મદદ:નિષ્ઠુર પતિએ 17 દિવસથી ગેરેજમાં ગોંધી રાખેલી પત્નીને મુક્ત કરાવાઈ

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જીવનઆસ્થાની ટીમની 1200 કિમી દૂર છત્તીસગઢમાં મદદ
  • યુવતીએ આત્મહત્યા માટે સર્ચ કરતાં જીવનઆસ્થાનો સંપર્ક થયો હતો

ગાંધીનગરની જીવનઆસ્થાની ટીમે 1200 કિલોમીટર દૂર બંધક બનાવેલી મહિલાને એક ફોનકૉલના આધારે નવજીવન અપાવ્યું હતું. છત્તીસગઢમાં અણબનાવ થતાં પતિએ પત્નીને 17 દિવસથી ગેરજમાં ગોંધી રાખી હતી. યુવતિએ આત્મહત્યા કરવા માટે મોબાઇલમાં સર્ચ કરતાં જીવનઆસ્થા હેલ્પલાઇનનો સંપર્ક થયો હતો અને સંસ્થાએ યુવતિને નવું જીવન અપાવ્યું હતું.

છત્તીસગઢમાં રહેતી 27 વર્ષીય યુવતિએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. કૉલેજમાં સાથે અભ્યાસ કરતા હોવાથી યુવકના ગાઢ પરિચયમાં આવી હતી અને યુવતિએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્નના એક વર્ષ પછી બંને વચ્ચે ખટરાગ શરૂ થયો હતો. યુવતિની સહનશીલતાની હદ ત્યારે આવી ગઈ, જ્યારે જે પતિ તેને ગેરેજમાં પૂરીને જતો રહ્યો હતો. આ સમય દરમિયાન યુવતિએ પતિને અનેક વાર ફોન કર્યા હતા પરંતુ તેને ગૅરેજમાંથી બહાર કાઢવા માટે આવતો નહોતો. બીજી તરફ વિસ્તાર એટલો અંતરિયાળ હતો કે ત્યાં આસપાસમાં પણ કોઈ જોવા મળતું નહોતું.

આખરે યુવતિએ જીવનલીલા સંકેલી લેવાનો વિચાર કર્યો અને એ માટે મોબાઇલમાં આત્મહત્યા માટેની રીત અંગે સર્ચ કરતાં તેને જીવનઆસ્થા હેલ્પલાઇનનો સંપર્ક થયો હતો. તે સમયે યુવતિએ તેની આપવીતિ જણાવી હતી. ત્યારે ગાંધીનગર જીવનઆસ્થાની ટીમે છત્તીસગઢનાં મહિલા આઇપીએસનો સંપર્ક કરી મહિલાનો મોબાઇલ નંબર આપી તેને ગૅરેજમાંથી બહાર કાઢવામાં આવી હતી.