ગાંધીનગર જિલ્લામાં ધોરણ - 12 સામાન્ય પ્રવાહનું 87.84 ટકા રિઝલ્ટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયું છે. ત્યારે શહેરની આર સી સ્કૂલમાં અભ્યાસ કરી બોર્ડની પરિક્ષામાં 99.81 PR હાંસલ કરનાર ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામના ખેડૂતની દીકરી ખુશી પટેલના આત્મ વિશ્વાસની દાદ આપવી જોઈએ. કેમકે હજી તો આજે પરિણામ જાહેર થયું છે એ પહેલાંથી જ ખુશીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટેનો અભ્યાસ પણ શરૂ કરી દીધો છે.
રાજ્યમાં 4.22 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાંથઈ 2.91 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 86.91 ટકા પરિણામ આવ્યું છે. મહત્વનું છે કે, કોરોના મહામારી પછી 2 વર્ષ પછી ઓફલાઈન પરીક્ષા યોજાઈ હતી. ગાંધીનગર જિલ્લામાં ધોરણ - 12 સામાન્ય પ્રવાહનું 87.84 ટકા રિઝલ્ટ જાહેર થયું છે.
ગાંધીનગર જિલ્લામાં સામાન્ય પ્રવાહના 11 હજાર 227 વિદ્યાર્થીમાંથી 11 હજાર 161 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં આજે જાહેર થયેલા થયેલા પરિણામ મુજબ માત્ર 42 વિધાર્થીઓ A1 કેટેગરીમાં ઉત્તીર્ણ થયા છે. ત્યારે ગાંધીનગરની કડી કેમ્પસમાં આવેલી આર.સી સ્કૂલની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ખુશી સુરેશભાઈ પટેલે ધોરણ - 12 સામાન્ય પ્રવાહમાં 99.81 PR સાથે 92.29 ટકા હાંસલ કરીને પોતાના પરિવાર તેમજ શાળાનું નામ રોશન કર્યું છે.
આ અંગે ખુશી પટેલનો દિવ્ય ભાસ્કર ડીજિટલ દ્વારા સંપર્ક કરવામાં આવતાં તે અમદાબાદની ઇન્સ્ટિટ્યૂટમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનાં કલાસમાં અભ્યાસ કરી રહી હતી. ખુશીએ પૂરા આત્મવિશ્વાસ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મારું મૂળ વતન ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ છે. પિતા સુરેશભાઈ ખેડૂત છે અને માતા ભાવનાબેન ગૃહિણી છે. જ્યારે નાનો ભાઈ કીર્તન ધોરણ - 10 માં આવ્યો છે.
અમે બંને ભાઈ બહેન ગાંધીનગરની આર સી સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ અને અહીંની હોસ્ટેલમાં રહીએ છે. ધોરણ - 8 થી જ હું અહીં અભ્યાસ કરી રહી છું. માલદાર ઘરના જ છોકરા જ ભણીને આગળ એવું નથી. મારા જેવા ખેડૂત પરિવારની દીકરી પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે છે. પરીક્ષામાં સફળ થવા માટે સ્કૂલ - ટયૂશનના અભ્યાસ સિવાય રોજ નિયમિત રીતે છ કલાકનું વાંચન કરતી હતી. કોઈ દિવસ છ કલાક થી વધુ વાંચન કરી લેતી પણ તેનાથી ઓછું કદાપિ નહીં.
કોરોના કાળમાં પણ શાળા તરફથી ઓનલાઈન શિક્ષણ આપીને પૂરેપૂરી તૈયારીઓ કરાવવામાં આવી હતી. પરીક્ષામાં આવું પરિણામ આવશે એનો અંદાજ ન હતો. પરંતુ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હોવાથી જેવી ધોરણ - 12 ની પરીક્ષા પૂર્ણ થઈ એના દસ દિવસ પછી તુરત જ અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટમાં સી.એનો અભ્યાસ શરૂ કરી દીધો છે. એજ મારું લક્ષ્ય છે.
પોતાની સફળતાનો શ્રેય શાળાના શિક્ષકો તેમજ ખાસ કરીને પોતાના માતા પિતાને આપીને ખુશીએ વધુમાં ઉમેર્યું હતું કે, સફળતા હાંસલ કરવા માટે સોશિયલ મિડિયાથી દૂર રહેવું જોઈએ. હું આજે પણ સોશિયલ મીડિયાથી દૂર છું. માત્ર અભ્યાસના મેસેજ મળી રહે એ માટે વોટ્સઅપનો ઉપયોગ કરું છું. બાકી હોસ્ટેલમાં શરૂઆતથી જ મોબાઇલ ફોન ઉપર પાબંધી હતી. જેથી તમારે પણ પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવવી હોય તો બને એટલું સોશિયલ મિડિયાથી દૂર રહેવું જોઈએ. આટલું બોલીને ખુશી સી.એ ના કલાસમાં જવાનું કહીને પોતાની વાત પૂર્ણ કરી ફરી પાછી કલાસમાં જઈને બેસી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.