ગાંધીનગર મહાનગરપાલિકામાં સ્થાપનાકાળથી એટલે કે વર્ષ 2010માં 7 ગામ સમાવિષ્ટ કરાયાં હતાં અને હવે છેક 12 વર્ષે શહેર ભાજપને આ ગામોમાં શહેરો જેવો વિકાસ નથી થયો, એની જાણ થઈ છે. ઇન્દ્રોડા, બોરીજ, ધોળાકૂવા, આદીવાડા, ફતેપુરા, પાલજ અને બાસણ ગામોમાં શહેરો જેવી સુવિધા ન હોવાની શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટે મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. મજાની વાત એ છે કે ભાજપ શાસિત રાજ્યની ભાજપ શાસિત મહાનગરપાલિકા વિશે ભાજપના જ શહેર પ્રમુખે ફરિયાદ કરી છે.
ભાજપના શહેર પ્રમુખે સીએમ પોર્ટલ પર ફરિયાદ કરી હતી ત્યારે હવે સવાલ એ થાય છે કે 7 ગામનો શહેર જેવી સુવિધાઓ ન મળવા પાછળ જવાબદાર કોણ? ભાજપનું શાસન કે અધિકારીઓ છે? કારણ કે 2011માં કોર્પોરેશનની પ્રથમ ચૂંટણીમાં જીત બાદ અઢી વર્ષ જ કૉંગ્રેસનું શાસન રહ્યું હતું. ત્યારથી અત્યાર સુધી ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપનું જ શાસન રહ્યું છે.
ત્યારે સૌનો સાથ સૌનો વિકાસના સુત્ર સાથે ચાલતા ભાજપના સાશનમાં આ સાત ગામો વિકાસમાં કેમ પાછળ રહી ગયા તે નથી સમજાતું. ગાંધીનગર મહાનગરપાલિકામાં 41 બેઠક સાથે ભાજપની ભવ્ય જીત બાદ પણ મનપામાં સમાવિષ્ઠ 7 ગામોના વિકાસ માટે ભાજપ શહેર પ્રમુખને સીએમઓ સુધી કેમ ફરિયાદ કરવી પડી તે વાત જ નવાય પમાડે તેવી છે. ત્યારે રુચિર ભટ્ટની આ રજૂઆત પાછળ વિધાનસભા ચૂંટણી સાથે અગાઉ કૉંગ્રેસ તરફ રહેલો મોટા ભાગના વિસ્તાર હવે ભાજપ તરફી થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ભાજપ શહેર પ્રમુખ વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરતા હોવાની ચર્ચા
ભાજપ પક્ષ દ્વારા વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે ટિકિટના દાવેદારો સોગઠાં ગોઠવવા લાગ્યા છે. ભાજપમાં ચાલતી ચર્ચા મુજબ શહેર પ્રમુખ રુચિર ભટ્ટ વિધાનસભા ટિકિટની રેસમાં છે. તેઓ દ્વારા જે ગામોના વિકાસ માટે ભલામણ કરાઈ છે, તે ગામોમાં પાલજ સિવાયનો વિસ્તાર ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં આવે છે ત્યારે ભાજપના સ્થાનિક નેતાઓ તેઓની આ રજૂઆતોને વિધાનસભા ચૂંટણી સાથે પણ સાંકળી રહ્યાં છે.
નવા વિસ્તારો જેવી સુવિધાથી વંચિત જૂનાં ગામો
શહેરની શરૂઆતમાં જે ગામો મનપામાં આદીવાડા અને ધોળાકૂવા, બાસણ, બોરીજ, પાલજ, ઈન્દ્રોડા સહિતનાં ગામો કૉંગ્રેસ તરફી વધુ હતાં, જેને પગલે અત્યાર સુધી આ ગામો વિકાસ અને રંગમંચ, લગ્નવાડી, ગાર્ડન સહિતની સુવિધાઓથી વંચિત રહી ગયાંની ચર્ચા છે. હાલના સત્તાધીશો દ્વારા જે રીતે નવાં સમાવિષ્ઠ ગામોમાં વધુ ધ્યાન અપાય છે તેટલું ધ્યાન આ તરફ ન અપાતું હોવાની લાગણી સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.