લોકોમાં ભારે ઉત્સુકતા:શરદ પૂનમ આસપાસ શહેરને નવા મેયર મળશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 5 SC કોર્પોરેટરમાંથી 2 રેસમાં, 1-2 દિવસમાં સામાન્ય સભાનો એજન્ડા બહાર પડવા વકી
  • સ્થાનિક નેતાઓ દ્વારા છેલ્લી ઘડી સુધી લોબિંગ ચાલુ રહે તેવી શક્યતા : હાલની સ્થિતિએ ભરત દિક્ષિત અને હિતેશ મકવાણા બે જ કાઉન્સિલર મેયર પદની રેસમાં હોવાનું અનુમાન

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર બહુમતી મેળવી છે. ત્યારે હવે શહેરના નવા મેયર કોણ તે અંગે કેટલાક દિવસોથી અટકળો ચાલી રહી છે. ચૂંટણીમાં જંગી બહુમતી મેળવનારા ભાજપ તરફથી નવરાત્રિમાં જ મેયર જાહેર કરી દેવાની તૈયારી હતી જોકે મેયરના નામને લઈને આંતરિક લોબિંગને લઈને સમય ખેંચાયો હોવાની ચર્ચા છે. ત્યારે પાટનગરના નવી ટર્મના પ્રથમ નાગરિક કોણ બનશે તે જાણવા લોકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળે છે.

આ અંગે મળતી માહિતી મુજબ હવે શરદ પૂર્ણિમા પૂર્ણ થતાં જ એક-બે દિવસમાં શહેરને નવા મેયર મળી જાય તેવી શક્યતા છે. નિયમ પ્રમાણે સામાન્ય સભાના થોડા દિવસ પહેલાં જ ચૂંટાયેલા કોર્પોરેટરોને જાણ કરવાની હોય છે.જેને પગલે એક-બે દિવસમાં મનપાની આ ટર્મની પ્રથમ સામાન્ય સભાનો એજન્ડા બહાર પાડી દેવાય તેવી શક્યતા છે. નિયમ પ્રમાણે પ્રથમ અઢી વર્ષ એસસી સમાજના મેયર બનવાના છે ત્યારે ભાજપની ચૂંટાયેલા સભ્યોમાંથી કોણ મેયર બનશે તેની ચર્ચા સાથે સ્થાનિક નેતાઓ દ્વારા છેલ્લી ઘડી સુધી લોબિંગ ચાલુ રહેશે તે નક્કી છે.

મનપાની 44 બેઠકમાંથી 5 એસસી સમાજ માટે અનામત હતી. જેમાં વોર્ડ-4માંથી ભરતભાઇ શંકરભાઇ દિક્ષિત, વોર્ડ નં-8માંથી હિતેશકુમાર પુનમભાઈ મકવાણા, વોર્ડ-1માંથી મીનાબેન સોમાભાઇ મકવાણા, વોર્ડ નં-5માંથી કૈલાસબેન ગુણવંતભાઇ સુતરીયા તથા વોર્ડ નં-11માંથી સેજલબેન કનુભાઈ પરમાર ચૂંટાયા છે. ત્યારે બીજી તરફ પ્રથમ અઢી વર્ષ માટે આ પાંચ સભ્યમાંથી એક શહેરના મેયર બનશે તે નક્કી છે. બીજા અઢી વર્ષ મેયર પદ મહિલા માટે અનામત હોવાથી હાલની સ્થિતિએ ભરત દિક્ષિત અને હિતેશ મકવાણા બે જ કાઉન્સિલર મેયર પદની રેસમાં હોવાનું મનાય છે.

પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ એવા પુનમ મકવાણાના પુત્ર હિતેશ મકવાણા મેયર પદ માટે પ્રબળ દાવેદાર હોવાની ચર્ચા છે. જોકે ભાજપ અમદાવાદની રીતે પ્રમાણે કોઈ સામાન્ય પરિવારના કાઉન્સિલરને મેયર પદ સોંપે તો ભરત દિક્ષિતને પણ મેયર પદે જોવા મળી શકે છે.તો બીજી તરફ ચર્ચાઓ કરતાં અલગ જ આશ્ચર્યજનક નિર્ણય લેવા માટે જાણીતું ભાજપ ત્રણ મહિલા ઉમેદવારોમાંથી પણ કોઈ નામ જાહેર કરી દે તો નવાઈ નહીં ગણાય. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર બહુમતી મેળવી છે.

ત્યારે હવે આગામી નવી ટર્મ માટે પાટનગરના નવા મેયર કોણ તે અંગે પાટનગરના લોકો અને ખાસ કરીને રાજકારણ સાથે સંકળાયેલા લોકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ચૂંટણીમાં જંગી બહુમતી મેળવનારા ભાજપ તરફથી નવરાત્રિમાં જ મેયર જાહેર કરી દેવાની તૈયારી હતી જોકે મેયર અંગે આંતરિક લોબિંગના કારણે સમય ખેંચાયો હોવાની ચર્ચા છે. ત્યારે હવે રાહ જોવાની જ રહી.

અન્ય સમાચારો પણ છે...