પ્રારંભ:ગાંધીનગરમાં અગિયારમાં એગ્રી એશિયા-2022 પ્રદર્શનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જર્મની પેવેલિયન-પ્રાકૃતિક ખેતી વિષયક પેવેલિયન-ગોબરધન અને સરકારની કૃષિ કલ્યાણ યોજનાઓનું વિશેષ પેવેલિયન પ્રદર્શનના મુખ્ય આકર્ષણો

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં 11માં એગ્રી એશિયા પ્રદર્શનનો પ્રારંભ કરાવીને જણાવ્યું હતું કે ખેતીમાં સમયાનુકુલ અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી પાકવૃદ્ધિ અને કિસાન સમૃદ્ધિની વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદીની નેમ સાકાર કરવામાં ગુજરાત ખેતીને પ્રાથમિકતા આપીને અગ્રેસર રહ્યું છે.

વડાપ્રધાને કિસાન હિતકારી યોજનાઓ દેશને આપી છે
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોની આવક બમણી કરી કૃષિ અર્થતંત્રને મજબૂત બનાવવા વડાપ્રધાનએ જે કિસાન હિતકારી યોજનાઓ દેશને આપી છે તેનો સુચારૂ અમલ ગુજરાતમાં થઇ રહ્યો છે. ગુજરાત આજે કૃષિ, ઉદ્યોગ, એક્સપોર્ટ, નાણાંકીય વ્યવસ્થાપન, કોવિડ મેનેજમેન્ટ સહિત સર્વાંગી ક્ષેત્રે દેશમાં રોલમોડેલ બન્યું છે. તેના મૂળમાં નરેન્દ્રભાઇ મોદીએ આપેલી વિકાસની રાજનીતિ અને સૌના કલ્યાણનો મંત્ર છે.

કૃષિ જ્ઞાન-વિજ્ઞાન ઘર આંગણે પૂરા પાડવામાં આવા પ્રદર્શનો ઉપકારી બનશે
ભૂપેન્દ્ર પટેલે ખેતી ક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે સાથે પોષણયુકત ખેતી માટે નેચરલ ફાર્મીંગ-પ્રાકૃતિક ખેતીનો પણ વ્યૂહ સરકારે અપનાવ્યો છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ઉપરાંત ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી ખેતી ક્ષેત્રના સમ્યક વિકાસ માટે ખેતીને પ્રાથમિકતા આપે છે તેમ જણાવ્યું હતું. રાજ્યના ખેડૂતોને વિશ્વના પ્રવાહ અનુરૂપ પાક પદ્ધતિ અને કૃષિ જ્ઞાન-વિજ્ઞાન ઘર આંગણે પૂરા પાડવામાં આવા પ્રદર્શનો ઉપકારી બનશે.

પ્રદર્શનીના જર્મની અને પ્રાકૃતિક ખેતી વિષયક ડ્રોન પેવેલિયનની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી
આ પ્રસંગે તેમણે પ્રદર્શનીના જર્મની પેવેલિયન, પ્રાકૃતિક ખેતી વિષયક પેવેલિયન-ડ્રોન પેવેલિયન સહિતના વિવિધ પેવેલિયન અને સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી. મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ આ ‘એગ્રી એશિયા’ના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતમાં કૃષિ અને પશુપાલન વર્ષોથી એકબીજાના પૂરક રહ્યા છે ત્યારે આ ત્રિદિવસીય એગ્રી એશિયા અને ૯મું પશુપાલન-ડેરી ટેકનોલોજી પ્રદર્શન તેમાં વધુ પ્રોત્સાહક બળ પૂરું પાડશે.

કોરોનાના કારણે વૈશ્વિક મંદીના માહોલમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વમાં ભારત આજે વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની છે. ભારતીય અર્થ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ગુજરાતની ભૂમિકા પણ અગત્યની રહી છે. ગુજરાત સરકારે ખેડૂતોને ડ્રોન થકી ખેતીમાં દવાના છંટકાવ પર સબસિડી આપીને દેશને નવો રાહ ચિંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...