રાજકારણના પાટનગરને અડીને આવેલા પેથાપુરમાં રસ્તાના કામના મુદ્દે રાજકારણ રસ્તા પર આવી ગયું છે! બન્યું એવું કે પેથાપુરના વોર્ડ-2માં ધોડાખાટથી જિતેન્દ્રસિંહના બોર સુધીનો એકાદ કિલોમીટરનો રસ્તા વર્ષોથી કાચો હતો. એટલે કૉંગ્રેસના કોર્પોરેટર ગજેન્દ્રસિંહ વાઘેલાએ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડાને રજૂઆત કરી અને ગ્રાન્ટમાંથી પાકો રોડ બનાવવા મંજૂરી મળી ગઈ! શનિવારે આ કામનું કૉંગ્રેસે ખાતમુહૂર્ત કર્યું, એ સાથે જ ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં કકળાટ શરૂ થઈ ગયો.
વોર્ડ-2ના ભાજપ પ્રમુખે તો ‘કામ ન કરવું હોય તો રાજીનામું આપી દો’ સુધીની ચીમકી આપીને હૈયાઉકળાટ ઠાલવ્યો હતો. શનિવારે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ ગણપતસિંહ મુખી, પ્રવીણસિંહ ડાભી, જિતેન્દ્રસિંહ વાઘેલા અને કોર્પોરેટર અંકિત બારોટ હાજર રહ્યા હતા. પેથાપુરમાં સ્થાનિક કોર્પોરેટર ગજેન્દ્રસિંહ વાઘેલાએ નાગરિકોને પડતી મુશ્કેલીને જોતાં ધારાસભ્યને ભલામણ કરી હતી, જેને પગલે ગ્રાન્ટમાંથી વસાહતીની માંગણી ધ્યાનમાં રાખી રોડ મંજૂર કરાયો હતો. અંદાજે 55 લાખની કિંમતે અહીં એકાદ કિલોમીટરનો રોડ બનાવશે જેને પગલે પેથાપુરના 5 હજારથી વધુ નાગરિકોને રસ્તાનો સીધો ફાયદો થશે.
આ કાર્યક્રમ થતાં જ ‘કૉંગ્રેસ લઈ ગઈ અને ભાજપ રહી ગયો’ જેવો ઉકળાટ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં જોવા મળ્યો હતો. ભાજપના વોર્ડ 2ના વોટ્સએપ ગ્રુપ અને ‘અમે સૌ ભાજપના’ ગ્રુપમાં તડાફડી બોલી ગઈ હતી. વોર્ડ નં-2ના ભાજપ પ્રમુખે સવાલ ઉઠાવ્યો હતો કે ભાજપની સરકાર હોય તોય કૉંગ્રેસ દ્વારા રોડનાં મુહૂર્ત થાય તો ભાજપના કોર્પોરેટર્સ શું કરે છે? કામ ના થતું હોય તો ભાજપમાંથી રાજીનામું મૂકો. ભાજપને જીતાડવા હોય તો કામ કરો નહીં વિધાનસભા ચૂંટણી વખતે કોઈ નુકસાન કોર્પોરેટર્સના લીધે થશે તો સંગઠન જવાબદારી રહેશે નહીં.
પેથાપુર સર્કલથી મહુડી રોડ લાઇટો બે વર્ષથી બંધ છે, તો કોર્પોરેટરને રાત્રે જોવાનો ટાઈમ નથી. લોકો અમને રજૂઆત કરે છે, પાણીનો પ્રોબ્લેમ ખાલી એમના સગાવ્હાલાના કરો. હવે કોઈ કાર્યકર્તા કોર્પોરેટર્સ માટે દોડાદોડ કરે અને તેમના જ કામ ન થાય.’ આટલેથી ન અટકેલા વોર્ડ પ્રમુખે પેથાપુરના ખરાબ રસ્તાઓના ફોટો મૂકીને કોર્પોરેટર્સની દયાથી આવા રસ્તા હોવાની વાતો પણ લખી હતી. એટલું જ નહીં, વોર્ડ નં-2ના ભાજપના કોર્પોરેટર્સને ખાલી ફોટો પડાવવામાં અને કામમાં કોઈ રસ ન હોવાનો ઉલ્લેખ ગ્રુપમાં કરાયો હતો. ભાજપના ગ્રુપમાં ચાલતી ચર્ચાઓમાં એક સભ્યે શહેરના દરેક વોર્ડમાં આ સ્થિતિ હોવાનો મેસેજ લખ્યો હતો.
કૉંગ્રેસવાળાએ આપણા કાર્યકરોનાં દબાણ તોડાવ્યાં!
વોર્ડ નં-2ના ભાજપના ગ્રુપમાં વોર્ડ પ્રમુખે લખ્યું હતું કે ‘આપણા માટે જે કાર્યકરો દોડ્યા, એમનાં દબાણ એ કૉંગ્રેસવાળાએ તોડાવ્યાં. કોઈ જોવા પણ ન ગયા તો કરો મોજ વિધાનસભા ચૂંટણીમાં’ વોર્ડ પ્રમુખ દ્વારા જે દબાણોનો ઉલ્લેખ કરાયો તે ચરેડી પાસેના સર્વિસ સ્ટેશનનું દબાણ હોવાનું મનાય છે, જે કૉંગ્રેસના કોર્પોરેટર ગજેન્દ્રસિંહ વાઘેલાની રજૂઆતો બાદ પણ 4 મહિના પછી મ્યુનિ. તંત્રે નાછૂટકે તોડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.