વિકાસનો વિજય:ભાજપને એટલી પ્રચંડ બહુમતી મળી કે કોંગ્રેસ-આપને વિપક્ષનું પદ પણ નહીં મળે

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર મનપાના 11 વોર્ડમાંથી 8 વોર્ડમાં આખી પેનલ ભાજપની
  • 2011માં ભાજપને 15, 2016માં 16 બેઠક મળી હતી જ્યારે 2021ની ચૂંટણીમાં 41 બેઠકનો કૂદકો માર્યો

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકમાંથી 41 બેઠક ભાજપને મળી તેમાં સૌથી મોટું પરિબળ પ્રદેશ એકમે અપનાવેલી નો રીપીટ થીયરી છે. પાછલી ટર્મમાં ચૂંટાઈને સત્તા ભોગવતા કોર્પોરેટરો સામે ભ્રષ્ટાચાર, આડોડાઈ, સ્વચ્છંદતા અને આપસી ટકરાવ છતાં ગાંધીનગરની જનતાએ ભાજપને આપ્યો તે તેની પારાશીશી છે. ખંધા રાજકારણીઓને હટાવીને બિલકુલ નવા જ ચહેરા મેદાને ઉતારીને પ્રદેશ એકમે સૌથી પહેલાં તો એન્ટિ ઇન્કમ્બન્સી ફૅક્ટરને ખાળી દીધું હતું. તે પછી આવેલી કોરોનાની બીજી લહેરને કારણે ચૂંટણી પાછી ઠેલાઈ અને લહેર હળવી થતાં ભાજપનું સંગઠન કામે વળગ્યું.

ભાજપના વિજેતા ઉમેદવારોએ પોતાના વોર્ડમાં વિજય સરઘસ પાઢ્યું હતું.
ભાજપના વિજેતા ઉમેદવારોએ પોતાના વોર્ડમાં વિજય સરઘસ પાઢ્યું હતું.

પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જે રીતે પેજ સમિતિઓ દ્વારા કાર્યકર્તાઓને લોકો સુધી પહોંચતા કર્યાં તેની સીધી અસર ચૂંટણીમાં જોવા મળી.સતત બે ટર્મમાં ભાજપ બહુમતીથી દૂર હોવા છતાં યેનકેન પ્રકારે પક્ષપલટાને કારણે સત્તા મેળવી લેતું હતું. તેની સામે કૉંગ્રેસને જનાદેશ મળ્યો અને તેમાંય કોરોનાની બીજી લહેર દરમિયાન ભાજપ વિરોધી જુવાળ હોવા છતાં તેને આધારે લોકોની સહાનુભૂતિ મેળવવાને લાયક પણ ન રહી.

કૉંગ્રેસને સાફ કરીને ઝાડું ઘસાઈ ગયું
કૉંગ્રેસને સાફ કરીને ઝાડું ઘસાઈ ગયું

ઇચ્છાશક્તિ હોત તો કૉંગ્રેસ જે ગાંધીનગરમાં મજબૂત છે, તેણે કપરા કાળમાં લોકોની પડખે ઊભા રહી ભાજપને પછડાટ આપી હોત પરંતુ અહીં ખાટલે મોટી ખોડ એ છે કે પ્રદેશના નેતૃત્વ, ધારાસભ્ય અને શહેરના નેતાઓથી માંડીને કાર્યકર્તાઓ સાવ નિષ્ક્રિય જ રહ્યા, એક્ટિવ થયાં જ નહીં. પરિણામે પાર્ટી 2 બેઠક પર સમેટાઈ ગઈ. તે 2 બેઠક પણ ઉમેદવારો વ્યક્તિગત છબિથી ચૂંટાઈ આવ્યા છે. વિપક્ષ પદે રહેવા માટે સન્માનજનક બેઠકો મેળવવામાં નિષ્ફળ રહેલી કૉંગ્રેસ માટે હવે આવતી વિધાનસભા ચૂંટણી પણ અઘરી બની જશે.

ત્રીજા ફૅક્ટર તરીકે ગાંધીનગરના સ્થાનિક રાજકારણમાં પ્રવેશેલી આમ આદમી પાર્ટીએ હાકલા પડકારા બહુ કર્યા પણ રણનીતિનો સાવ અભાવ હતો. સ્થાનિક સંગઠન અને ચહેરો નહીં હોવાથી સુરત, અમદાવાદ અને અન્ય સ્થળોએથી કાર્યકરો લાવીને ગાંધીનગરમાં ઊતાર્યા હતા. દર વખતે કૉંગ્રેસ તરફી પડતા મત આ વખતે આપના શો-બિઝનેસને કારણે ત્યાં વળી ગયાં. આમ આદમી પાર્ટી ખાતું ખોલાવીને એક ઉમેદવાર સાથે હવે પાલિકામાં પ્રવેશી છે. જોકે, આપને 21 ટકાથી વધુ મતો મળ્યા તેની નોંધ લેવી ઘટે.

