હેગામનાં બિલ્ડરના પાસેથી વ્યાજખોરોએ 50થી 60 ટકા વ્યાજ ઉઘરાવી લીધું હોવા છતાં પૈસાની ઉઘરાણી કરતા હતા. થોડા દિવસો અગાઉ અપહરણ કરી વ્યાજખોરોએ કોરા કાગળો અને ચોપડામાં સહીઓ કરાવી લેતાં બિલ્ડર બેચેન થઈ ગયો હતો. આખરે વ્યાજખોરોનો દિવસેને દિવસે ત્રાસ વધી જતાં કંટાળીને બિલ્ડરે ચિઠ્ઠી લખીને ગૃહ ત્યાગ કર્યો છે. આ અંગે દહેગામ પોલીસે આઠ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, હજી સુધી બિલ્ડરનો ક્યાંય પત્તો ન લાગતાં તેનો પરિવાર પણ ચિંતાતુર બન્યો છે.
દહેગામનો બિલ્ડર ભાવિન બારોટ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો
દહેગામના બારોટ વાસમાં રહેતાં 38 વર્ષીય બિલ્ડર ભાવિન મહેન્દ્રભાઈ બારોટના પત્નીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ભાવિન બિલ્ડર તથા જમીન દલાલીનો વ્યવસાય કરે છે અને તે નાંદોલ ગામની સીમમાં આવેલ પંચમ બંગ્લોઝ નામની સાઇટ વર્ષ-2018થી ચલાવે છે. છેલ્લાં એક વર્ષથી ભાવિનને ભીડ રહેતી હતી. જેનાં કારણે ઘણા લોકો તેની પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા.
આઠ વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતાં હતાં
ભાવિનને એક વર્ષથી ઘરે તેમજ બજારમાં હોય તે વખતે દહેગામના અજય ઇશ્વરભાઇ રબારી, ભરત રબારી (અડવાણી), રામજી રબારી, કલોલનો જીવણ ૨બારી, ચાંદખેડાનો હિતેષ રબારી અને સંજય રબારી (ભુવાજી) અવારનવાર નાણાંની કડક ઉઘરાણી કરતા હતા અને ગાળાગાળી કરતા હતા. આ સિવાય દહેગામનો ગોવિંદ કનુભાઇ રબારી, શાહપુરનો લલ્લુ રબારી તેમજ અજય રબારી પૈસાની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા.
પંચમ બંગ્લોઝની સાઇટ અઢી કરોડમાં રાખેલી હતી
આજથી એકાદ મહિના પહેલા ભાવિને પત્નીને કહ્યું હતું કે, મેં અજય ઇશ્વરભાઇ રબારી, હિતેષ રબારી અને સંજય રબારી પાસેથી પૈસા લીધા હતા જેમાં હું અજયની મિત્રતાના કારણે તેના જામીનમાં રહેલો હતો જે પૈસા અજય આ બંનેને પાછા આપતો ન હતો જેથી મેં તેમના પૈસા પાછા પણ આપ્યા. પણ આ બંને જણાં મારી પાસે ઉંચા વ્યાનજની માંગણી કરે છે અને બધી મૂડી બાકી છે તેવી ધમકી આપે છે અને હવે આ અજય પણ મને આ બંનેના પૈસા અને વ્યામજ પાછા આપવા દબાણ કરે છે અને ધમકીઓ આપે છે. ગોવિંદ કનુભાઇ રબારીએ તેના સગા લલ્લુ ૨બારી પાસેથી મને પાંચ લાખ અપાવ્યા હતા. જેમાં મેં તેને 15 લાખ જેટલા પાછા આપી દીધા છે તોય હજુ તે મારી પાસે મૂડી અને વ્યાજની માંગણી કરે છે અને જીવણકાકા પાસેથી મેં પંચમ બંગ્લોઝની સાઇટ અઢી કરોડમાં રાખેલી હતી જેમાં મેં તેમને 2 કરોડ ચૂકવી દીધા છે તોય તે હજુ મારી પાસે વ્યાજ મળી 3 કરોડની રકમની માંગણી કરે છે.
