તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:આરોગ્ય વિભાગના ડેલ્ટાપ્લસ વેરિયન્ટના રિપોર્ટ પછી મનપાની ચૂંટણી જાહેર કરાશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ચૂંટણીની કામગીરી કરાશે
  • આરોગ્ય વિભાગે ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો કોઇ રિપોર્ટ હજી ચૂંટણીપંચને આપ્યો નથી

કોરોનાના કેસ ઘટતા જ મનપાની ચૂંટણી ક્યારે યોજાશે તેને લઇને નગરવાસીઓમાં પ્રશ્નો ઊઠી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ નોંધાતા આરોગ્ય વિભાગની કામગીરી વધી જવા પામી છે. આથી ડેલ્ટા પ્લસ વેરિયન્ટના આરોગ્ય વિભાગના રિપોર્ટના આધારે મનપાની ચૂંટણી લેવી કે નહીં તેનો નિર્ણય ચૂંટણીપંચ દ્વારા લેવાય તેવી શક્યતા રહેલી છે.

જો કે, મનપાની ચુંટણીને મુલત્વી રાખ્યા બાદ રાજકીય પક્ષોના જે ઉમેદવારોનું અવસાન થયું હોય તે જ વોર્ડના અને પક્ષના મૃતક ઉમેદવારને બદલે નવા ઉમેદવારનું ફાર્મ ભરવા સહિતની કામગીરી કરવામાં આવશે તેમ ચૂંટણી પંચના માહિતાગાર સૂત્રોએ જણાવ્યું છે.20 દિવસથી કોરોનાના ઘટતા જતા કેસને પગલે બીજી લહેરના વળતા પાણી હોય તેમ લાગી રહ્યું છે.

ત્યારે કોરોનાની બીજી લહેરમાં પણ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે વિવિધ સેવાકીય કાર્યક્રમો વોર્ડમાં કરાઈ રહ્યા હતા. તેમ છતાં મતદારો કયા પક્ષના ઉમેદવારોની ઉપર પસંદગીનો કળશ ઢોળશે તેનું અનુમાન કરવું રાજકીય પક્ષો માટે ધોળા દિવસે તારા જોવા જેવી સ્થિતિ બની રહી છે.

હાલની સ્થિતિએ ગાંધીનગર મહાનગર પાલિકાને એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળે તેની કોઇ જ શક્યતા જોવા મળતી નથી. હાલમાં કોરોનાના કેસ 1થી 3ની વચ્ચે નોંધાઇ રહ્યા છે. ત્યારે મનપાની ચૂંટણીની જાહેરાત ટૂંક સમયમાં થાય તેવી શક્યતાને લઇને સોશિયલ મિડિયામાં મેસેજ ફરતા થયા છે.

જ્યારે બીજી તરફ રાજ્યના ચૂંટણી પંચના માહિતાગાર સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોનાની સભંવિત ત્રીજી લહેર પહેલાં હાલમાં રાજ્યભરમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કુલ 48 કેસ નોંધાયા છે. ત્યારે ડેલ્ટા પ્લસ વેરિયન્ટએ કોરોનાની સભંવિત ત્રીજી લહેરના આગમનનું પ્રથમ પગથીયું હોય તેમ લાગી રહ્યું છે.

ડેલ્ટા પ્લસ વોરિયન્ટના માધ્યમથી કોરોનાની સભંવિત ત્રીજી લહેર આવશે સહિતનો કોઇ જ અભ્યાસ આરોગ્ય વિભાગ દ્વારા કરાયો નથી. આથી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ડેલ્ટા પ્લસ વેરિયન્ટ તેમજ કોરોનાની સભંવિત ત્રીજી લહેર અંગેનો કોઇ જ રિપોર્ટ ચૂંટણીપંચને આપ્યો નથી. આથી મનપાની ચૂંટણી ક્યારે લેવાશે તે અંગેનો કોઇ જ નિર્ણય ચુંટણી પંચ દ્વારા લેવાયો નહી હોવાનું રાજ્ય ચુંટણી પંચના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

ચૂંટણીની તમામ તૈયારીઓ કરી દીધી છે
ચુંટણી પંચ દ્વારા મુલતવી રાખેલી ગાંધીનગર મનપાની ચુંટણીને ક્યારે યોજાશે તેને લઇને લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે રાજ્યના ચુંટણી પંચ દ્વારા મનપાની ચુંટણી યોજવાને લઇને જરૂરી તમામ પ્રકારની કામગીરીને આખરી ઓપ આપી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...