તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદની ઘટનાના કેબિનેટમાં પડઘા:CMએ કહ્યું, ‘દાખલો બેસે એવી કાર્યવાહી કરો’; ધાનપુરમાં પરિણીતાને સાસરિયાંએ નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવી હતી

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પતિ અને દિયરે સ્ત્રીનાં જાહેરમાં કપડાં ઉતાર્યાં હતાં. - Divya Bhaskar
પતિ અને દિયરે સ્ત્રીનાં જાહેરમાં કપડાં ઉતાર્યાં હતાં.
  • ધાનપુરના ખજૂરી ગામે પરિણીતાને પતિ, સાસરિયાંએ નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવવાની ઘૃણાસ્પદ ઘટના
  • 14 આરોપીની ધરપકડ કરી પીડિતાને પોલીસનું રક્ષણ અપાયું

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામે પરિણીતાને પતિ અને સાસરિયાંએ નિર્વસ્ત્ર કરવાની ઘૃણાસ્પદ ઘટનાના પડઘા કેબિનેટ બેઠકમાં પડ્યા હતા. અખબારી અહેવાલને પગલે સરકારે ગંભીર નોંધ લીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આરોપીઓ સામે દાખલો બેસે એવી કડક કાર્યવાહી કરવા ગૃહમંત્રીને સૂચના આપી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને સંવેદનશીલતાથી લીધી છે. આ ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરીને મોટા ભાગના આરોપીઓની ધરપકડ પણ કરી છે. બીજી તરફ, મુખ્યમંત્રીની સૂચના બાદ દાહોદ કલેક્ટર અને એસપી ખુદ આ કેસમાં ફોલોઅપ લઇ રહ્યા છે. કલેક્ટર હર્ષિત ગોસાવી અને એસપી હિતેશ જોયસરના જણાવ્યા મુજબ, આ ઘટનાની જાણ થતાં પોલીસે 12મીએ સાંજે ફરિયાદ દાખલ કરી હતી. પીડિત પરિણીતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારીઓની મદદ લઇને કોમ્બિંગ કરીને 19 પૈકી 14 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાને પણ પોલીસનું રક્ષણ આપવામાં આવ્યું છે.

મારી દીકરી સાથે થયું એ કોઈ સાથે ન થાયઃ માતા
‘‘મારે ચાર બાળકો છે, બધાનાં લગન કરી દીધાં છે.કોઈને તકલીફ નથી. મારી આ બીજા નંબરનીને જમાઇ ત્રાસ આપતો હતો. એટલે અમે મજૂરીકામે તેને અમારી સાથે જ રાખતાં હતાં. મારી છોકરીને ત્રણ કલાક ફેરવી હતી. તેનાં ચીંથરાં ખેંચી નાખ્યાં, તેમને કડકમાં કડક સજા થવી જોઈએ. પોલીસે અમને ઘણો સાથ આપ્યો, મારી દીકરીનું છૂટું કરાવી આપો.’’ આ શબ્દો છે 6 જુલાઇના રોજ પતિને ખભે બેસાડીને વરઘોડો કાઢવા સાથે નિર્વસ્ત્ર કરાઇ હતી તે યુવતીની માતાના છે. પુત્રી સાથે બનેલી ઘટના અંગે તેણે વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે મારી છોકરીને હવે તેના પતિ પાસે નથી રાખવી, તેને અને તેની છોકરીને અમે પાળી લઇશું. આ લોકોને કડકમાં કડક સજા થવી જોઇઓ. મારી છોકરી સાથે જે થયું એવું બીજી કોઇ છોકરી સાથે ના થવું જોઇએ.

11 આરોપી 16મી સુધી રિમાન્ડ પર
ધાનપુર તાલુકાના ખજૂરી ગામે એક પરિણીતા સાથે નારી ગૌરવ હનનના બનેલા બનાવને સામે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરાયેલી પ્રોએક્ટિવ કામગીરીને પગલે બુધવાર સુધીમાં 19 પૈકી 14ને પકડી પાડવામાં આવ્યા છે. તેમાં ત્રણ સગીર વયના છે. 14 પૈકીના 11 લોકોને 16મી તારીખ સુધી રિમાન્ડ પર રાખવાનો કોર્ટે હુકમ આપ્યો છે, સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા બનાવો બનતા રોકવા માટે હ્યુમન બિહેવિયરલ ચેન્જનાં પગલાં પણ જાહેર કરવામાં આવ્યાં છે.

વીડિયો ફરતો કરનારની તપાસ
સોશિયલ મીડિયામાં વીડિયો ફરતો થયા બાદ તેની ગંભીરતા સામે આવી છે ત્યારે પોલીસ આરોપીઓની સાથે સોશિયલ મીડિયામાં વીડિયો મૂકનાર અકાઉન્ટ સામે પણ કાર્યવાહી કરવાની કવાયત શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...