અપહરણનો પ્રયાસ:દહેગામના બિલ્ડરે વ્યાજખોરોનાં ત્રાસથી ગૃહ ત્યાગ કર્યો, હવે બિલ્ડરનાં પુત્રને પણ રસ્તામાં આંતરી અપહરણનો પ્રયાસ કર્યો

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરબપોરે માસ્ક પહેરેલા બે ઈસમોએ ટયુશન જતાં દીકરાને આંતરીને એક્ટિવા ઉપર બેસી જવાની સૂચના આપી હતી મોકો જોઈને કિશોર સાયકલ લઈને આંતરિક રસ્તેથી ઘરે પહોંચ્યો હતો

થોડાં દિવસ અગાઉ દહેગામના બિલ્ડર ભાવિન બારોટે આઠ વ્યાજખોરોના ત્રાસનાં કારણે ચિઠ્ઠી લખીને ગૃહ ત્યાગ કર્યો હતો. જેનો હજી સુધી પત્તો લાગ્યો નથી એવામાં બિલ્ડરના સગીર વયના પુત્રને ટયુશન જતાં આવતાં પણ રસ્તામાં આંતરીને ભર બપોરે માસ્ક પહેરેલા બે ઈસમોએ એક્ટિવા ઉપર અપહરણ કરવાની કોશિશ કરી હોવાની રાવ દહેગામ પોલીસ મથકે પહોંચી છે. જેનાં પગલે પોલીસે બિલ્ડરની પત્નીએ કરેલ રજૂઆત સંદર્ભે તપાસનો દોર શરૂ કર્યો છે.

વૈભવી જીવનશૈલી જીવતા બિલ્ડરે વ્યાજખોરોનાં ત્રાસથી ગૃહ ત્યાગ કર્યો
દહેગામના સોલંકીવાસમાં રહી વૈભવી જીવનશૈલી જીવતા બિલ્ડર ભાવિન બારોટ પાસે આઠ વ્યાજખોરો પઠાણી પૈસા માટે પઠાણી ઉઘરાણી કરતાં હતાં. વ્યાજખોરો ભાવિન પાસેથી 50 થી 60 ટકા વ્યાજ ઉઘરાવી લીધું હોવા છતાં પૈસા માટે વારંવાર જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપવામાં આવતી રહેતી હતી. અને વ્યાજખોરોએ અપહરણ કરીને કોરા કાગળો અને ચોપડામાં સહીઓ લઈને છોડી પણ મૂક્યો હતો. અંતે બિલ્ડર ભાવિન બારોટે ચિઠ્ઠી લખીને 22 મી જુલાઇનાં રોજ ગૃહ ત્યાગ કરી દીધો હતો.

આઠ વ્યાજખોરો સામે ગુનો દાખલ થયો છે
આ અંગે બિલ્ડરની પત્નીએ દહેગામ પોલીસ મથકમાં ભાવિન બારોટે લખેલો ચિઠ્ઠી રજૂ કરી દહેગામના વ્યાજખોર અજય રબારી, ભરત રબારી, રામજી રબારી, ગોવિંદ કનુભાઈ રબારી, શાહપુરમાં રહેતા લલ્લુભાઈ રબારી, કલોલમાં રહેતા જીવણભાઈ રબારી અને ચાંદખેડામાં રહેતા હિતેષ રબારી અને સંજય રબારી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરાયો છે કે કનુ રબારી અને લલ્લુ રબારી પાસેથી ગોવિંદે પાંચ લાખ અપાવ્યા હતા. જે બાદ વ્યાજ સાથે 15 લાખ ચૂકવ્યા હતા. આ સિવાય જીવણકાકા પાસેથી એક સાઈટ અઢી કરોડમાં રાખી હતી. જેમાં 2 કરોડ રુપિયા ચૂકવ્યા હતા. તેમ છતા વ્યાજખોરો ઉઘરાણી કરતા હતા. ભરત રબારી અને રામજી રબારી પાસેથી એક સોદા માટે 30 લાખ લીધા હતા. આ રુપિયા દસ્તાવેજ થયા બાદ આપવાની વાત કરી હતી. તેમ છતા 30 લાખના બદલે 65 લાખની ઉઘરાણી કરતા હતા. તેમનો એવો પણ આક્ષેપ છે કે, 50 થી 60 ટકા જેટલું વ્યાજ તેઓએ ચૂકવ્યું હતું.

વ્યાજખોર જીવણ રબારી સહિતના લોકો ભૂગર્ભમાં ઉતરી ધરપકડથી બચવાનાં હવાતિયાં
આ ગુના સંદર્ભે દહેગામ પોલીસ દ્વારા ભરત રબારી અને રામજી રબારીની ધરપકડ કરી અન્ય નાસતા ફરતા વ્યાજખોરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. જેનાં પગલે વ્યાજખોર જીવણ રબારી સહિતના લોકો ભૂગર્ભમાં ઉતરી પોલીસ ધરપકડથી બચવા રાજકીય દબાણ લાવવાની કોશિશ પણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ હજી બિલ્ડરનો ક્યાંય પત્તો નથી એવામાં તેની પત્નીએ પોતાના 12 વર્ષના પુત્રનું પણ અપહરણ કરવાની કોશિશ થયાની પોલીસને અરજ કરી છે.

એક્ટિવા સવાર માસ્ક પહેરેલ ઈસમોએ આંતરીને પુત્રનાં અપહરણની ટ્રાય કરી
ભાવિન બારોટની પત્ની પ્રીતિએ આક્ષેપ કર્યો છે કે તેમનો બાર વર્ષનો પુત્ર સાયકલ લઈને ટયુશન જતો હતો એ વખતે રસ્તામાં એક્ટિવા ઉપર આવેલા માસ્ક પહેરેલ ઈસમોએ તેને આંતરીને એક્ટિવા પર બેસી જવા સૂચના આપી હતી. એ દરમ્યાન કોઈનો ફોન આવતા બંને ઈસમો ફોન પર વાત કરી રહ્યા હતા. જેનો લાભ લઈને પુત્ર ટયુશન જતો રહ્યો હતો. જેને પરત ઘરે આવતી વખતે પણ દહેગામના સ્વામિનારાયણ મંદિર પાસે ઉક્ત ઈસમોએ રોકી અભદ્ર ભાષામાં વાત કરી હતી. આથી સગીર આંતરિક માર્ગ તરફથી ઘર તરફ સાયકલ લઈને ભાગ્યો હતો જેનો એક્ટિવા સવાર ઈસમોએ પીછો પણ કર્યો હતો.

તપાસના અંતે તથ્ય જણાશે તો ગુનો પણ નોંધવામાં આવશે: પીએસઆઇ રાઠોડ
બાદમાં જેમતેમ કરીને ઘરે જઈને તેણે સઘળી હકીકત માતા પ્રીતિબેનને વર્ણવી હતી. જેનાં પગલે પ્રીતિબેન સહિત સોલંકી વાસનાં લોકો દહેગામ પોલીસ મથકે પહોંચી ગયા હતા. આ અંગે પીએસઆઇ જે કે રાઠોડે જણાવ્યું હતું કે, ભાવિન બારોટની પત્નીએ પુત્રનાં અપહરણ પ્રયાસની રજૂઆત કરી છે. જેથી હકીકતમાં આવો કોઈ બનાવ બન્યો હતો નહીં તેના માટે બનાવ સ્થળ સહીતના આસપાસનાં વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. તપાસના અંતે તથ્ય જણાશે તો ગુનો પણ નોંધવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...