ભાજપને પ્રચારમાં રસ:કોર્પોરેશનની રસી પોતાની ગણાવી, રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરી દીધું

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રની જાણ બહાર અધિકારીની હાજરી વગર થયેલા ખાતમુહૂર્ત સામે અંકિત બારોટે સવાલ ઉઠાવ્યા

કોરોના કેસો ઘટતા ભાજપના ઉમેદવારો પ્રચારમાં લાગ્યા છે. તાજેતરમાં ભાજપે પ્રચારના નામે સેવા હી સંગઠન નામે મંજૂરી વગર કાર્યક્રમ યોજયો હતો. ત્યારે ભાજપના વોર્ડ નં-3ના ઉમેદારોએ સંગઠનની આશિર્વાદથી 2 નવા વિવાદો ઊભા કર્યા છે.

એકમાં ભાજપના ઉમેદવારોએ તંત્ર દ્વારા અપાતી રસીને પોતાના દ્વારા અપાશે તેવી જાહેરાત કરી હતી. ભાજપના ઉમેદવારો સંજીવભાઈ મહેતા, ભરતભાઈ ગોહિલ, સોનાલીબેન પટેલ, દિપીકાબેન સોલંકી દ્વારા આ જાહેરાત કરી દેવાઈ હતી.

રસીકરણ કેન્દ્રમાં કામ તંત્રનું ને નામ ભાજપનું થવાનું હતું!
વોર્ડ નં-3ના ઉમેદવારોએ સેક્ટર-24, 27,28ના વિસ્તારના સમાવતા વોર્ડ નં-3ના ભાજપના ઉમેદવારોએ 45 વર્ષથી વધુ ઉંમરના રહીશો ફ્રી વેક્સિનેશન કેન્દ્રની જાહેરાત કરી દીધી હતી. સોશિયલ મીડિયામાં અને ભાજપના ગ્રુપમાં ભાજપના ઉમેદવારો દ્વારા રહીશો માટે ફ્રી વેક્સિનેશન થવાનું હોવાની મોટી-મોટી જાહેરાતો કરી દીધી હતી. ગુરૂવારે સવારે 10 વાગ્યે સેક્ટર-27 ખાતે રસીકરણ કેન્દ્ર પણ ચાલુ થવાનું હતું. જોકે સમગ્ર આયોજનનો ફિયાસ્કો થતાં ભાજપના નેતાઓએ જ રસીકરણ હાલ નહીં થાય તેવી જાહેરાત કરી હતી.

આધારભૂત સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભાજપ દ્વારા તંત્ર મારફતે આ રસીકરણ કરાવાનું આયોજન કરાયું હતું. જોકે ઉમેદવારોએ પોતાના દ્વારા રસીકરણ થતું હોવાની જાહેરાત કરી દીધી હતી. જેને પગલે તંત્ર દ્વારા જ ભાજપને આ પ્રકારે રસીકરણ ન થાય તેવું કહીં દીધું હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર આયોજનમાં વિવાદ થવાના એંધાણ હતા કારણ કે રસીના ડોઝ હાલ ગર્વમેન્ટ-પ્રાઈવેટ હોસ્પિટલને અપાય છે. તેવામાં ભાજપ દ્વારા રસીનો ડોઝ ક્યાંથી લવાયા તેવા સવાલો ઉભા થાય તેમ હતા. જેને પગલે ઉમેદવારો અને તેમના લાગતાવળગતાએ મોટા ઉપાડે કરી જાહેરાતને તેઓ દ્વારા આયોજન કેન્સલ થયું હોવાની જાહેરાત કરવી પડી હતી.

કોંગી કાઉન્સિલર્સે મંજૂર કરાવેલા કામનું ભાજપના ઉમેદવારો દ્વારા ખાતમૂહૂર્ત!
સેક્ટર-24 ખાતે આવેલા શિવમ ફ્લેટ પાસે અગાઉ આરસીસી રોડનું કામ મનપા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ટેન્ડર સહિતની પ્રક્રિયા અને 70 ટકા જેટલું કામ થયા પછી કામ ગેરકાયદે હોવાનું કહીંને અટાકાવી દેવાયું હતું. ત્યારે હવે તંત્ર દ્વારા આ કામગીરી શરૂ કરવાની હોય તે રીતે વોર્ડ નં-3ના ઉમેદવારોએ અહીં ખાતમૂહૂર્ત કરી દીધું હતું. અહીં શિવમ, સહયોગ અને સત્યમ ફ્લેટ ખાતે આર.સી.સી.રોડ તથા જરૂરી આરસીસીનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું.

જોકે ઉમેદવારોએ કોની મંજૂરી અને કેમ ખાતમૂહૂર્ત કરી નાખ્યું તેનાથી તંત્ર જ અજાણ છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અંકિત બારોટે કહ્યું હતું કે, ‘વર્ષ-2018ની શહેરી પછાત વિસ્તારની ગ્રાન્ટમાંથી અમારા દ્વારા શિવમ ફ્લેટની બહાર આવેલ ચોકમાં આસીસી રોડ બનાવવા રજૂઆત થતાં તે મંજૂર થયું હતું. જે અધવચ્ચેથી અટકાવી દેવાયું હતું, છેલ્લા અઢી વર્ષથી હું આ અધુરા કામ માટે રજૂઆતો કરી રહ્યો છું. જેને પગલે 2021માં આ કામનું ડેન્ટર થઈ હવે કામ શરૂ થવાનું છે. જોકે કામને પોતાના નામે ચઢાવી દેવા ભાજપના ઉમેદારોએ ખાતમૂહૂર્ત કરી દીધું છે.

સરકારી કામનું ખાતમૂહૂર્ત કોઈપણ પક્ષના ઉમેદવારો કઈ રીતે કરી શકે તે એક મોટો પ્રશ્ન છે. વધુમાં ઉમેદવારોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર ભેગા થઈને કરેલા કાર્યક્રમનો પુરાવો તેઓ ફોટો સ્વરૂપે આપી દીધો છે. ત્યારે તેમના પાસેથી દંડ વસૂલવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...