• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • The Amount Of Vaccine Is Not Enough And The CM Told The Collectors, 'Increase Vaccination'; Collectors Were Also Given The Responsibility Of Enforcing The Land Grabbing, Love Jihad Act

કલેક્ટરોની કોન્ફરન્સ:રસીનો જથ્થો પૂરતો નથી ને CMએ કલેક્ટરોને કહ્યું, ‘વેક્સિનેશન વધારો’; લેન્ડ ગ્રેબિંગ, લવ જેહાદ કાયદાના અમલીકરણની જવાબદારી પણ કલેક્ટરોને સોંપાઈ

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ત્રીજી લહેર અંગેની સૂચના પણ આપવામાં આવી - Divya Bhaskar
ત્રીજી લહેર અંગેની સૂચના પણ આપવામાં આવી
  • કોરોનાની ત્રીજી લહેર સામે તૈયારી માટે કલેક્ટરોની કોન્ફરન્સમાં સૂચના અપાઈ

રાજ્યમાં કોરોનાના સંક્રમણ સામે રસીકરણ ઝુંબેશ એકાએક ધીમી પડી છે અને પૂરતો જથ્થો નહીં હોવાથી અનેક સેન્ટરો બંધ કરી દેવા પડ્યાં છે. લોકો ધક્કા ખાઈને પરત ફરી રહ્યા છે. રસીકરણના આંકડામાં પણ મોટો ઘટાડો આવ્યો છે. બીજી તરફ ગાંધીનગરમાં બોલાવાયેલી કલેક્ટર-ડીડીઓની કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા મહત્તમ વેક્સિનેશન માટે કલેક્ટર અને ડીડીઓને સૂચના આપી હતી. એક તરફ રાજ્યમાં રસીનો પૂરતો સ્ટોક ક્યારે આવશે તે નક્કી નથી ત્યારે વેક્સિનેશન વધારવાની સૂચના મળતા અધિકારીઓમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો હતો.

રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરને કારણે લાંબા સમય બાદ બોલાવાયેલી કલેક્ટર- ડીડીઓની કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું. કાયદો વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે રાજ્ય સરકારે તાજેતરમાં અમલી બનાવેલા ગુંડા ધારા, લેન્ડ ગ્રેબિંગ એક્ટ ઉપરાંત બળજબરીથી થતા ધર્માંતરણ અટકાવવા લવાયેલા લવ જેહાદ કાયદાના અમલીકરણ માટે પણ જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. કલેક્ટરોને ફિલ્ડ વિઝિટ વધારવા અને જનસેવા કેન્દ્રોની કામગીરી વ્યાપક બનાવવા જણાવાયું હતું.

રૂપાણીએ કહ્યું કે, સરકાર કે અધિકારીઓ જાડી ચામડીના નહીં પણ લોકોના પ્રશ્નો અંગે સજાગ છે, ખોટું કરનારાઓને ચલાવી લેવાતા નથી તેવો લોકોમાં વિશ્વાસ બેસે તેવી કાર્યપદ્ધતિ કલેક્ટર-ડીડીઓએ અપનાવવી જોઈએ. લોકોને કચેરીમાં ધક્કા ખાવા ન પડે અને ઓનલાઇન સેવા મળી રહે તેવા પ્રયાસ કરવા જોઈએ.

ઈ- રજિસ્ટ્રેશન મરજિયાત કરાતાં ધસારાને કારણે રસી ખૂટી પડે છેે: સરકારની સ્પષ્ટતા
આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, હાલ દૈનિક સરેરાશ ચાર લાખ જેટલાં ડોઝ ગુજરાતમાં કેન્દ્ર સરકાર તરફથી આવે છે, પરંતુ રસીકરણ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન મરજિયાત કરતાં ઘણાં સેન્ટર પર રસી મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે, તેથી રસીના ડોઝ ખૂટી જાય છે. અગાઉ ગુજરાતને દૈનિક 2.5 લાખ જેટલા રસીના ડોઝ મળતા હતા, તેને સ્થાને હાલ દોઢ લાખ ડોઝ આવે છે. ગુજરાતમાં છેલ્લા સપ્તાહે 27 લાખ લોકોનું રસીકરણ થયું છે, જે દૈનિક 3.80 લાખ જેટલું થાય છે.

અન્ય સમાચારો પણ છે...