ભાસ્કર ઇન્સાઇડ:વડાપ્રધાન કાર્યાલયમાંથી આદેશ આવતાં જ વાઇબ્રન્ટ સમિટ રદ કરવાનો નિર્ણય

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મહાત્મા મંદિરમાં મીટિંગ પહેલાં જ વાઇબ્રન્ટ રદનો નિર્ણય, બુધવારે સરકારે PMOને પત્ર પાઠવ્યો તો

ગુજરાત સરકારે ગુરુવારે અચાનક જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન રદ્દ જાહેર કર્યું. સવારે મુખ્યમંત્રી અને અન્ય સિનિયર મંત્રીઓ અને સિનિયર અધિકારીઓની સમિટના આયોજન સ્થળ મહાત્મા મંદિર ખાતે તૈયારી અને આયોજનની સમીક્ષા માટે બેઠક યોજાવાની હતી, તેને સ્થાને અચાનક આખેઆખી સમિટ જ રદ્દ કરાઇ હોવાની જાહેરાત થઇ. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે બુધવારે જ આ સમિટના આયોજનને લઇને ભીતિ વ્યક્ત કરતો એક પત્ર વડાપ્રધાન કાર્યાલયને લખ્યો હતો, તેના જવાબમાં સરકારે આ આયોજન રદ્દ કર્યું છે.

મંગળવારે એક સાથે રાજ્યના પાંચ વરિષ્ઠ અધિકારીઓ કોવિડ પોઝિટિવ આવ્યા અને તેઓ વાઇબ્રન્ટ સંબંધિત જવાબદારીઓ સાથે સંકળાયેલાં હતાં. આ ઉપરાંત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ તેમની સાથે સતત બેઠકો યોજતાં હોવાથી સચિવ કક્ષાના ઘણાં અધિકારીઓ માટે સંકટ ઊભું થયું હતું. આ ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી પણ કોવિડ પોઝિટીવ આવ્યા છે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ સાવચેતી રાખીને કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો, જો કે તે નેગેટિવ આવ્યો હોવાનું જાણમાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે આ સમિટમાં રશિયાના વડાપ્રધાન એક મોટું પ્રતિનિધીમંડળ લઇને સમિટમાં આવવાના હતા પરંતુ તેમણે પ્રવાસ રદ્દ કર્યો.

આ સાથે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ પણ આવવાના હતા પરંતુ તેઓ પણ પોઝિટીવ આવ્યા અને તેમણે પ્રવાસ રદ્દ કર્યો. આ સાથે ઘણાં બધાં દેશોના અને ભારતના રાજકીય અને બિઝનેસ પ્રતિનિધી મંડળોએ પણ આવવા અંગે સંકોચ વ્યક્ત કરીને નહીં આવવા બદલ ક્ષમાયાચના માંગતો પત્ર પણ મોકલ્યો હતો. ગુજરાત સરકારને તેવો પણ ભય હતો કે વધતાં જતાં સંક્રમણને કારણે આગેવાનોએ સમિટમાં નહીં આવવાનો નિર્ણય લીધો હોવાને કારણે આ સમિટના આયોજનનો અર્થ રહે નહીં. આ સંજોગોમાં સમિટ રદ્દ કરવી વધુ હિતાવહ રહેશે.

અન્ય સમાચારો પણ છે...