તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:કલોલમાં સાતેજ પોલીસની બેદરકારી, પલોડીયાં ગામે ધાર્મિક વિધિ માટે દોઢસો લોકોનું સરઘસ પણ નીકળી ગયું

ગાંધીનગર2 મહિનો પહેલા
  • વીડિયો વાયરલ થતાં 35 લોકોની ધરપકડ કરાઈ
  • પોલીસે દરેક ગામનાં સરપંચોનું વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છતાં જન જાગૃતિનો અભાવ

તાજેતરમાં ગાંધીનગર જિલ્લાના રાયપુર અને દહેગામના બિલમણા ગામે ધાર્મિક વિધિના બહાને સરઘસ નીકળ્યાને ગણતરીના દિવસો જ થયા છે. ત્યારે ગઈકાલે કલોલના સાંતેજ પોલીસ મથકની હદમાં આવેલ પલોડિયા ગામમાં પણ પાણી ચડાવવાની ધાર્મિક વિધિ કરવા માટે દોઢસોથી વધુ લોકોનું ટોળું ડીજે, ઢોલ, નગારાનાં તાલે સરઘસ સ્વરૂપે ગામમાં નીકળીને ધાર્મિક વિધિ સંપન્ન કરી દીધી હોવા છતાં પોલીસ ઊંઘતી રહી હતી. ત્યારે વીડિયો વાયરલ થયા બાદ સાતેજ પોલીસ જાગી જઇને વીડિયોના આધારે ગામના સરપંચ સહિત 35 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાણી ચઢાવવાથી કોરોના મુક્ત થઈ જવાની અંધશ્રધ્ધા

છેલ્લા ઘણા દિવસોથી ગ્રામ્ય વિસ્તારના મંદિરોમાં કોરોનાથી બચવાના ભાગરૂપે ધાર્મિક સરઘસ કાઢીને પાણી ચડાવવાની વિધિના બહાને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે. પાંચેક દિવસ અગાઉ જ ગાંધીનગરના રાયપુર મુકામે કોરોનાની મહામારી ભગાડવાના આશયે બળીયાદેવને પાણી ચઢાવવાથી કોરોના મુક્ત થઈ જવાની અંધશ્રધ્ધા રાખીને ગ્રામજનોએ ઢોલ નગારા અને ડાકલા સાથે ધાર્મિક મેળાવડો યોજી દીધો હતો. જેના વીડિયો વાયરલ થયા બાદ 46 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

48 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી

હજી આ ઘટનામાં પોલીસ વધુ ગુના દાખલ કરવાની કવાયત કરી રહી હતી. તેવામાં દહેગામ તાલુકાના બિલમણા ગામના મંદિરે પણ ધાર્મિક વિધિના નેજા હેઠળ ગ્રામજનોએ મોટી સંખ્યામાં સાથે ધાર્મિક મેળાવડો યોજ્યો હતો. અને આ વખતે પણ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. રખિયાલ પોલીસ દ્વારા 48 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગામના સરપંચ સહિત 35 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો

તેમ છતાં ગઈકાલે સાતેજ પોલીસ મથકની હદમાં આવેલ પલોડિયા ગામમાં સવારના સાડા દસ વાગ્યાના અરસામાં પુરુષો અને મહિલાઓ મળીને દોઢસો લોકો એકઠા થઈને સરઘસ કાઢ્યું હતું. જેમાં મહિલાઓએ માથે પાણીના બેડા સાથે ગરબા પણ ગાયા હતા. આટલો મોટો ધાર્મિક કાર્યક્રમ યોજાઈ ગયો હોવા છતાં સાતેજ પોલીસને ગંધ સુદ્ધાં આવી ન હતી. પરંતુ અગાઉની ઘટનાઓની જેમ આ વખતે પણ વીડિયો વાયરલ થયો હતો. અને પોલીસ દોડતી થઇ ગઈ હતી. અને વીડિયોના આધારે ગામના સરપંચ સહિત 35 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

વીડિયોના આધારે હજી પણ વધુ લોકોની ધરપકડ કરાશે

આ અંગે કલોલ ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક વી.એન.સોલંકીએ જણાવ્યું હતું કે ઉપરોક્ત ગામના સરપંચો સહિત અન્ય ગામનાં સરપંચોનું વોટ્સઅપ ગ્રુપ બનાવી એમને આવા કોઈ ધાર્મિક કાર્યક્રમો નહીં યોજવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેમ છતાં ગઈકાલે પલોડિયા ગામમાં 100 થી 150 લોકોએ પાણી ચઢાવાની વિધિના બહાને સરઘસ કાઢી કોવિડ ગાઈડ લાઈનનો ભંગ કરવામાં આવ્યો હતો. જેનાં પગલે ગામ ગામના સરપંચ સહિત 35 લોકો વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ વીડિયોના આધારે હજી પણ વધુ લોકોની ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...