મંત્રીઓ લડી લેવાના મૂડમાં:બંગલા ખાલી કર્યા પરંતુ પદના કબજા માટે છેક સુધી લડતાં રહ્યાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીમંડળમાં નવા ચહેરા જ લેવાના હોવાના સંકેતના પગલે તૈયારી
  • સરકારી ગાડીઓ પાછી આપી દીધી, ઓફિસો પણ ખાલી કરી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગની પ્રોટોકોલ શાખાએ મંગળવારે સાંજે રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂકેલાં તમામ નેતાઓને પોતાના બંગલા, ઓફિસ ખાલી કરીને તેમને ફાળવાયેલી ગાડીઓ જમા કરાવવાની નોટિસ આપી હતી. બધાં મંત્રીઓએ ઓફિસો ખાલી કરી દીધી હતી જ્યારે મોટાભાગનાએ સરકારી બંગલા અને ગાડીઓ સરકારને પાછી આપી દીધી. તેમ છતાં પોતાના મંત્રીપદના કબ્જા માટે તેઓ છેક સુધી લડતા રહ્યા. મંત્રીમંડળમાં સમાવેશ નહીં થવાનો હોવાનું પારખી ગયેલાં આ મંત્રીઓએ અનેક સ્તરે પોતાની રાજકીય કારકિર્દીની ચિંતા કરી રજૂઆતો કરે રાખી હતી.

તમામ મંત્રીઓએ બપોરે 3 વાગ્યા સુધીમાં ઓફિસ ખાલી કરી દીધી હતી. જ્યારે 12 સરકારી ગાડીઓ જ સાંજ સુધીમાં જમા થઇ હતી. જેમણે ગાડી જમા કરાવી તેમાં નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, પ્રદિપસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર અને દંડક પંકજ દેસાઇનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય મંત્રીઓ અને હોદ્દેદારો હજુ ગાડીનો ઉપયોગ કરે છે. અમદાવાદમાં રહેતા હોય તેવાં મંત્રીઓ પ્રદિપસિંહ અને સૌરભ પટેલ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પોતાનો બંગલો ખાલી કરી નાંખ્યો પરંતુ બાકીના મંત્રીઓ હવે ટૂંક સમયમાં તેમને ફાળવેલો બંગલો ખાલી કરી દેશે.

પ્રોટોકોલ શાખાએ તમામ મંત્રીઓને મોકલેલી નોટિસમાં જણાવાયું હતું કે તેમને ફાળવવામાં આવેલી સરકારી સુવિધાઓ ત્વરિત અસરથી જમા કરાવી દેવી, જેથી સરકારમાં નવા આવનારાં મંત્રીઓને તેની ઝડપથી ફાળવણી થઇ શકે અને તેઓ રોજિંદા કામકાજમાં સરળતાથી પરોવાઇ શકે.

અન્ય સમાચારો પણ છે...