લોકશાહીને ટકાવી રાખવા મજબૂત વિપક્ષ જરૂરી છે પણ ગાંધીનગર મહાનગરપાલિકામાં વિપક્ષના સભ્યો માત્ર ત્રણ રહ્યા છે. આગામી 5 વર્ષ સુધી ભાજપને અહીંની જનતાએ કોઈ પણ પ્રકારના વિરોધના સૂર વિના ગાંધીનગરના વિકાસની જવાબદારી સોંપી છે, તેનું મહત્ત્વ સત્તાપક્ષે સમજવું પડશે. હવે ગાંધીનગર ખરા અર્થમાં વિકાસની અપેક્ષા રાખે છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ત્રીજી ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી હાંસલ કરીને સત્તા કબજે કરી છે. 11 વોર્ડની કુલ 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર જીત મેળવી છે. 2 વખત કૉંગ્રેસને તક આપનારા મતદારોએ આ વખતે કૉંગ્રેસને જાકારો આપ્યો હોય તેમ 44માંથી માત્ર 2 જ બેઠક કૉંગ્રેસને મળી છે. આ તરફ પ્રથમ વખત ચૂંટણીમાં ઝંપલાવનારી આમ આદમી પાર્ટીએ 1 બેઠક સાથે ખાતું ખોલાવ્યું છે.

વિકાસનો વિજય ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી મેળવતાં 44માંથી 41 બેઠક પર ભગવો લહેરાયો છે. 11માંથી 8 વોર્ડમાં તમામ પૅનલ ભાજપની છે.

સૌથી વધુ 8637 મત મહેન્દ્ર પટેલ (દાસ)ને મળ્યા
ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણીમાં કુલ-11 વોર્ડમાંથી સૌથી વધુ મત વોર્ડ નંબર-10 ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઇ પ્રહલાદભાઇ પટેલ (દાસ)ને 8637 મત મળ્યા છે. જ્યારે બીજા ક્રમે વોર્ડ નંબર-10ના ભાજપના ઉમેદવાર મીરાબેન મિનેષકુમાર પટેલને 8635 મત મળ્યા છે. જ્યારે સૌથી ઓછા મત વોર્ડ નંબર-6ના ભાજપના ઉમેદવાર પ્રેમલત્તાબેન નિલેશભાઇ મહેરીયાને 3825 મત મળ્યા છે. બીજી તરફ વોર્ડ નંબર 8 ભાજપના ઉમેદવાર રાજેશ રાવજીભાઇ પટેલને જન્મ દિવસે વિજયની ભેટ મળી હતી. સૌથી નાની વયના કોર્પોરેટર તરીકે ભાજપના વોર્ડ નંબર 9ના ડૉ. સંકેત પંચાસરા (પ્રજાપતિ) કોર્પોરેટર બન્યા છે.

ભાજપને કુલ 46.49 ટકા મત મળ્યા

વોર્ડ નંબર-1
ભાજપ 43.37
કોંગ્રેસ 19.99
આપ 18.59
વોર્ડ નંબર-2
ભાજપ 46.86
કોંગ્રેસ 38.78
આપ 11.79
વોર્ડ નંબર-3
ભાજપ 39.48
કોંગ્રેસ 37.94
આપ 20.51
વોર્ડ નંબર-4
ભાજપ 41.72
કોંગ્રેસ 35.21
આપ 19.26
વોર્ડ નંબર-5
ભાજપ 59.69
કોંગ્રેસ 26.40
આપ 12.86
વોર્ડ નંબર-6
ભાજપ 36.58
કોંગ્રેસ 27.26
આપ3 1.94
વોર્ડ નંબર-7
ભાજપ 47.15
કોંગ્રેસ 33.98
આપ 17.34
વોર્ડ નંબર-8
ભાજપ 46.72
કોંગ્રેસ 22.48
આપ 25.66
વોર્ડ નંબર-9
ભાજપ 48.08
કોંગ્રેસ 19.61
આપ 31.12
વોર્ડ નંબર-10
ભાજપ 58.25
કોંગ્રેસ 11.85
આપ 27.81
વોર્ડ નંબર-11
ભાજપ 43.52
કોંગ્રેસ 36.33
આપ 17.50
કુલ
ભાજપ 46.49
કોંગ્રેસ 27.99
આપ 21.72

બેવડો માર : કૉંગ્રેસ અને આપ વચ્ચે માત્ર 34 હજાર મતનું જ અંતર
મનપામાં રવિવારે 11 વોર્ડમાં કુલ 1,58,532 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં કુલ 5,71,064 મત પડ્યા હતા. આ મતોમાંથી ભાજપને 2,64,904, કૉંગ્રેસને 1,59,675 જ્યારે આપને 1,24,774 મત મળ્યા હતા. એટલે કે આપ અને કૉંગ્રેસ વચ્ચે માત્ર 34 હજાર મત જેટલું જ અંતર રહ્યું છે, જે એક રીતે કૉંગ્રેસનો રકાસ અને આપ પરોક્ષ રીતે જીત સૂચવે છે. કુલ મતોમાં 1278 નોટા જ્યારે 12 અપક્ષને 10,889 મત મળ્યા હતા.

કૉંગ્રેસને સાફ કરીને ઝાડું ઘસાઈ ગયું
ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણીના આવેલા આશ્ચર્યજનક પરિણામને લઇને લોકોને ચોંકાવી દીધા છે. કુલ-44 સીટોમાંથી 41 સીટો ઉપર ભગવો લહેરાયો છે. જ્યારે બે ઉપર કોંગ્રેસ અને એક ઉપર આમ આદમીની પાર્ટી વિજેતા બની છે. ત્યારે જાડુએ કમળની સફાઇ કરવાને બદલે કોંગ્રેસની સફાઇ કરીને જાડુ ઘસાઇ ગયું તેવું ચિત્ર ઉપસ્યું છે. જોકે મતગણતરી સ્થળે સવારથી ટેકેદારોની ભીડ જોવા મળતી હતી.

અન્ય સમાચારો પણ છે...