વિધાનસભાની ચૂંટણી ટાણે અડાલજનાં બાલાપીર નજીકના બંગલામાં 20 લાખથી વધુની કિંમતની 480 પેટીઓ ઉતારવાના પ્રકરણમાં નાસતા ફરતા મુખ્ય સૂત્રધાર કમરુદીન શેખનાં ગાંધીનગર કોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા છે. જ્યારે આ પ્રકરણમાં શંકાસ્પદ ભૂમિકા ભજવનાર બંગલાનાં માલિક વિશાલ પટેલના પાંચ દિવસમાં રિમાન્ડ પૂર્ણ થતાં તેને સેન્ટ્રલ જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે.
વિધાનસભા ચુંટણી જંગ દરમ્યાન રાજકીય પક્ષો વચ્ચે ચાલતી ગળાકાપ હરીફાઈ દરમ્યાન અડાલજના બાલાપીર નજીકના બંગલામાં લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ દિવાનસિંહ વાળાની ટીમે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને 20 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ચૂંટણી ટાણે જ વિપુલ માત્રામાં વિદેશી દારૂની 480 પેટીઓ બંગલામાંથી મળી આવતાં ક્રાઇમ બ્રાંચ પીઆઈ વાળાએ બંગલાના માલિક વિશાલ પ્રમોદભાઈ પટેલ અને સિદ્ધાર્થ સુરેશભાઈ પટેલનાં નામ ખોલી દેવામાં આવ્યા હતા.
જો કે કોઈ રીતે એલસીબીનાં હાથમાં દારૂનો જથ્થો આવી ગયો હોવાની ગંધ આવી જતાં વિશાલ અને સિદ્ધાર્થ ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં. એ દરમ્યાન સિદ્ધાર્થ પટેલે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દેવામાં આવતાં સિદ્ધાર્થ પટેલને હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવવાની નોબત આવી છે.
બીજી તરફ અડાલજનાં તબેલામાં છુપાયેલા વિશાલ પટેલને એલસીબીએ ઉઠાવી લીધો હતો. જેને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જેની પૂછતાંછ કરતાં સમગ્ર દારૂ પ્રકરણમાં માસ્ટર માઈન્ડ નામચીન કમરુદીન શેખ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. અને દારૂ પકડાયાનાં ચારેક દિવસ અગાઉ પ્રસંગ હોવાનું કહીને કમરુદીન શેખે બંગલાની ચાવી માંગી હોવાનો દાવો વિશાલ પટેલે એલસીબી સમક્ષ કર્યો હતો. તો બીજી તરફ વિશાલને નાની ઉંમરમાં સાડા ચારસો ડાયાબીટીસ હોવાનું મેડિકલ પરીક્ષણમાં બહાર આવતાં રિમાન્ડ દરમ્યાન ઘર જમાઈ જેવો ઘાટ ઘડાયો હતો.
જેનાં રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં કોર્ટે તેને સેન્ટ્રલ જેલ ધકેલી દેવામાં આવ્યો છે. જ્યારે ધરપકડથી બચવા નાસતા ફરતા કમરુદીન શેખે પણ ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન મૂકીને કાયદાકીય દાવ ખેલ્યો હતો. પરંતુ ગુનાની ગંભીરતા જોતાં કોર્ટે કમરુદીન શેખનાં પણ આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.