ટીકાકરણ અભિયાનને ગ્રહણ લાગ્યું:ગુજરાતમાં કોરોના રસીનો જથ્થો ખૂટી પડતાં કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ આપવાનું અભિયાન અટક્યું

ગાંધીનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારી જાણ મુજબ ચાર પાંચ લાખ કોરોના રસીનાં ડોઝ ઉપલબ્ધ છે છતાં તપાસ કરાવું: આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતમાં 18થી 59 વર્ષની વયના લોકોને કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવાનાં અભિયાનનો ગાંધીનગરથી રાજ્ય વ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકેસ હાલની સ્થિતિએ આખા ગુજરાતમાં કોરોના રસી ખલાસ થઈ જતાં વેક્સિનેશન અભિયાન પર બ્રેક વાગી ગઈ છે.

પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવાનાં અભિયાનનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવેલો
તાજેતરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતમાં 18થી 59 વર્ષની વયના લોકોને કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવાનાં અભિયાનનો ગાંધીનગરના સેક્ટર - 24 અર્બન હેલ્થ સેન્ટરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. 75 દિવસ સુધી 18થી 59 વર્ષની વયના લોકોને કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવામાં આવનાર છે. જોકે, ગુજરાત પાસે કોરોના રસી ઉપલબ્ધ નહીં હોવાના કારણે અનેક લાભાર્થીઓ સરકારી દવાખાના, અર્બન હેલ્થ સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં ધરમનાં ધક્કા ખાઈને પરત ફરી રહ્યા છે.

કોવિશિલ્ડ વેક્સિનના અંદાજે 3.50 કરોડ ડોઝ કેન્દ્ર સરકાર આપવાની હતી
રસીકરણ અભિયાનનાં પ્રારંભે સરકારે દાવો કર્યો હતો કે, તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર આજ તા. 15મી જુલાઇથી 75 દિવસ સુધી એટલે કે તા. 30મી સપ્ટેમ્બર સુધી રસીકરણ કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગે આ હેતુસર અંદાજીત 3500 કોવિડ વેક્સિનેશન સેન્ટરો પર 15 હજારથી વધુ આરોગ્યકર્મીઓ દ્વારા રસીકરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરી દીધી છે. આ અભિયાન માટે કોવિશિલ્ડ વેક્સિનના અંદાજે 3.50 કરોડ ડોઝ અને કોવેક્સિનના 50 લાખ ડોઝ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સંબંધિત અધિકારી પાસે તપાસ કરાવી લઉં છું : આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ
શરૂઆતના એક બે દિવસ વેક્સિનેશન અભિયાન જોરશોરથી ચાલ્યું હતું. પરંતુ ગુજરાતમાં કોરોના રસીનો જથ્થો જ ખૂટી પડતાં હાલના સંજોગોમાં રસીકરણ અભિયાન પર બ્રેક વાગી ગઈ છે. ગાંધીનગર સિવિલમાં આજે સવારથી નિઃશુલ્ક રસી લેવા માટે લાભાર્થીઓ પહોંચી ગયા હતા. પરંતુ હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોના રસી ઉપલબ્ધ નહીં હોવાનો જવાબ આપવામાં આવતાં લાભાર્થીઓને ધરમનાં ધક્કા ખાઈને પરત ફરવાની ફરજ પડી હતી. આ અંગે સિવિલ સુપ્રિટેન્ડન્ટ નિયતિબેન લાખાણીએ જણાવ્યું હતું કે, કોવીશિલ્ડ રસી પૂરતા પ્રમાણમાં હોતી નથી. કેમકે શરૂઆતમાં મોટા ભાગના લોકોએ કોવીશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો હતો. જેથી સવારે જ આ રસી ખલાસ થઈ જતી હોય છે. જ્યારે આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, મારા ખ્યાલથી ચાર પાંચ લાખ રસીનાં ડોઝ ઉપલબ્ધ છે. તેમ છતાં સંબંધિત અધિકારી પાસે તપાસ કરાવી લઉં છું.

અન્ય સમાચારો પણ છે...