30 લાખના બદલામાં વ્યાજ સાથે 65 લાખની ઉઘરાણી કરતા હતા
આ સિવાય ભરત રબારી (અડવાણી) અને રામજી રબારી પાસેથી મેં નહેરૂ ચોકડીની જમીનનો સોદો કરવા માટે 30 લાખ લીધા હતા જે પૈસા મેં તેમને દસ્તાવેજ પછી પાછા આપવાનો વાયદો કર્યો છે પણ તે હવે મારી પાસે 30 લાખના બદલામાં વ્યાજ સાથે 65 લાખની ઉઘરાણી કરે છે અને આ લોકો મને મારી નાંખવાની ધમકીઓ આપે છે. આ લોકોની મૂડી અને વ્યામ ભરવુ એના કરતાં તો મરી જવુ સારૂ તેવુ ઘરમાં બોલતા હતા જેથી પત્ની અને સાસુએ સમજાવ્યા પણ હતા.
હવે મને મરવાના જ વિચારો આવે છે: ભાવિન બારોટ
ગત તા. 8 મી જુલાઈના રોજ ભાવિને ફોન કરીને કહેલું કે, મારે પૈસાનું ખૂબ ટેન્શન આવી ગયુ છે અને આ માણસો મારી પાસે પૈસાની અને વ્યાજની ઉઘરાણી કરે છે અને મારી નાંખવાની ધમકીઓ આપે છે એટલે હવે મને મરવાના જ વિચારો આવે છે. તેમ કહી ઘરે ગયો ન હતો. બાદમાં 10મી જૂલાઈએ ભાવિને મોટા ચીલોડા કેશવ હોટલમાં રોકાયો છું મને છેલ્લી વાર મળવુ હોય તો આવી જાઓ તેમ કહેતાં પત્ની બાળકોને લઈને મળવા ગઇ હતી. એ વખતે પણ ભાવિન કહેવા લાગેલો કે આ લોકો ના હાથમાં આવી જઈશ તો મને મારી નાંખશે. થોડુ વાતાવરણ શાંત થશે પછી હું આવી જઇશ તેમ કહેતા પત્ન ઘરે પરત જતી રહી હતી.
બિલ્ડર હોટલમાં જઈને છૂપાયો છતાં વ્યાજખોરોએ શોધી કાઢી અપહરણ કર્યું
બાદમાં એકાદ કલાક પછી પ્રીતિ બેનના મોબાઇલ ઉપર અજય રબારીએ ફોન કરીને કહ્યું હતું કે, તારા પતિને શોધી લીધો અને તેને કેશવ હોટલથી ઉઠાવી લીધો છે. ત્યારબાદ રાત્રિના આશરે સાડા દસેક વાગે અજય રબારી, સંજય રબારી તથા હિતેષ રબારી ભાવિનને ઘરે લઇને ગયા હતા. તે વખતે ભાવિનનાં બંને હાથ પાછળ બાંધેલા હતા, પછી ત્યાંથી તેઓ નીકળી ગયા હતા. ત્યારે ભાવિનએ કહેલું કે, આ ત્રણેય જણાં મને કેશવ હોટલથી તેમની ગાડીમાં બેસાડી ચાંદખેડા સંજય ભુવાજી અને હિતેષ રબારી તેમની ઓફિસે લઇ ગયેલા જ્યાં મારઝૂડ કરીને ચોપડા અને કોરા કાગળોમાં સહીઓ કરાવી લીધી છે.
બિલ્ડરની લખેલી ચિઠ્ઠી પત્નીને મળી આવી
ત્યારબાદ બીજા દિવસે સવારે ભાવિનએ ગૃહ ત્યાગ કરી દીધો હતો. જેણે લખેલી ચિઠ્ઠી પ્રીતિબેનને મળી હતી. જેમાં ભાવિને દેહગામના અજય ઇશ્વરભાઇ રબારીએ તેમને ફસાવેલો હોય અને અજયે લોકો પાસેથી લીધેલા પૈસાનું તેમણે 50થી 60 ટકા વ્યારજ ચૂકવતા હતા. હિતેષ રબારી અને સંજય ભુવાજી અજય પાસે 15 લાખ માંગતા હોય અને તેના પૈસા અજયે તેની પાસે કબૂલાવેલા હતા. જેનું આ બંને જણાં 10 દિવસના 10 ટકા લેખે વ્યાજ વસૂલતા હોય અને 15 લાખના બદલામાં 60 લાખની માંગણી કરતા હતા અને જેમ ફાવે તેમ ગાળો બોલતા હતા. આ ત્રણેય જણાં તેને કેશવ હોટલમાંથી ઉઠાવી તેમની ઓફિસે લઇ ગયેલા અને ડરાવી ધમકાવી કોરા કાગળો અને ચોપડામાં બળજબરીથી સહીઓ લઇ મને સવા મહિનામાં પૈસા પાછા આપી દેવાનું નહીંતર જાનથી મારી નાંખવાની ધમકી આપી ઘરે મૂકી ગયેલા. દહેગામના ગોવિંદ કનુભાઇ રબારીએ લલ્લુભાઇ રબારી પાસેથી 5 લાખ અપાવ્યા તે પેટે મે 10 લાખ ચૂકવ્યા હતા તેમ છતાં તેમણે મને માર્યો હતો અને માં-બેન સામે ગોળો બોલતા હતા.
