અમદાવાદ એરપોર્ટ ખાતે ફરજ બજાવતાં સિનિયર એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ એંજિનિયરનાં ગળામાંથી સુઘડ રોડ પરથી ચેઇન સ્નેચર 50 હજારનો દોરો તોડીને ફરાર થઈ જતાં અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અડાલજના સુઘડ એટલાન્ટા પાર્કમાં રહેતા મધુરભાઈ મેઘરાજભાઈ માલાની છેલ્લા પોણા ત્રણ વર્ષથી અમદાવાદ એરપોર્ટ ખાતે વિસ્તારા એરલાઈન્સમાં સિનિયર એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ એંજિનિયર તરીકે ફરજ બજાવે છે. મૂળ નાગપૂરના મધુરભાઈ ગઈકાલે તેમની પત્ની નેહા સાથે સુઘડ અઘોરા મોલ ખાતે મલ્ટિપ્લેક્સમાં પિક્ચર જોવા માટે ગયા હતા.
ત્યારબાદ દંપતી સ્કુટી ઉપર સુઘડ પાસેની રેસ્ટોરન્ટમાં જમ્યા પછી ઘર તરફ રવાના થયું હતું. સુઘડ થી તપોવન સર્કલ તરફના રોડ પર રાત્રીના સાડા દસ વાગ્યાના અરસામાં બ્લેક કલરના પલ્સર બાઈક પર આવેલ ચેઇન સ્નેચર મધુરભાઈનાં ગળામાંથી રૂ. 50 હજારની કિંમતનો સોનાનો દોરો તોડીને પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો હતો.
ત્યારે સોનાનો દોરો તોડતી વખતે ચેઇન સ્નેચરે મધુરભાઈ સામે નજર પણ મિલાવી હતી. બાદમાં રાત્રીના અંધકારમાં પૂરપાટ ઝડપે નાસી જતાં મધુરભાઈ બાઈકનો નમ્બર જોઈ શક્યા ન હતા. ત્યારે રાત્રે બહુ મોડું થઈ ગયું હોવાથી આજે મધુર ભાઈએ ફરિયાદ આપતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.