આંશિક બંધ, લોકડાઉન નહીં!:મુખ્યમંત્રી કહે છે કે રાજ્યમાં લોકડાઉન નહીં થાય, હોળીના તહેવારની ઉજવણી અંગે નિર્ણય બાકી

ગાંધીનગર2 વર્ષ પહેલા
મુખ્યમંત્રી રૂપાણી ( ફાઈલ ફોટો).
  • વિધાનસભામાં માસ્ક વિના ફરતા અધિકારીઓ, કર્મચારીઓ અને ધારાસભ્યોને પણ 500 રૂપિયા દંડ કરાશે

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. રાજ્યનાં ચાર મહાનગરોમાં મોટા ભાગની સુવિધાઓ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે અને આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાલમાં લૉકડાઉન કરવાની કોઈ વાત નથી. સરકારે આઠ મહાનગર પાલિકાઓમાં સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.

2020નું આખું વર્ષ આપણે કોરોના સામે જંગ ખેલ્યો અને જનતાએ પૂરેપૂરો સહકાર આપ્યો હતો, પણ ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ ખૂબ ઓછા થઈ જતાં લોકોમાં બેફીકરાઈ જોવા મળી હતી અને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવામાં ઢીલાશ આવતાં કોરોનાના કેસ વધ્યા છે, હવે ઢીલાશ નહીં ચાલે. ગુજરાત સરકારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલોથી લઈને તમામ તબક્કે તૈયારીઓ દર્શાવી છે અને હાલ સંપૂર્ણ રીતે આપણે ફરીથી કોરોનાને હરાવીશું.

જેટલા કેસ છે એના કરતાં 5 ગણાં બેડ તૈયાર
રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં જેટલા કેસ છે એના કરતાં 5 ગણાં બેડ તૈયાર છે. હાલ 5 હજાર બેડ તૈયાર છે. ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં પણ બેડ તૈયાર કરી દેવામાં આવ્યાં છે. ખાનગી હોસ્પિટલમાં મનપા દ્વારા સહાય મળતી હતી એ અંગે નિર્ણય લઈશું. એ ઉપરાંત શાળા-કોલેજો અંગે આજે જ નિર્ણય લેવાશે અને લોકડાઉન કોઈ સંજોગોમાં નહીં આવે. રાજ્યમાં હાલ 3 લાખ વેક્સિનેશન આપવામાં આવે છે. હજુ તેમાં વધારો કરવામાં આવશે. બીજી તરફ, આગામી સમયમાં આવનારા હોળીના તહેવારની ઉજવણી અંગે હજી પણ સરકાર અસમંજસમાં છે.

બસો બંધ થતાં રિક્ષાચાલકોએ પણ લોકોને લૂંટવાનું શરૂ કર્યું.
બસો બંધ થતાં રિક્ષાચાલકોએ પણ લોકોને લૂંટવાનું શરૂ કર્યું.

માસ્ક વિના ફરતા મંત્રીઓ દંડાશે
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. રાજ્યનાં ચાર મહાનગરોમાં કેટલાક પ્રતિબંધો પણ લાદી દેવામા આવ્યા છે, ત્યારે કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે હાલમાં ચાલી રહેલું વિધાનસભાનું સત્ર ટૂંકાવી દેવામાં આવે એવી શક્યતાઓ છે. આ અંગેનો નિર્ણય કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં થશે. આ ઉપરાંત વિધાનસભાના ચાલુ સત્રમાં માસ્ક વિના ફરતા અધિકારીઓ, કર્મચારીઓ અને ધારાસભ્યોને પણ 500 રૂપિયા દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણને પગલે જવાબદારી સોંપાઈ
રાજ્યમાં ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને આ મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારના ઉપાયો માટે સ્થાનિક તંત્રના માર્ગદર્શન અંગે ચાર વરિષ્ઠ સચિવોને તાકીદના ધોરણે આ શહેરોની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાને અમદાવાદ(તેઓ આ કામગીરી લાંબા સમયથી કરી રહ્યા છે), શિક્ષણ સચિવ વિનોદ રાવ અને નાણા સચિવ (ખર્ચ) મિલીન્દ તોરવણેને વડોદરા તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને રાજકોટ અને જીઆઇડીસીના મેનેજિંગ ડિરેકટર એન. થેન્નારસનને સુરતની જવાબદારી સોંપવામાં આવી છે.

ચારેય મહાનગરમાં અધિકારીઓને જવાબદારી સોંપાઈ.
ચારેય મહાનગરમાં અધિકારીઓને જવાબદારી સોંપાઈ.

બસો બંધ થતાં રિક્ષાચાલકોની લૂંટ શરૂ
આજથી AMTS અને BRTS બંધ થતાં રિક્ષાચાલકોએ પણ લોકોને લૂંટવાનું શરૂ કર્યું છે. કેટલાક રિક્ષાચાલકો બસો બંધ હોવાનો ફાયદો ઉઠાવી મુસાફરોને લૂંટી રહ્યા છે. સામાન્ય કરતાં બેથી ત્રણ ગણું ભાડું માગી રહ્યા છે. લોકો પાસે નોકરીએ જવા માટે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી લોકોને રિક્ષાચાલકોને મોં માગ્યું ભાડું ચૂકવી જવું પડી રહ્યું છે. રિક્ષાચાલકો ત્રણથી વધુ પેસેન્જર બેસાડી રહ્યા છે ત્યારે કોરોના નહિ ફેલાય એવા પણ સવાલ લોકો કરી રહ્યા છે.

ગુજરાતમાં રોકેટ ગતિએ કેસ વધી રહ્યા છે
ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો આંક 1000ની નજીક પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 954 કેસ નોંધાયા છે અને બે વ્યક્તિનાં મોત થયાં છે, જેમાં હાલની વાત કરીએ સૌથી વધારે કેસ સુરત અને ત્યાર બાદ અમદાવાદમાં કેસો વધી રહ્યા છે, જેમાં સુરતમાં કુલ 292 પોઝિટિવ કેસ, વડોદરામાં 107 અને રાજકોટમાં 80 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેને પગલે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે તેમજ ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂની મુદત વધારી દેવામાં આવી છે.