ગાંધીનગર કોર્પોરેશનની નવી બિલ્ડિંગ દિવસેને દિવસે મનપા માટે મોંધી સાબીત થઈ રહી છે. નક્કી કરાયેલા ખર્ચ કરતાં નવી બિલ્ડિંગમાં ધીરે-ધીરે ખર્ચ વધતો ગયો છે. ત્યારે હવે નવી બિલ્ડિંગની સફાઈ પણ લાખોમાં પહોંચશે. મનપાની નવી બિલ્ડિંગ માટે દરરોજ 17,500 રૂપિયાથી વધુનો ખર્ચ થશે એટલે કે દર મહિને 5,26,437 રૂપિયા ખર્ચની તૈયારી મનપાએ કરી છે. ગાંધીનગર મનપાની સ્થાયી સમિતિની બેઠક આવતીકાલે એટલે કે સોમવારે બપોરે દોઢ વાગ્યે મળશે. જેમાં વિવિધ ટેન્ડર સાથે મનપાની બિલ્ડિંગની સફાઈનું ટેન્ડર પણ મંજૂર થશે. સફાઈની આ ટેન્ડર ગ્રીન ગ્લોબ સોલ્યુશનને લાગ્યું છે.
સામાન્ય ગણતરી કરીએ તો પણ મનપા 10 હજારના પગારવાળા 30 લોકો પણ સફાઈ માટે રાખે તો પણ મહિને 3 લાખના ખર્ચે બિલ્ડિંગની સફાઈમાં કોઈ કચાશ રહે નહીં. ત્યારે કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલા અંદાજીત ભાવ કરતાં આ ટેન્ડર 6.44 ટકા નીચા ભાવે ભરાયું છે. કોર્પોરેશનમાં ચાલી રહેલી ચર્ચા મુજબ ગ્રીન ગ્લોબ સોલ્યુશન એજન્સી મનપાના કેટલાક અધિકારીઓની માનીતી એજન્સી બની ગઈ છે.
શહેરમાં નવા વિસ્તારમાં રસ્તાઓ અને સ્માર્ટ ડસ્ટબીન ખાલી કરવાનો કોન્ટ્રાક્ટર ધરાવતી એજન્સીને આ ત્રીજુ ટેન્ડર પણ લાગ્યું છે. જેને પગલે મનપામાં ચાલતી ચર્ચા મુજબ એજન્સી રાજકીય પીઠબળ ધરાવે છે અને ભાજપના કેટલાક નેતાઓ તેમાં પાર્ટનર હોવાનું કહેવાય છે.
કોર્પોરેશનમાં ચાલતી ચર્ચા મુજબ એજન્સીની રાજકીય લાગવગને પગલે અધિકારીઓ પણ પરેશાન છે. એજન્સીનું બીલ અટકે કે કોઈ ઠપકો મળે તો ઉચ્ચ કક્ષાએથી ફોન શરૂ થઈ જાય છે. મળેલી માહિતી મુજબ અગાઉના ડીએમસી પુજા બાવડાની 6 મહિનામા થઈ ગયેલી બદલીમાં પણ એજન્સી હોવાની ચર્ચા છે. .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.