અપહરણ પ્રકરણણમાં નવો ખુલાસો:દહેગામમાં વેપારીના અપહરણ મામલે ઝડપાયેલા આરોપીઓએ અન્ય એક ખેડૂત પાસે પણ બે કરોડની ખંડણી માગી હતી

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફેબ્રુઆરી મહિનામાં દહેગામના વેપારીનું અપહરણ કરીને 50 લાખની ખંડણી વસૂલીને બીજા 50 લાખ લેવા માટે આવેલા અપહરણકર્તાઓને પોલીસે દબોચી લીધા હતા. ત્યારે આ અપહરણકારો અન્ય એક ખેડૂતનું પણ જમીન ખરીદવાના બહાને અપહરણ કરીને બે કરોડની ખંડણી માંગી 45 લાખની વસૂલી કરવામાં આવી હોવાની ફરિયાદ દહેગામ પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે.

બીજી તરફ દહેગામના વેપારીના અપહરણકાંડમાં સામેલ મુકેશ પટેલના મિત્ર શૈલેષે 2017માં નવીન શાહનું અપહરણ કરી ખંડણી માંગી હતી અને ત્યારબાદ મર્ડર કર્યું હોવાનું પણ તપાસમાં ખુલવા પામ્યું હતું. ત્યારે આ અપહરણકારોનું વધુ એક કાંડ બહાર આવતાં પોલીસે ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે.

દહેગામના હિંગળાજ ફાર્મમાં રહેતા હરેશભાઈ દેવજીભાઈ પટેલના ફોન ઉપર સપ્ટેમ્બર - 2019 માં અજાણ્યા ઈસમે ફોન કરીને પોતાની ઓળખાણ મુકેશભાઇ કાનજીભાઇ પટેલ તરીકે આપી જમીન લે-વેચનું કામ કરતો હોવાનું કહ્યું હતું. અને મોટી પાર્ટીને જમીન ખરીદવી હોવાનું કહી ફાર્મ હાઉસ ખાતે સંજયસિંહ કમલસિંહ જાટવને લઈને ગયો હતો.

બાદમાં એક પાર્ટીને બસ્સો કરોડ જમીનમાં રોકવાની વાત કરી જમીન બતાવવા માટે કહ્યું હતું. આથી હરેશભાઈએ પોતાની જમીન બતાવવાની તૈયારી દર્શાવી હતી. જેનાં બીજા દિવસે તેમને વાસણા રાઠોડ રોડ ઉપર બોલાવેલ હતા. જ્યાં ગાડીમાં ઉક્ત બે ઈસમો સિવાય સંજય શાહ અને ભરત મણીભાઈ પટેલ પણ હતા. જેઓની સાથે ગાડીમાં બેસીને હરેશભાઈ મધુવન બંગ્લોજ નજીક આવેલ એક ખેતર બતાવવા લઇ ગયા હતા. અને પાછા વળતી વખતે ચપ્પા અણીને અપહરણ કરી લેવામાં આવ્યું હતું.

બાદમાં હરખજીના મુવાડા ગામ થઇ લવાડ ગામથી દહેગામ - બાયડ રોડ ઉપર લઇ જઈ તારી પાસે બહુ પૈસા છે જીવતા ઘરે જવું હોય તો બે કરોડ આપી દે નહીં તો મર્ડર કરવાની ધમકીઓ આપવા લાગ્યા હતા.જો કે આટલી મોટી રકમની સગવડ નહીં હોવાથી હરેશભાઈએ પોતાના પરિચિત વ્યક્તિઓ થકી 45 લાખની રકમ અપહરણકારોને આપતા તેમનો છુટકારો થયો હતો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ દહેગામના વેપારીના અપહરણમાં પકાડાયેલા આરોપીઓના ફોટા જોઈને હરેશભાઈએ ખંડણીખોરોને ઓળખી લીધા હતા.અને મુકેશકુમાર કાનજીભાઈ પટેલ (રહે.જેતપુર પટેલવાસ,નવા રામપુરાકંપા,તા.વડાલી, જિ.સાબરકાંઠા),સંજયસિંહ કમલસિંહ જાટવ(રહે.પિતામ્બરી મીનરલ્સ ફેક્ટરી ઉડવા, ગુરુકૃપા ખેડબ્રહ્મા,રહે.302 ગ્રીનવીલા,શેલ્બી હોસ્પિટલ સામે, નરોડા),ભરત મણિલાલ પટેલ(રહે.ઈન્દીરાનગરી,કણજરીગામ,તા.નડીઆદ),સંજય શાહ (રહે. હિંમતનગર) તેમજ દિપેશ દિલીપભાઈ પટેલ(રહે. દહેગામ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...