કાર્યવાહી:દહેગામ નજીક કારને રેઢિયાળ મૂકીને મેશ્વો નદીના કોતરોમાં ભાગી છૂટેલા બુટલેગરને પોલીસે મેરેથોન દોડ લગાવીને દબોચી લીધો

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાંથી વિદેશી દારૂનો જથ્થો રાખેલી 29 પેટીઓ સાથે 9.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
  • રાજસ્થાનના સાચોરનાં સુનીલ નામનાં આરોપીને પોલીસે દબોચ્યો

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કલ્યાણજી મુવાડા પાટીયા નજીક કારને રેઢિયાળ મૂકીને મેશ્વો નદીના કોતરોમાં ભાગી છૂટેલા ડ્રાઇવરને રખિયાલ પોલીસે મેરેથોન દોડ લગાવીને આબાદ રીતે ઝડપી લઇ કારમાંથી 29 પેટીઓમાં રાખેલો 504 નંગ વિદેશી દારૂનો જથ્થો મળીને કુલ રૂપિયા 9.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરના રખિયાલથી પીપળજ રોડ તરફ જતા રોડ પરથી ભારતીય બનાવટમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ઇનોવા કાર પસાર થવાની બાતમી રખિયાલ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહેશ જીવાભાઇ પટેલને મળી હતી. જેનાં પગલે પોલીસ કાફલો રખિયાલ થી નીકળી પીપળજ ગામ તરફ જતા રોડ ઉપર કલ્યાણજી ના મુવાડા પાટિયા નજીક પહોંચ્યો હતો અને ખાનગી ગાડીઓ રોડ પર ઉભી રાખી આડસ કરી દીધી હતી.

જે દૂરથી ઇનોવા કારનો ડ્રાઇવર જોઈ જતા તેણે પોતાની ગાડી પાછી વળાવીને પીપળજ ગામ તરફ ભગાડી મુકી હતી. જેની પાછળ પોલીસ કાફલો પણ પોતાના ખાનગી વાહનોમાં પીછો કરવા લાગ્યો હતો. ત્યારે ઇનોવા કારના ડ્રાઈવરે સાહેબજીના મુવાડા ગામે મેશ્વો નદીના પુલના છેડે કાર ઉભી રાખી નદીના કોતરોમાં ભાગી ગયો હતો. આ જોઈને પોલીસે પણ નદીનાં કોતરોમાં મેરેથોન દોડ લગાવીને ડ્રાઇવરને પકડી લીધો હતો.

બાદમાં પૂરતા જાપ્તા સાથે ઇનોવા કારને રખીયાલ પોલીસ મથકે લાવવામાં આવી હતી જ્યાં કારના ડ્રાઇવરનું નામ પૂરતા તેણે પોતાનું નામ સુનીલ ચેતનરામ બીસનોઈ (રહે વિષ્ણુનગર બાવરલા સાચોર, રાજસ્થાન) હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કારમાં રહેલ વિદેશી દારૂની 29 પેટીઓમાં ભરેલ 504 નંગ દારૂની બોટલોનો જથ્થો કી. રૂ. એક લાખ 26 હજાર 480, મોબાઈલ ફોન તેમજ ઇનોવા કાર મળીને કુલ. 9.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 24 વર્ષીય સુનીલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...