હોસ્પિટલમાં હોબાળો:ગાંધીનગરની આશકા હોસ્પિટલમાં પથરીનાં ઓપરેશન દરમિયાન દર્દીનું મોત, પરિવારજનોએ હોબાળો મચાવ્યો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • ડોક્ટરની બેદરકારીનાં કારણે સ્વજનનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કરી મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો

દર્દીઓની સારવારમાં ગંભીર બેદરકારી તગડી ફી વસુલવા તેમજ મોતનો મલાજો નહીં જાળવવા જેવા અનેક વિવાદોમાં ઘેરાયેલી શહેરની આશકા હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન દરમિયાન 39 વર્ષીય દર્દીનું મોત થતાં ફરીવાર વિવાદોમાં આવી છે. આ મામલે ગઈકાલે રાત્રે મૃતકના સ્વજનોએ ડોક્ટરની ગંભીર બેદરકારીનો આક્ષેપ કરીને હોબાળો મચાવી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દેવામાં આવતા પોલીસને દોડવું પડ્યું હતું.

કોરોના કાળ વખતે પણ દર્દીના મોત મામલે એક પરિવારે આશકા હોસ્પિટલમાં આજ રીતે હોબાળો મચાવતા પોલીસે જઈને મામલો શાંત પાડ્યો હતો. ત્યારે ફરીવાર આશકા હોસ્પિટલમાં દર્દીનું મોત થતાં પોલીસને દોડી જવું પડ્યું હતું. બનાવની વિગતો મુજબ કુડાસણ ખાતે રહેતા સુરેન્દ્રસિંહ હુકમસિંહ ચૌહાણને પથરીના ઓપરેશન માટે આશકા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનું ઓપરેશન કર્યા પછી ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયાનો પરિવારે આક્ષેપ કર્યા હતા. રાત્રે હોસ્પિટલમાં હોબાળો મચાવી લાશ લેવાનો ઈન્કાર કરી દીધો હતો.

પરિવારે કથિત આક્ષેપ કરીને કહ્યું હતું કે, પથરીનું ઓપરેશન કરનાર ડો. ગૌરાંગ વાઘેલાની બેદરકારીના કારણે સુરેન્દ્રસિંહનું મૃત્યુ થયું છે. જેમનું મૃત્યુ 1.30 વાગે ઓપરેશન દરમિયાન થયું હતું અને સાંજે સાત વાગે હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરાયા હતા. આ અંગે મૃતક સુરેન્દ્રસિંહનાં સગા કાળુસિંહ ચાવડાએ કથિત આક્ષેપ કરીને કહ્યું હતું કે, અમે પોલીસ ફરિયાદ કરી પણ હજી પોલીસે ફરિયાદ નોંધી નથી. અમને ન્યાય નહીં મળે ત્યાં સુધીમાં મૃતદેહ સ્વીકારમાં આવશે નહીં.

ઈન્ફોસિટી પીઆઈ કે આર ડીમરીએ જણાવ્યું હતું કે, પરિવારે બેદરકારીનો આક્ષેપ કર્યો હોવાથી મૃતકનું પેનલ ડોકટરો મારફતે અમદાવાદ સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવવા માટે તજવીજ કરી છે. એફએસએલની પણ મદદ લેવાઈ છે. બંનેના રિપૉર્ટ આવે એના આધારે આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે હોસ્પિટલ ખાતે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

અમદાવાદ સિવિલમાં પીએમ કરાયું
દર્દીના મૃત્યુ પછી મૃતકના સબંધી અને સમાજના અગ્રણી ઊમટી પડ્યા હતા. મૃતદેહ સ્વીકારવાની ના પાડ્યા બાદ અમદાવાદ સિવિલમાં મૃતદેહ લઈ જઈ પેનલ પીએમ કરાયું હતું.

હૉસ્પિટલના બચાવમાં પોલીસનાં ધાડાં
આશ્કા હૉસ્પિટલમાં અને તેની બહાર જે રીતે પોલીસનાં ધાડાં ઉતારી દેવાયા હતા તબીબની બેદકારીથી મોતના કેસમાં પહેલાં ક્યારેય આટલી પોલીસ બોલાવવામાં આવી નહોતી.

હૉસ્પિટલ સામે અગાઉ અનેક આક્ષેપ
આશ્કા હૉસ્પિટલના તબીબો સામે અનેક વખત બેદરકારીના આક્ષેપો થયા છે પણ ક્યારેક ઉચ્ચ ઓળખાણથી મૃતકના પરિવારજનોને ભગાડી કે સમજાવી દેવાતાં પોલીસને ફરિયાદ પહોંચી નથી.

1 ઉચ્ચ પોલીસ અધિકારીની ભાગીદારીની ચર્ચા
આ હૉસ્પિટલ સામે અનેક આક્ષેપ થવા છતાં ફરિયાદ થઈ હોય તેવું સામે આવ્યું નથી. ગાંધીનગરમાં ફરજ બજાવતા એક ઉચ્ચ પોલીસ અધિકારીની ભાગીદારીની ચર્ચા હતી.

દર્દીના મૃત્યુ પછી હૉસ્પિટલ તંત્રે અંગુઠા મરાવી લીધા
આશ્કા હૉસ્પિટલ તંત્ર દ્વારા દર્દીનું મૃત્યુ થયા પછી ફોર્મ પર મૃતકના અંગુઠા લઈ લીધા હતા. તંત્ર પાસે આ બાબતે જાણવાનો પ્રયાસ કર્યો હતો પણ કાંઈ કહેવા ઇનકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...