લવિંગિયા કેળા પ્રતિ ડઝન રૂપિયા 50થી 70ના ભાવે વેચાય છે. જ્યારે ઈલાયચી કેળા પ્રતિ ડઝન રૂપિયા 100 થી 150ના ભાવે વેચાય છે. જે કેળા નાના અને સ્વાદમાં એકદમ મીઠા હોય છે. જ્યારે મદ્રાસી એક કેળાનું વજન 300 થી 400 ગ્રામ હોવાનું વેપારી પ્રકાશ પટણીએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.