હું મરી જઉં એટલે શાંતિ
આ ઉપરાંત ગોવિંદે મને એક મિત્રની કબૂલાત લેવા કહ્યુ હતુ અને વ્યાજ 5 લાખ આપવાના છે તે હું તને આપું છું તેમ ટોટલ 8.6 લાખ તુષાર પટેલના અને 5 લાખ બીજા એમ આ પૈસાનું 10 ટકા દસ દિવસે આપ્યાન હતા તે પેટે મેં 1 લાખ રૂપિયા વ્યાગજ ચૂકવી આપ્યું હતું. હાલ મારી પરિસ્થિતિ ના હોય ગોવિંદ બધાને ફોન કરી કહેતો હતો કે, હું મારી નાંખીશ, જેથી હું ગભરાઇ ગયો હતો મેં મારા મિત્રને વચ્ચે રાખી સમય લીધો હતો તે પુરો થઇ ગયો હતો મને કંઇ ખબર પડતી નથી કે હું શું કરું છેલ્લે બસ મને એક જ રસ્તો દેખાયો કે હું મરી જઉં એટલે શાંતિ.
બે કરોડની સામે ત્રણ કરોડની ઉઘરાણી કરતા હતા
વધુમાં ભાવિનએ પાંચ પાનાની ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે કે, મેં વર્ષ-2019માં જીવણ રબારી પાસેથી સાઇટ રાખી હતી. રૂ 2.5 કરોડમાં અને એમને મેં 2 કરોડ ચૂકવી દીધા હતા તો પણ એ કાકા જેમની ઉંમર 75 વર્ષની છે તે હિસાબ સિવાય મને 3 કરોડ રૂપિયાની માંગણી કરે છે મને રોજ ફોનથી અને અમુક એમના ઉઘરાણીવાળાને લઇને દહેગામ આવે છે અને મને પૈસા આપો તો જ હું કલોલ જઉં ના આપો તો દહેગામ જ રોકાઇશ. રોજ હું તેમને કગરું છું. જ્યારે ભરત રબારી (અડવાણી), રામજી રબારીએ મેં નહેરૂ ચોકડીવાળી જમીનમાં એ લોકોને નફો આપીશ તેમ કહ્યુ હતુ તે પેટે તેમણે મને 30 લાખ રૂપિયા ગોવિંદ રબારી જોડેથી લીધા હતા જેની સામે 65 લાખ માંગે છે. હું બધી દિશામાંથી હારી ગયો છું મારો આ લોકો કયાંય વ્યાનપાર નથી થવા દેતા અને રોજ મને હેરાન કરે છે, ગાળો બોલે છે. રામજી રબારીએ તે સિવાય તેમના પોતાના 7થી 10 લાખ આપેલા તેનું વ્યાજ પણ હું ચૂકવતો હતો, પરંતુ આ લોકો મને એટલી હદે પરેશાન કરી નાંખ્યો છે કે હું મરીશ તો જ આ લોકોને શાંતિ થશે. હું જીવનથી હારી ગયો છું અને નીચે લખેલા બધા નામવાળાઓના લીધે હું સુસાઇડ કરુ છું. વગેરે હકીકત ચિઠ્ઠીમાં લખેલી છે. જેનાં પગલે પત્નીએ ફરિયાદ આપતા દહેગામ પોલીસ મથકના ફોજદાર જે કે રાઠોડે આઠ વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધી ભરત રબારી અને રામજી રબારીની ધરપકડ કરી બિલ્ડર ભાવિન બારોટની શોધખોળ આદરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.